ભાવનગરના વિકાસમા સરકારને કોઈ રસ નથી, શહેરમાં હજી નથી બન્યો પહેલો ઓવરબ્રિજ

ભાવનગરના વિકાસમા સરકારને કોઈ રસ નથી, શહેરમાં હજી નથી બન્યો પહેલો ઓવરબ્રિજ
  • ભાવનગરમાં વિકાસના કામોને વેગ આપવા લોક માંગ
  • બની રહેલો ઓવરબ્રિજ અને સિક્સ લેન રોડ ઝડપી પૂર્ણ કરવા માંગ
  • સિક્સ લેન રોડ બનાવવાની મર્યાદા ઉપર વધારાના 15 માસ પૂર્ણ થઇ ચુક્યા છે
  • હજુ આ સિક્સ લેન રોડ ક્યારે પૂર્ણ થશે તે કહેવું મુશ્કેલ
  • વિકાસના કામો સમયસર પૂર્ણ ન થતા લોકોને ભારે હાલાકી

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલી રહ્યા છે. પરંતુ કોરોના મહામારીમાં આ વિકાસના કામોની ઝડપ રૂંધાઇ છે. ભાવનગર શહેરમાં રૂપિયા 125 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા સૌ પ્રથમ ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જ્યારે ૩૦ કરોડના ખર્ચે બની રહેલો નારી ચોકડીથી દેસાઈનગર સિક્સ લેઈન રોડને પૂર્ણ કરવાની મુદત તો ક્યારની વીતી ગઈ અને ત્યાર બાદ વધારાના 15 માસ પણ પૂર્ણ થઇ ગયા છતાં હજુ આ કામ પૂર્ણ નથી થયું. જેથી આ વિસ્તારમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે આ ધીમા વિકાસને ગતિ આપવા લોકો માંગ ઉઠી છે.

ભાવનગર શહેરના આર.ટી.ઓ સર્કલથી દેસાઈનગર સુધી રૂ.125 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ઓવરબ્રિજ બની રહ્યો છે. આ ઓવરબ્રિજની હાલ કામગીરી શરુ હોય અને મધ્યેથી પસાર થતો હોઈ રોડની બંને સાઈડ વાહન વહેવાર કાર્યરત છે. પરંતુ તેમાં વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. આ ભાવનગર-રાજકોટ મુખ્ય હાઈવે માર્ગ છે, તેમજ જીઆઈડીસી અને હીરાના કારખાના આવેલા હોય આ માર્ગ પર લોકોની ભારે અવરજવર રહે છે અને રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. આ માર્ગનો ટ્રાફિક હળવો કરવા ૩ વર્ષ પહેલા નારી ચોકડીથી દેસાઈનગર સુધી રૂ.૩૦ કરોડના ખર્ચે સિક્સ લેઈન રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેના ૨ વર્ષની નિયત મર્યાદા પૂર્ણ થતાં વધારાના ૧૫ માસનો બીજો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોરોના મહામારી અને કામમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાની ફરિયાદને લઇ કામ અટકી પડ્યું હતું. પરંતુ હવે કોરોના હળવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકો સિક્સ લેનની કામગીરી ઝડપી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટરના કહેવા મુજબ વિકાસના કામોની ગતિ ધીમી પડી છે, સરકાર પોતાના પ્રોજેક્ટને સમયસર પૂર્ણ નથી કરી શકતી. કોઈ કામના ટેન્ડર બાદ કોન્ટ્રાક્ટરને તેનો પુરતો સમય આપવામાં આવે છે. પરંતુ કોઈને કોઈ કારણોસર કામો સમયસર પૂર્ણ નથી થતા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો વહેલી તકે કામ પૂર્ણ થાય તે જરૂરી છે

મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલિયાનું કહેવુ છે કે. કોરોના કાળને લઇ કામગીરી ધીમી પડી હતી. તેમજ થોડું મટીરીયલની ગુણવતા બાબતે પણ ફરિયાદો હતી, જે દુર કરવામાં આવી છે. અને ચોક્કસ મોડું થયું છે, પરંતુ હવે કામને વેગ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news