કાશ્મીર સમસ્યા, અર્બન નક્સલવાદના ઉલ્લેખથી પ્રધાનમંત્રીએ કોના પર સાધ્યું નિશાન?

પ્રધાનમંત્રી મોદીના ભાષણ અને તેમનું રાજકીય વિરોધીઓ પર નિશાન સાધવાનું વલણ બીજા કરતા અલગ છે. તેઓ હંમેશા એક કાંકરે બે નહીં પણ અનેક નિશાન સાધવામાં માહેર છે. એ જ બાબત તેમના ભાષણોમાં પણ જોવા મળે છે. હાલમાં વિવિધ ભાષણો દરમિયાન મોદી એક સાથે ભાજપ અને આપ પર નિશાન સાધતા નજરે પડે છે.

કાશ્મીર સમસ્યા, અર્બન નક્સલવાદના ઉલ્લેખથી પ્રધાનમંત્રીએ કોના પર સાધ્યું નિશાન?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીએ અર્બન નક્સલવાદ અને કાશ્મીર સમસ્યાનો ઉલ્લેખ કર્યો. તેમણે કોંગ્રેસનો તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, જો કે આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના અર્બન નક્સલીઓનો ઉલ્લેખ કર્યો.પ્રધાનમંત્રીએ એકવાર ફરી અર્બન નક્સલ શબ્દનો ઉપયોગ કરી વિરોધીઓ પર પ્રહાર કર્યા. ભરૂચમાં જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નામ લીધા વિના વિરોધીઓને ઘેરવાનો પ્રયત્ન કર્યો. સ્થળ ભરૂચ હોવાથી તેમણે સરદાર સરોવર યોજનાને રોકવા માટે નક્સલવાદી માનસિકતાને જવાબદાર ગણાવી.  

કેજરીવાલ પર નિશાન?
પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું કે અર્બન નક્સલીઓ નવા રંગરૂપમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે, તેઓ યુવાનોને ભરમાવે છે. તેમણે એમ પણ કહ્યું કે અર્બન નક્સલો ઉડીને આવે છે.. પ્રધાનમંત્રીએ નામ લીધા વિના કરેલા આ પ્રહાર આમ આદમી પાર્ટી પર હોઈ શકે છે. કેમ કે કેજરીવાલના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેધા પાટકરને લોકસભા ચૂંટણી લડવા ટિકિટ આપનાર પક્ષને અર્બન નક્સલ ગણાવ્યા હતા. અને મેધા પાટકરને 2014માં આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. ત્યારથી અર્બન નક્સલ શબ્દ રાજકારણમાં વધુ પ્રચલિત બન્યો છે.

 

 

પ્રધાનમંત્રીએ બીજું શું કહ્યું?
નક્સલવાદને વિકાસ માટે જોખમી ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નક્સલવાદે પશ્વિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોના લોકોની જિંદગી બરબાદ કરીને યુવાનોના હાથમાં બંદૂકો પકડાવી દીધી...યુવાનોને ઉશ્કેરવામાં આવ્યા. અર્બન નક્સલીઓને તેમણે વિદેશી તાકતોના એજન્ટ ગણાવ્યા.

ગુજરાતને નક્સલવાદથી મુક્ત રાખ્યુંઃ PM
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે તેમણે ગુજરાતમાં નક્સલવાદને પ્રવેશવા ન દીધો. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારને મેં નક્સલવાદથી મુક્ત રાખ્યો હતો. આ માટે આદિવાસી વિસ્તારોમાં વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું.  

કોંગ્રેસ પર પ્રહાર-
આણંદમાં પ્રધાનમંત્રીએ દેશના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે કાશ્મીરની સમસ્યા માટે તેમણે નામ લીધા વિના નહેરુ પર નિશાન સાધ્યું. પ્રધાનમંત્રીએ કટાક્ષ કર્યો કે કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લે, કેમ કે તેમણે તેનો ક્યાંક જવાબ આપવો પડશે...

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news