ઇસુદાન ગઢવી વિધિવત રીતે આપમાં જોડાયા, કેજરીવાલે કહ્યું, ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે ગુજરાત મોડલ

ગુજરાતના લોકો પાસે પહેલાં વિકલ્પ ન હતો પરંતુ હવે ગુજરાતના લોકોને એક સક્ષમ વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

ઇસુદાન ગઢવી વિધિવત રીતે આપમાં જોડાયા, કેજરીવાલે કહ્યું, ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે ગુજરાત મોડલ

ગૌરવ પટેલ, અમદાવાદ: દિલ્હી (Delhi) ના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાત (Gujarat) માં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા. 

તો આ તરફ જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે મિટિંગ મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો. 

પત્રકારત્વની એક લક્ષણ રેખા હોય છે: ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) એ જણાવ્યું હતું કે 15 વર્ષની પત્રકારની કારકિર્દીમાં ક્યારેય રાજકારણમાં જોડાઇશ એવું વિચાર્યું ન હતું, મેં લોકોના અવાજ ટીવી પર ઉઠાવ્યા અને તેનાથી તેમને લાભ થયા છે. લોકોની અપેક્ષા વધવા લાગી કે ઇસુદાનને સમસ્યા પહોંચાડી દો તો તેનો ઉકેલ આવી જશે. ગુજરાતની જનતાએ મને અઢળક પ્રેમ આપ્યો છે. 

તેમણે વધુમાં કહ્યું હતું કે પત્રકારત્વ (Journalism) ની એક લક્ષણ રેખા હોય છે પણ નિર્ણય લેવાની ક્ષમતા અને જવાબદારી નેતાની હોય છે. પહેલાં પણ લોકસેવા અને સમાજસેવાનું કામ કરતો હતો અને રાજકારણમાં જોડાયા પણ આજે એ જ એજન્ડા છે. જ્યારે હું ડિબેટમાં નેતાઓને એવું કહેતો કે આમ કરવું જોઇએ ત્યારે સામેથી જવાબ આવતો હતો કે માત્ર ટીવી ડિબેટથી નહી પણ લોકોની વચ્ચે જવું જોઇએ. 

જ્યારે પ્રમાણિકતાની વાત કરતો હોઉ ત્યારે પાર્ટી પણ એવી પસંદ કરવી જોઇએ જે પ્રમાણિક હોય. આજે ગુજરાત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. બે પાંચ વાયદા પુરા ન થાય પણ અમારી જવાબદારી તમામ વચનોને પુરા કરવાની રહેશે. જનતાની અપેક્ષા એટલી વધી હતી કે લોકો વચ્ચે જવાનો નિર્ણય કર્યો. ઇમાનદાર રાજનિતિ માટે હું લોકોને આહ્વાન કરું છું. ગુજરાતની મહિલાઓ, પ્રજા, ખેડૂતો અને યુવાનો માટે મેદાને ઉતર્યો છું. 

ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે ગુજરાત મોડલ: અરવિંદ કેજરીવાલ
ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ આઝાદીની લડાઇમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને અનેક નેતાઓ પણ આપ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે અનેક પ્રાંતમાં વહેંચાયેલો હતો પરંતુ સરદાર પટેલે તેને અખંડ કર્યો હતો. જ્યારે કોઇની કારકિર્દી પૂર્ણ થાય ત્યારે તે રાજકારણમાં જોડાઇ તે સ્વાભાવિક છે પરંતુ જોઇ કોઇ પોતાની મધ્યાહને તપતી કારકિર્દી છોડીને રાજકારણમાં જોડાઇ તો સમજજો કે તે પ્રજા માટે જોડાઇ છે. 

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજ્યની તમામ 182 સીટો પર ઉમેદવાર ઉભા રાખશે. ગુજરાતના લોકો પાસે પહેલાં વિકલ્પ ન હતો પરંતુ હવે ગુજરાતના લોકોને એક સક્ષમ વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે કહ્યું કે દિલ્હી મોડલ ગુજરાત મોડલ ન હોઇ શકે, કારણ કે દરેક રાજ્યની અલગ-અલગ સમસ્યા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news