માર્કેટમાં આવી એક નવી જ અનોખી કંકોત્રી: લગ્નમાં જૂની યાદોને જાળવી રાખવાનો શરૂ થયો નવો ટ્રેન્ડ
અગાઉના સમયમાં જ્યારે ટેલિફોન, મોબાઈલ, વહાટ્સઅપ કે એસએમએસ હતા નહિ ત્યારે દૂર રહેતા સગા સંબંધી કે પરિવારજનોને સંદેશો પહોંચાડવાનો કે ખબર અંતર જાણવાનું એક માત્ર માધ્યમ પોસ્ટ કાર્ડ હતું.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: સોશિયલ મીડિયાના યુગમાં આજે ટપાલ સેવા ધીમેં ધીમે લુપ્ત થતી જઈ રહી છે. આજની નવી પેઢીને પોસ્ટ કાર્ડ એટલે શુ તેની પણ ખબર નહીં હોય ત્યારે આણંદનાં ખેતીવાડીની પોસ્ટ ઓફિસનાં સબ પોસ્ટ માસ્ટરે પોતાના દીકરાના લગ્નમાં પોસ્ટકાર્ડ પર કંકોત્રી છપાવી સગા સબંધીઓમાં વિતરણ કરીને પોસ્ટ કાર્ડને ફરી એક વાર લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો છે.
અગાઉના સમયમાં જ્યારે ટેલિફોન, મોબાઈલ, વહાટ્સઅપ કે એસએમએસ હતા નહિ ત્યારે દૂર રહેતા સગા સંબંધી કે પરિવારજનોને સંદેશો પહોંચાડવાનો કે ખબર અંતર જાણવાનું એક માત્ર માધ્યમ પોસ્ટ કાર્ડ હતું. ઘરમાં શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય પોસ્ટ કાર્ડ લખીને સગા વહાલાઓને મોકલવામાં આવતા અને ગામમાં પણ જ્યારે ટપાલી પોસ્ટકાર્ડ આપવા આવે ત્યારે લોકો પોતાના સગા સબંધીની ખબર જાણવા ટપાલની ઉત્કંઠા પૂર્વક રાહ જોતા હતા. પરંતુ સંદેશા વ્યવહાર આધુનિક બનતા હવે આંગણીનાં ટેરવે પરિવારજનોને સંદેશા આપી અને મેળવી શકાય છે. તેવા સમયે પોસ્ટકાર્ડ ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. એક સમયે એક આના અને ત્યારબાદ ધીમે ધીમે વધીને આજે મોંઘવારીના સમયમાં પણ પોસ્ટકાર્ડ માત્ર 50 પૈસામાં મળે છે. અને સમગ્ર દેશમાં માત્ર 50 પૈસામાં તમેપોસ્ટ કાર્ડ મોકલી શકો છો,
આજે લગ્ન પ્રસંગમાં 5 રૂપિયાથી માંડી 500 રૂપિયા સુધીની કંકોત્રી લખવામાં આવે છે ત્યારે આણંદની ખેતીવાડી સબ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર મુબારકઅલી સૈયદએ પોતાના પુત્ર અતિકઅલીનાં લગ્નની કંકોત્રી પોસ્ટકાર્ડ પર છપાવીને સગા વ્હાલાઓને મોકલી છે. મુબારકઅલી આ અંગે વાત કરતા કહે છે કે આજે સામાન્ય રીતે લગ્નની કંકોત્રી 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની હોય છે અને પ્રિન્ટિંગ તેમજ પોસ્ટજ ખર્ચ અલગ ત્યારે પોસ્ટકાર્ડ કંકોત્રીમાં દેશ ભરમાં કોઈ પણ જગ્યાએ કંકોત્રી પહોંચાડવાનો ખર્ચ મહત્તમ 7 રૂપિયા આવે છે. પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કાર્ડ માત્ર 50 પૈસામાં મળે છે જેના પર કંકોત્રી છપાવીને 6 રૂપિયાની પોસ્ટલ ટીકીટ લગાવવાથી કંકોત્રી સગા વ્હાલા સુધી પહોંચી જાય છે. જેનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો સસ્તામાં કંકોત્રી બનાવી શકે છે.
આ અંગે મુબારકઅલી સૈયદ જણાવે છે કે, આજે લખવાની કળા વિસરાઈ રહી છે, એક સમયે પોસ્ટકાર્ડ અંતરદેશી જેવા પરબીડિયા લખવાનું એક ક્રેઝ હતો. આજે મોબાઈલ યુગમાં આ પરબીડિયા લખવાનું યુવા પેઢી સાવ ભૂલી ગઈ છે. ત્યારે દીકરાના લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ પાઠવવા 1000 ઉપરાંત પોસ્ટકાર્ડ લખી આમંત્રણ પાઠવેલ છે. જોકે આજે પોસ્ટકાર્ડ ની કિંમત માત્ર 50 પૈસા જ છે, ત્યારે પોસ્ટકાર્ડ લખી તેની ઉપર વધુ છ રૂપિયાની ટિકિટ ચોંટાડી અને પોસ્ટ કરવા સહિતનો ખર્ચ કરેલ છે.જે લગ્નની અન્ય મોંઘી કંકોત્રી કરતા સાવ ઓછો જ છે.
એની પાછળ માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે, મોંઘા દાટ થતા લગ્નમાં પણ એક પોસ્ટકાર્ડથી કંકોત્રી લખી શકાય છે. અને તે આ રીતે શક્ય પણ છે,જેથી પોસ્ટ વિભાગની પણ રેવન્યુ જનરેટ કરવામાં મદદ થશે. સાથે સાથે પોસ્ટકાર્ડ અભિયાન થકી આજની પેઢીને ભુલાઈ ગયેલી સેવાઓ વિશે અવગત કરાવવાનો ઉત્તમ આ એક વિચાર માત્ર છે. મોંઘી કંકોત્રી અને આમંત્રણ પત્રિકાની માત્ર કાર્યક્રમ,સ્થળ અને જગ્યા જાણવા સુધી ઉપયોગ છે.તો માત્ર પોસ્ટકાર્ડ ને કેમ કંકોત્રી ના બનાવી દેવાય..! આમ આ અનોખી પહેલને પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને સગા,સ્નેહી,મિત્રોએ પણ આ વિચારને વધાવી લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે