મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનઃ બનાસકાંઠામાં સૌથી વધુ 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરાયા
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ કરાયું છે. જેમાં ગામ લોકો પણ સ્વંયભૂ જનભાગીદારી કરીને સેવા કાર્યમાં જોડાઈ રહ્યાં છે.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ ગુજરાતના ગામડાંઓમાં પણ હવે કોરોનાની મહમારીના કારણે સ્થિતિ વિકટ બની રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. આ સ્થિતિને કાબુમાં લેવા માટે ગુજરાત સરકારે કમરકસી છે. ગુજરાત સરકારે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. સરકારના આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા માટે મોટી રાહતના સમાચાર છે. કોરોનાના દર્દીઓને તેમના ઘરઆંગણે સારવાર મળી રહે તેમને શહેરમાં ન જવું પડે તેવી વ્યવસ્થા કરાઈ છે. બનાસકાંઠામાં સૌથી વધુ ૮૯૭ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૬૪૦૦ બેડ ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યાં છે. ગામડાંઓમાં કોરોનાનું સંક્રમણ વધુ અટકાવવા સરકાર પ્રયાસ કરી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ કરાયું છે. જેમાં ગામ લોકો પણ સ્વંયભૂ જનભાગીદારી કરીને સેવા કાર્યમાં જોડાઈ રહ્યાં છે. કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતીમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ આહવાનનો મારૂં ગામ–કોરોનામુકત ગામ અભિયાનના શરૂ થયાના માત્ર ૪૮ કલાક એટલે કે બે જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં રાજ્યના ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કુલ ૧ લાખ પ હજારથી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી. એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું.
ગ્રામીણ કક્ષાએ કોરોના મુકત ગામ બને સાથોસાથ ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ સાથે આઇસોલેશનમાં અલગ રાખવા પણ તેમણે અપિલ કરી હતી.
આ અપિલને પગલે ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની ૧૦ વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે ૩૩ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ તંત્ર વાહકોને પ્રેરિત કરીને આ અભિયાન શરૂ થયાના માત્ર ૪૮ કલાકમાં જ ર૪૬ તાલુકામાં ૧૦૩૨૦ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરીને ૧ લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધાઓ જરૂરતમંદ ગ્રામીણ નાગરિકો માટે ઊભી કરી દીધી છે. આ ૧૦૩ર૦ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં ૮૩ સેન્ટર્સમાં ૧૨૪૨ બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ૮૯૭ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૬૪૦૦ પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે