BJP Parliamentary Board ની બેઠકમાં ત્રણ નિયમ લાગુ, દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Councils Election) માટે પ્રદેશ ભાજપે નવા ચહેરાઓને તક મળે તે માટે મોટા નિર્ણય કર્યા છે. ભાજપ (BJP) પ્રમુખે આપેલા સંકેતો પ્રમાણે જ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થયા બાદ કેટલાક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી
Trending Photos
બ્રિજેશ દોશી/ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Councils Election) માટે પ્રદેશ ભાજપે નવા ચહેરાઓને તક મળે તે માટે મોટા નિર્ણય કર્યા છે. ભાજપ (BJP) પ્રમુખે આપેલા સંકેતો પ્રમાણે જ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થયા બાદ કેટલાક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી. ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP State President) સી આર પાટીલે (CR Patil) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ત્રણ મુખ્ય માપદંડ તૈયાર કર્યા અને પાર્લામેન્ટ્રી બોર્ડે (Parliamentary Board) પણ સહમતિ આપી. 60 વર્ષથી વધુની વયના દાવેદારોને ટીકિટ ન આપવા નિર્ણય લેવામાં આવ્યો તો સાથે જ 3 ટર્મથી વધુ સમય કોર્પોરેટર (Corporator) રહેલાઓને પણ ટીકિટ ન આપવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ભાજપના આગેવાનો, હોદેદારોના પરિવારજનોને ટીકિટ નહીં અપાય. આ ત્રણ નિયમો લાગુ થતા મોટાભાગના દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું છે.
આજથી 6 મહાનગરપાલિકાઓ (Corporation) માટે મુખ્યમંત્રી (CM Rupani) નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક (Parliamentary Board) શરૂ થઈ. ભાજપ પ્રમુખ સી આર પાટીલની (CR Patil) અધ્યક્ષતામાં બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો. ભાવનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકા માટે આજે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભાજપ પ્રમુખે (BJP State President) કરી જાહેરાત બાદ તમામ મહાનગરપાલિકાના વર્તમાન સિનિયર કોર્પોરેટરોને ઝટકો લાગ્યો છે. 3-3 ટર્મ કરતા વધુ સમયથી જનસેવક રહેલા આગેવાનોને ટીકિટ ન આપવાના નિર્ણય સાથે જે તેમના પરિવારજનોને પણ ટીકિટ ન આપવા નિર્ણય લેતા મોટો ઝટકો લાગ્યો છે. જેના કારણે નવા ચહેરાઓને તક મળવાની શક્યતાઓ ઉજળી બની છે. મોટાભાગની મહાનગરપાલિકાઓમાં અનામત રોટેશનના કારણે 35 થી 40 ટકા કોર્પોરેટરોની તક ઘટી છે તેવામાં પ્રદેશ ભાજપે (BJP) લીધેલા નિર્ણયથી હવે આ આંકડો 60 ટકા સુધી પહોંચે તો નવાઈ નહી.
અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) ભાજપનો સૌથી મજબૂત ગઢ છે અને ભાજપનું (BJP) સૌથી મોટું સંગઠન પણ અમદાવાદ શહેર છે ત્યારે આજે લીધેલા નિર્ણયથી અમદાવાદના 20 કોર્પોરેટરોની દાવેદારી રદ થઈ ગઈ છે. અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
અમદાવાદના કયા કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે
5 ટર્મથી કોર્પોરેટર
અમિત શાહ - પૂર્વ મેયર
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ
મયુર દવે
4 ટર્મથી કોર્પોરેટર
બિપિન સિક્કા
દિનેશ મકવાણા
ગૌતમ શાહ
મહેન્દ્ર પટેલ
મધુબેન પટેલ
પ્રવિણ પટેલ
બિપિન પટેલ
3 ટર્મથી કોર્પોરેટર
વલ્લભ પટેલ
તારાબેન પટેલ
રમેશ પટેલ
બીજલબેન પટેલ- પૂર્વ મેયર
નિશાબેન ઝા
ફાલ્ગુની શાહ
અરુણાબેન શાહ
ચંચળબેન પરમાર
ભાવનાબેન નાયક
રમેશ દેસાઈ- RD
અમદાવાદની જેમ જ અન્ય મહાનગરોમાં આ જ પ્રમાણેની સ્થિતિ થઈ છે. ભાજપના આગેવાનો, હોદેદારોના પરિવારજનોને પણ ટીકિટ ન આપવા નિર્ણય થતાં જ જે કોર્પોરેટરોની ટીકિટ કપાઈ છે તેમના પરિવારમાંથી પણ કોઈને ટીકિટ નહીં મળે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. જે કોર્પોરેટરોની ટીકિટ કપાઈ છે તેમાના મોટાભાગના કોર્પોરેટરોએ પોતાના પુત્ર, પુત્રી કે પત્ની માટે ટીકિટ માગી હતી. આમ હવે ભાજપના મહિલા મોરચાની સક્રિય બહેનોને પણ ચૂંટણી લડવાની તક મળશે. પ્રદેશ ભાજપના નિર્ણયથી યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકરોને ફાયદો થાય તેવી શક્યતા વધીરે છે. ત્યારે હવે જોવાનું રહેશે 6 મહાનગરપાલિકાઓમાં કેટલા નવા ચહેરાઓને ભાજપ તક આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે