ભાવનગર: શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, DGP પણ રહ્યા હાજર

ભાવનગર ભરતનગર પોલીસ મથકના ૪ કોન્સ્ટેબલોના રાજસ્થાનના શાહપુરના ભાભરુ પોલીસ મથકની હદમાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

ભાવનગર: શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, DGP પણ રહ્યા હાજર

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર ભરતનગર પોલીસ મથકના ૪ કોન્સ્ટેબલોના રાજસ્થાનના શાહપુરના ભાભરુ પોલીસ મથકની હદમાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યા હતા. આ તમામ શહીદ પોલીસ કોન્સ્ટેબલોના પાર્થિવ દેહને ભાવનગર લાવવા રાજ્યસરકારે ખાસ ત્રણ પ્લેન ફાળવતા તમામના પાર્થિવ દેહને બાય એર ભાવનગર એરપોર્ટ પર લાવી ત્યારબાદ નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડીજીપી, આઈજી, એસપી સહિતના પોલીસ અધિકારીઓ તથા રાજકીય આગેવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યારે તમામ શહીદો ના પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો પણ શ્રદ્ધાંજલિ પાઠવવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.

અગાઉ વર્ષ 2011માં ભાવનગરના પોલીસ જવાનો સાથે બનેલી દુર્ઘટનાનું પુનરાવર્તન કહી શકાય તેવી ઘટના ગઈકાલે રાત્રે બની હતી જેમાં ભાવનગર ભરતનગર પોલીસ મથકના ચાર કોન્સ્ટેબલો ચોરીના આરોપીઓને ઝડપી લેવા ફોર્ચ્યુનર કાર લઈ દિલ્હી ગયા હતા. જ્યાંથી ચોરીના આરોપીને ઝડપી તેઓ ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના જયપુરના શાહપુરના ભાભરુ પોલીસ મથકની હદમાં કાર ચાલકે કોઈ કારણોસર કાર પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જેમાં કારમાં સવાર ચારેય કોન્સ્ટેબલો શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધિયા, ઈરફાન આગવાન અને ભીખુભાઇ બુકેરા અને આરોપી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં શહીદ ચારેય કોન્સ્ટેબલોના પાર્થિવ દેહ ભાવનગર લાવવા રાજ્યસરકાર દ્વારા ખાસ પ્લેન ની વ્યવસ્થા કરી હતી અને મોડી રાત્રીના 11 કલાકે 3 પ્લેનમાં ચારેય પાર્થિવ દેહ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાંથી તેમને ધર્મ રથમાં પુરા સન્માન સાથે ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતાં. આ દુઃખદ બનાવ ને લઈ ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા પણ ભાવનગર પહોંચ્યા હતા અને શહીદો ને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ આઈજી, એસપી, એએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભાવનગર પોલીસ બેડામાં બનેલા દુઃખદ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહીદ જવાનોના પરિવાર ને સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મળવાપાત્ર સહાય ની જાહેરાત કરી હતી, જેમાં 2.5 લાખના ત્વરિત સહાયના ચેક ડીજીપી ના હસ્તે સ્થળ પર જ શહીદ પોલીસ જવાનો ના પરિવાર ને અર્પણ કરાયા હતા તેમજ મુખ્યમંત્રી દ્વારા દરેક જવાનના પરિવારને 4-4 લાખની સહાય જાહેર, હેડ કોન્સ્ટેબલ મનસુખ કાબાભાઈ બાલધિયા ને ઇન્સ્યોરન્સ સહિત 1 કરોડ 35 લાખ, જ્યારે બાકીના ત્રણે કોન્સ્ટેબલ ને 55 લાખ, 10-10 લાખ પોલીસ વેલ્ફેર ફંડ માંથી, તેમજ 10-10 લાખ સેન્ટ્રલ વેલ્ફેર ફંડ માંથી આપવાની જાહેરાત ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આ બનાવને પગલે શોક છવાય ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો આ બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news