CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી રવાના, ઉમેદવારો નક્કી કરવા બેઠક બોલાવાઈ
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મહત્વની બેઠકમાં ભાજપ ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારો નક્કી કરવા એક્શન પ્લાન ઘડી શકે છે.
Trending Photos
ગાંધીનગર: હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. વિધાનસભાની ચૂંટણી અંગેની બેઠકમાં ભાગ લેવા ગુજરાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મહત્વની બેઠકમાં ભાજપ ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારો નક્કી કરવા એક્શન પ્લાન ઘડી શકે છે. આ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાઇકમાન્ડ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
182 સીટ માટે ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટ છે. તેમાં 40 સીટ આરક્ષિત છે. 13 સીટ અનુસૂચિત જાતિ માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ માટે રિઝર્વ છે. 2017 ની ચૂંટણીમાં બીજેપીને 99, કોંગ્રેસને 77 સીટ મળી હતી. તો બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટી, એક સીટ એનસીપીને મળી હતી. બાકીની ત્રણ સીટ પર અપક્ષની જીત થઈ હતી. તેમાં કોંગ્રેસના સમર્થિત જિગ્નેશ મેવાણી સામેલ છે. ગુજરાતમાં લાંબા સમયથી ચૂંટણી વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, પરંતુ પહેલીવાર એવુ થયું છે કે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરીને લોકો વચ્ચે આવી રહી છે.
શા માટે જાહેર નહિ થાય તેનુ કારણ
હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનની ગૌરવ યાત્રા ચાલી રહી છે. એ ૧૭ ઓક્ટોબર સુધી છે. એ પછી તરત રાજ્ય સરકાર દ્વારા 16 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા થવાના છે. એ સંપૂર્ણતઃ ચૂંટણીલક્ષી જ છે. જો આજે ચૂંટણી જાહેર થઈ જાય તો તાત્કાલિક આચારસંહિતા લાગુ થઈ જાય અને તો બધા જ કાર્યક્રમો અટકી પડે. તેથી ગુજરાતની ચૂંટણીની જાહેરાત દિવાળી આસપાસ જ થશે તેવુ અનુમાન છે.
બે ચરણમાં થશે ચૂંટણી
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ની જેમ બે ભાગમાં થશે. ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની ચર્ચા છે. તો હિમાચલમાં માત્ર એક જ ચરણમાં ઈલેક્શન થશે. ગુજરાતમાં પહેલા ફેઝનું વોટિંગ 27 અથવા 30 નવેમ્બરની તારીખ હોઈ શકે છે. તો બીજા ફેઝના વોટિંગ માટે 4 ડિસેમ્બરની તારીખ જાહેર થઈ શકે છે તેવુ કહેવાય છે.
રાજ્યમાં 4.90 કરોડ મતદારો, 11.62 લાખ નવા મતદાર ઉમેરાયા
10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મતદારયાદી અનુસાર, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે, જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.
18થી 19 વયના 4.61 લાખથી વધુ મતદાર ઉમેરાયા
રાજ્યમાં 18થી 19 વયના જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે, જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરુષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે