નવસારીમાં યોજાયો કેશલેસ ડાયરો, અંદાજે મળ્યું 1.28 કરોડનું દાન
સામાન્ય રીતે ગુજરાતના જાણીતા લોક ગાયક ઓસમાણ મીરના ડાયરામાં લાખો કરોડો રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય છે, પરંતુ નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ફંડ ભેગું કરવા યોજાયેલો લોક ડાયરો કેશલેસ રહ્યો હતો. જેમાં 1.28 કરોડ જેટલું દાન ભેગુ થયું હતું.
Trending Photos
નવસારી: સામાન્ય રીતે ગુજરાતના જાણીતા લોક ગાયક ઓસમાણ મીરના ડાયરામાં લાખો કરોડો રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય છે, પરંતુ નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ફંડ ભેગું કરવા યોજાયેલો લોક ડાયરો કેશલેસ રહ્યો હતો. જેમાં 1.28 કરોડ જેટલું દાન ભેગુ થયું હતું. તો બીજી તરફ 200 રૂપિયા રોકડ માત્ર નોધાઈ હતી.
નવસારી જિલ્લાના વિકસતા શહેરો અને નગરોમાં સાંકડા રસ્તા અને વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. જેના નિવારણ માટે જિલ્લા ટ્રાફિક વિભાગને સક્રિય બનાવી, ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવા સાથે જ લોકોમાં ટ્રાંફિક પ્રત્યે જાગરૂકતા આવે તો અકસ્માતો અટકે અને અકસ્માત મૃત્યુનો દર પણ ઘટાડી શકાય.
ઉપરોક્ત બાબતોને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે ફંડ ભેગુ કરવા શનિવારે ગુજરાતના લોક ગાયક ઓસમાણ મીરનો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગકારો, વિવિધ સંસ્થાઓ, રાજકારણીઓ, નગર શ્રેષ્ઠીઓએ ઉદાર દિલે દાનની સરવાણી વહાવી હતી અને ડાયરા દરમિયાન 1.28 કરોડથી વધુનું ફંડ ભેગું થયું હતું.
જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલો લોક ડાયરો ઐતિહાસિક પણ રહ્યો હતો. કારણ સામાન્ય રીતે ઓસમાણ મીર હોય અને ડાયરામાં લોકો નોટોનો વરસાદ ન વરસાવે એવું હોતું નથી. પરંતુ આ લોક ડાયરો કેશલેશ રહ્યો હતો. જેમાં દાતાઓને રૂપિયા ઉડાવવાની જગ્યાએ નોંધાવવાની અપીલ કરવામાં આવી હતી. જેના કારણે ડાયરો શિસ્તબદ્ધ રીતે ચાલ્યો હતો. નવસારી પોલીસ દ્વારા આયોજિત લોક ડાયારાને ઓસમાણ મીરે વિશેષ ગણાવ્યો હતો. પોલીસ પ્રજાની મિત્ર નહીં પણ પરમ મિત્ર ગણાવી ડાયરામાં દેશભક્તિના ગીતો ગાઈ પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ઓસમાન મીરના ડાયરામાં 1.28 કરોડ રૂપિયા જેટલુ કેસલેશ દાન તો એકત્ર થયુ છે. જોકે બીજી તરફ ડાયરા સ્થળે રોકડ દાન માટે શરૂ કરવામાં આવેલ ડોનેશન કુટીરમાં રોકડ 200 રૂપિયા દાન નોધાવા પામ્યુ હતુ. જેમાં એક રસીદમાં 150 અને બીજી રસીદમાં 50 રૂપિયા રોકડ દાન નોધાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે