ખૂન કા બદલા ખૂન..! પેરોલ પર ઘરે આવતા જ બંદૂકની અણીએ હત્યા, ફિલ્મોમાં જોયેલા દ્રશ્યો બનાસકાંઠામાં સર્જાયા!
બનાસકાંઠાના માવસરીના સણવાલ ગામે 2016માં થયેલી વરધાજી બારોટની હત્યા કેસમાં આરોપી મીઠાવિચારણા ગામનો મફાભાઈ દુધાભાઈ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી જેલમાં કેદ હતો.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: ખૂન કા બદલા ખૂન આ વાક્ય તમે કદાચ પિક્ચરોમાં સાંભળ્યું જ હશે. અને દ્રશ્યો જોયા પણ હશે પરંતુ પિક્ચરોમાં જોયેલા દ્રશ્યો બનાસકાંઠામાં સર્જાયા છે. બનાસકાંઠાના સરહદીય માવસરીના મીઠાવિચારણ ગામના હત્યાના આરોપીની પેરોલ પર ઘરે આવતા જ બંદૂકની અણીએ હત્યા થતા ચકચાર મચી છે. જોકે બનાસકાંઠા પોલીસે ભારે મહેનત બાદ હત્યારાની હત્યા કરનારા હત્યારાઓને આંતર રાજ્યમાંથી દબોચી લીધા છે અને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના માવસરીના સણવાલ ગામે 2016માં થયેલી વરધાજી બારોટની હત્યા કેસમાં આરોપી મીઠાવિચારણા ગામનો મફાભાઈ દુધાભાઈ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી જેલમાં કેદ હતો. જો કે 27 ઓક્ટોબરે મફાભાઈ પેરોલ પર મુક્ત થઇ પોતાની પત્ની સાથે થરાદ સેશન કોર્ટમાંથી બાઈક ઉપર પરત ઘરે જઈ રહ્યો હતો. તે સમયે જ ટડાવ ગામ નજીક કેટલાક શખ્સોએ મફાભાઈના બાઈકને ટક્કર મારી તો બાઈક પાછળ બેઠેલી મફાભાઈની પત્ની રોડ પર પટકાઈ ગઈ પરંતુ મફાભાઈ બાઇક લઇ આગળ દોડતા રહ્યા અને તે બાદ આ શખ્સોએ ફરી મફાભાઈના બાઇકને ગાડીથી ટક્કર મારતા મફાભાઈ રોડ પર પટકાયા અને તે બાદ શખ્સોએ મફાભાઈના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની પર ફાયરિંગ કરી દીધું અને મફાભાઈને મોતને ઘાટ ઉતારી આ શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા.
જોકે ઘટના બાદ વિસ્તારના સોશિયલ મીડિયામાં તળાવ રોડ ઉપરથી અજાણ્યા શખ્સની લાશ મળ્યાના સમાચાર વહેતા થતા ચકચાર મચી હતી. જો કે મૃતદેહના ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળતા મફાભાઈની પત્ની હરિબેનને પોતાના જ પતિની હત્યા થઇ હોવાની જાણ થતા હરીબેને તેમનો પીછો કરી ટક્કર મારનારા શખ્સઓ જ તેમના પતિની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે મફાભાઈના બાઈકને ટક્કર મારનારા શખ્સો મફાજી જે વર્ધાજી બારોટ હત્યા કેસમાં જેલમાં હતા. તેમના દીકરા જ હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
જો કે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા પરંતુ આરોપીઓ ફરાર થઈ જતા આખરે 8 દિવસને અંતે બનાસકાંઠા પોલીસ યુપી પહોંચી અને યુપીના એક ગામમાંથી મફાભાઈની હત્યા કરનારા ભરત ઉર્ફે પિન્ટુ વર્ધાજી બારોટ, દશરથ બાબુજી બારોટ, કિરણ ભમરજી બારોટ અને દિનેશ હીરાજી બારોટને ઝડપી લીધા અને તેમની સામે ગુનો દાખલ કરી ચારે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આ હત્યા કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જોકે પિતાની હત્યાનો બદલો વાળવા તેમના જ સંતાનોએ કેટલાક મદદગારોને સાથે રાખી હત્યાને અંજામ આપતા અત્યારે તો આ મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે