ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા, ભાવનગરમાં ઢોર અડફેટે પાટીદાર યુવાનનું મોત બાદ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

ભાવનગર શહેરમાં માર્ગો પર બેસી ગયેલા અને રસ્તા વચ્ચે અડિંગો જમાવીને ટ્રાફિક ને અડચણરૂપ બની રહેલા રખડતા ઢોર હવે લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. રોડ પર સતત ધમધમતા રહેતા વાહન વ્યવહારને કારણે ઢોર અડફેટે ચડવાના બનાવો પણ વધ્યા છે. 

ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા, ભાવનગરમાં ઢોર અડફેટે પાટીદાર યુવાનનું મોત બાદ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

નવનીત દલવાડી/ભાવનગર: મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે, જેમાં ઢોર ની અડફેટે ચડેલા એક યુવાનનું ગઈકાલે મોત નીપ્યું હતું. ત્યારે સફાળા જાગી ઉઠેલા તંત્ર જાહેરનામું બહાર પાડી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે.

ભાવનગર શહેરમાં માર્ગો પર બેસી ગયેલા અને રસ્તા વચ્ચે અડિંગો જમાવીને ટ્રાફિક ને અડચણરૂપ બની રહેલા રખડતા ઢોર હવે લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. રોડ પર સતત ધમધમતા રહેતા વાહન વ્યવહારને કારણે ઢોર અડફેટે ચડવાના બનાવો પણ વધ્યા છે, અત્યાર સુધીમાં ઢોરના કારણે બનેલા અકસ્માતોએ અનેકના જીવ લઈ લીધા છે. લોકો દ્વારા તંત્રને વારંવાર રખડતા ઢોરને પકડી ડબ્બે પુરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ જાણે કે હલતું ના હોય એવું લાગી રહ્યું છે અને તંત્રની આવી બેદરકારીના કારણે વધુ એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ખોયો છે. 

મૂળ મહેસાણાનો અને ભાવનગરની ખાનગી કંપનીમાં નોકરી કરતો રવિ પટેલ નામનો યુવાન ગઈકાલે સવારે ઘરેથી નીકળ્યા બાદ બુધેલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે લીલા સર્કલથી ટોપ3 સર્કલ વાળા રસ્તા પર બાઇક સામે ગાય આવી ચડતા યુવાનની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. રોડ પર બાઇક સાથે ઢસડાઈ રહેલા યુવકનું માથું આર.સી.સી રોડની સાઈડમાં રહેલી તીક્ષ્ણ કટ સાથે અથડાતા યુવાનનું 108 પહોંચે એ પહેલા જ મોત થઈ ગયું હતું. બીજી બાજુ ઢોરને એકઠા કરી જાહેર રોડ પર ખુલ્લેઆમ રજકો અને ઘાસચારો વેચતા લોકોનો પણ શહેરમાં રાફડો ફાટ્યો છે.

શહેરમાં 100થી વધુ સ્થળો પર ઢોરને ભેગા કરી જાહેરરોડ પર ઘાસચારો વેચવાની ખુલ્લેઆમ પ્રવૃત્તિ થઈ રહી છે. ધાર્મિક લાગણી સાથે જોડાયેલા લોકો ગાય ને ઘાસચારો ખવડાવવા અહીં આવે છે જેના કારણે રખડતા પશુઓ અહીંથી હલવાનું નામ નથી લેતાં. આવા ઘાસચારો વેચનારા ઈસમોને ત્યાંથી હટાવી કડક કાર્યવાહી કરવાને બદલે મનપાના કર્મચારીઓ તેને 250 રૂપિયા દંડની પહોચ પકડાવી ચાલ્યા જાય છે, અને બીજે દિવસે ફરી દંડ ઉઘરાવવાની કામગીરી શરૂ રાખે છે. જેના કારણે ઢોરની સમસ્યા જેમની તેમ જ જોવા મળે છે. રખડતા ઢોરના લીધે સતત થઈ રહેલા અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં રોશની લાગણી જોવા મળી હતી. તેમ જ આ માટે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ કરી હતી.

શહેરમાં રસ્તે રખડતા ઢોરના કારણે મોતને ભેટેલા યુવાન પ્રત્યે મનપા કમિશનર એન.વી ઉપાધ્યાય એ શોક દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ શહેરમાં ઢોર પકડવાની કામગીરી સઘન બનાવાશે એવી બાંહેધરી આપી હતી. તો સાથે એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં ઢોરને રખડતા મૂકનાર માલિકો અને ખુલ્લામાં ઘાસચારો વેચતા ઈસમો સામે 188 મુજબ કાર્યવાહી થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

ભાવનગરના મનપા કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી લાંબા સમયથી ગોકળગતીએ ચાલતી ઢોર પકડવાની કામગીરીને આજથી વેગવંતી કરી છે. ઢોર પકડવા માટેની ટીમના અને ફાયર વિભાગના ચીફ ઓફિસર અને વેટરનરી ડો. મહેશ હીરપરા એ જણાવ્યું હતું કે હવે આ કામગીરીને અટકાવવામાં નહિ આવે જ્યાં સુધી સમસ્યા હળવી ના બને ત્યાં સુધી અવિરત શરૂ રાખવામાં આવશે.

મનપા દ્વારા લોકોની રજૂઆત બાદ કામગીરી તો કરવામાં આવે છે. પરંતુ એની ગતિ એટલી ધીમી હોવાના કારણે લોકોની રખડતા ઢોરની સમસ્યાનો હલ થતો નથી, હવે જ્યારે કમિશનરનાં જાહેરનામા બાદ તંત્ર એ ઢોર પકડવાની કામગીરી તો શરૂ કરી દીધી છે, પરંતુ જાહેરનામા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિયમો માત્ર કાગળ પર ન રહેતા યોગ્ય રીતે લાગુ થાય એ પણ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news