'તું મજુરનાં ખિસ્સામાંથી ચોરી કરી રહ્યો છે', કહેવું ભારે પડ્યું! લબર મુછીયા યુવાને કરી દર્દનાક હત્યા

રવિવારની રાત્રીનાં 11-30 વાગ્યાનાં સુમારે 18 વર્ષનાં લબર મુછીયા યુવાનએ 28 વર્ષનાં યુવાનને ગળાનાં ભાગે છરી મારી ગળુ કાપી નાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર યુવાનને ઝડપ્યો.

'તું મજુરનાં ખિસ્સામાંથી ચોરી કરી રહ્યો છે', કહેવું ભારે પડ્યું! લબર મુછીયા યુવાને કરી દર્દનાક હત્યા

બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં મિનરવા ચોકડી નજીક જૈન દેરાસર પાસે રવિવારની રાત્રીનાં 11-30 વાગ્યાનાં સુમારે 18 વર્ષનાં લબર મુછીયા યુવાનએ 28 વર્ષનાં યુવાનને ગળાનાં ભાગે છરી મારી ગળુ કાપી નાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર યુવાને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે. 

આણંદ શહેરમાં રાજોડપુરા ઉમંગ પાર્ટી પ્લોટની પાછળ વર્ષોથી રહેતો અને મૂળ દાહોદનાં લીમડી ગામનો શૈલેષભાઈ મગનભાઈ ભગોરા જીઆઈડીસીમાં જનતા કોલોની સામે છાપરામાં રહેતો હતો અને કડીયાકામ કરતો હતો. દરમિયાન ગત રાત્રીનાં સુમારે શૈલેષ પોતાનાં મિત્ર મોગરી ગામનાં સુરેશભાઈ મુળજીભાઈ બારૈયાની મોટરસાયકલ લઈને બન્ને જણા આણંદની મેલડી માતા ઝુંપડપટ્ટીમાં મજુરો શોધવા આવ્યા હતા. 

ત્યારે મિનરવા ચોકડી નજીક જૈનદેરાસર પાસે ઓટલા પર સુઈ રહેલા મજુરનાં ખિસ્સામાંથી જફર શબ્બીરભાઈ શેખ નામનો યુવક મોબાઈલ કાઢી રહ્યો હોઈ જે શૈલેષ જોઈ જતા તેઓએ બાઈક ઉભુ રાખી જફરને કહ્યું હતું કે તું મજુરનાં ખિસ્સામાંથી ચોરી કરી રહ્યો છે, જેથી તેમ કહેતા જ જફર ઉસ્કેરાઈ ગયો હતો અને તેણે શૈલેષ સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન ઝઘડો ઉગ્ર બનતા જફરએ પોતાની પાસેની છરી કાઢીને શૈલેષનાં ગળા પર મારી દેતા શૈલેષ લોહી લુહાણ થઈ જીવ બચાવવા દોડયો હતો અને 20 મીટર દુર જઈને રોડ પર ફસડાઈ પડયો હતો. જેમાં વધુ લોહી વહી જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. 

દરમિયાન ઘટનાની જાણ થતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરી શૈલેષને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પી.આઈ વી.ડી ઝાલા, ડીવાયએસપી જે.એન પંચાલ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજની તપાસ હાથ ધરી હતી. તેમજ હત્યારાની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. 

દરમિયાન પોલીસે બાતમીનાં આધારે હત્યાનાં ગુનામાં સંડોવાયેલા મેલડી માતા ઝુંપડપટ્ટીમાં રહેતા જફર શબ્બીરભાઈ શેખ નામનાં 18 વર્ષીય હત્યારાને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news