ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ પોલિસી-૨૦૨૧ને મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ પોલિસીમાં લોજીસ્ટીકસ પાર્કસ, વેરહાઉસીંગ, કોલ્ડ સ્ટોરેજ, એર ફ્રેઇટ સ્ટેશન્સ, જેટી, બંદરો વગેરેને પ્રસ્તાવિત આધાર-સપોર્ટ આપવાની નેમ પણ રાખવામાં આવેલી છે.

ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ પોલિસી-૨૦૨૧ને મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના વધુ એક આયોજનબદ્ધ કદમ રૂપે લોજિસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક માટેની સંકલિત એવી પ્રથમ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની ૩૮મી બોર્ડ બેઠકમાં મુખ્યમંત્રીએ આ નવતર પોલિસીને સૈદ્ધાંતિક-ઇન પ્રિન્સીપલ મંજૂરી આપી છે.

ગુજરાતની આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક પોલિસી-૨૦૨૧માં રાજ્યમાં લોજીસ્ટીકસની સમગ્ર વેલ્યુચેઇનને આવરી લઇ ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધાત્મકતા વધારવા સાથે યુવાઓને મોટા પાયે રોજગાર અવસર પૂરા પાડવાનો વિકાસલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. એટલું જ નહિ, આ પોલિસીમાં લોજીસ્ટીકસ પાર્કસ, વેરહાઉસીંગ, કોલ્ડ સ્ટોરેજ, એર ફ્રેઇટ સ્ટેશન્સ, જેટી, બંદરો વગેરેને પ્રસ્તાવિત આધાર-સપોર્ટ આપવાની નેમ પણ રાખવામાં આવેલી છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો, પંકજકુમાર, મુકેશ પૂરી, મનોજકુમાર દાસ, અરૂણ સોલંકી તેમજ સંબંધત વિભાગોના અગ્ર સચિવો-સચિવો પણ જોડાયા હતા. મુખ્યમંત્રીના સચિવ અને GIDBના CEO અશ્વિનીકુમારે આ પોલિસી અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન બેઠકમાં રજૂ કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં બે દિવસ પહેલાં જ રાજ્યની ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરીને ગુજરાતને પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં અગ્રેસર બનાવવાની દિશા લીધી છે.હવે, આજે આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ, અને લોજીસ્ટીકસ પાર્ક પોલિસી-૨૦૨૧ને GIDB બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.

ગુજરાતની આ પોલિસી દેશની સૂચિત નેશનલ લોજીસ્ટીકસ પોલિસીને સુસંગત બનાવવામાં આવી છે. આ ડ્રાફટ નેશનલ પોલિસીમાં દેશની આર્થિક અને વાણિજ્યીક ગતિવિધિઓમાં સ્પર્ધાત્મકતા લાવી ઇન્ટીગ્રેટેડ, સરળ, અસરકારક, પ્રમાણભૂત અને કોસ્ટ ઇફેકટીવ લોજીસ્ટીકસ નેટવર્કમાં ટેકનોલોજીનો વિનિયોગ તેમજ ઇનોવેશન અને સ્કીલ એન્હાસમેન્ટના લાભો મેળવી કરવાનો ઉદેશ રાખવામાં આવેલો છે. આવા જ હેતુસર ગુજરાતની આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટકીસ એન્ડ લોજીસ્ટીક પાર્કસ પોલિસી-૨૦૨૧ ઘડવામાં આવી છે.

પાછલા એક વર્ષમાં કોરોના મહામારીની સ્થિતીમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે અને ઘણી કંપનીઓ ભારતમાં પોતાનો કારોબાર-ઓપરેશન્સ શરૂ કરી રહી છે. આના પરિણામે ગુજરાતમાં ખાસ કરીને મેન્યૂફેકચરીંગ સેકટરમાં રોકાણ વૃદ્ધિ થઇ છે તેવા સમયે આ પોલિસી સમયાનુકૂલ છે અને લોજીસ્ટીકસનું વિશાળ સુગ્રથીત માળખું રાજ્યમાં વધુને વધુ સંભવિત રોકાણો આકર્ષિત કરી વ્યાપાર-ધંધા-રોજગારને વૃદ્ધિકારક બનશે તેવો ધ્યેય આ પોલિસીનો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તે આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ પોલિસીમાં અનેક સૂચિત પ્રોત્સાહનો અને વિશેષ જોગવાઇઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. એટલું જ નહિ, કાર્ગો મૂવમેન્ટના વિશ્લેષણનો ઊંડાણપૂર્વક અભ્યાસ, ડ્રાફટ નેશનલ લોજીસ્ટીકસ પોલિસીનો રિવ્યૂ, અન્ય રાજ્યોની આ પ્રકારની પોલિસીનો અભ્યાસ તેમજ રાજ્ય સરકારના અને ખાનગી હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરીને આ પોલિસીના ઉદેશ્યોને આખરી ઓપ અપાયો છે.

રાજ્યના લોજીસ્ટીક નેટવર્કને વધુ અસરકારક બનાવી ખાનગી ક્ષેત્રોની સહભાગીતાને પ્રોત્સાહિત કરવા આ પોલિસીમાં સૂચિત ઇન્સેન્ટીવ અને સપોર્ટ મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે. તદઅનુસાર, રાજ્યમાં નવી જેટીના લોજીસ્ટીક ફેસેલીટીઝ અને ડેવલપમેન્ટ તેમજ મિકેનિઝમ માટે રપ ટકા કેપિટલ સબસિડી એલીજીબલ ફિકસડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મહત્તમ રૂ. ૧પ કરોડની મર્યાદામાં આપવા, સાત વર્ષ માટે ૭ ટકા ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળવાપાત્ર લોન પર આપવા અને વાર્ષિક મહત્તમ રૂ. પ૦ લાખની મર્યાદા સુધી વિસ્તારી શકાશે તેવી સૂચિત જોગવાઇઓ આ પોલિસીમાં છે. 

મૂડી ખર્ચ નીચો લાવવા રાજ્ય સરકાર ૧૦૦ ટકા સ્ટેમ્પ ડયૂટી પણ રિએન્બર્સ કરી આપશે તેવી સૂચિત જોગવાઇ આ પોલિસીમાં છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે આ પોલિસી દ્વારા અપાઇ રહેલા વિશેષ ઝોક રૂપે સ્કીલ્ડ મેનપાવરની પણ જરૂરિયાત ધ્યાને લેવામાં આવી છે. આ હેતુસર રાજ્યના યુવાઓના રોજગાર સર્જન માટે સ્કીલ ઇન્હાસમેન્ટ-ક્ષમતા વર્ધનને પોલિસીમાં ફોકસ કરવામાં આવ્યું છે.

આ અન્વયે ૧ર૦ કલાક કરતાં વધુ કલાકની તાલિમ માટે તાલિમાર્થી દીઠ ૧પ હજાર રૂપિયા રિએમ્બર્સર્ડ કરવામાં આવશે. મહિલા તાલિમાર્થીઓ તાલીમ મેળવી આ નવતર ક્ષેત્રમાં સહભાગીતા વધારવાના ઉદાત ભાવથી મહિલાઓ માટેની તાલિમ ફી ૧૦૦ ટકા રિએમ્બસર્ડ કરાશે તેવી જોગવાઇઓ સૂચવવામાં આવી છે. આ ઉપરાંત, ક્વોલિટી સર્ટીફિકેશન, પેટન્ટ, આર એન્ડ ડી વગેરે માટે પણ આ પોલિસી ફ્રેમવર્ક અન્વયે સૂચિત સહાયતા આપવામાં આવશે. 

આ પોલિસીનું અન્ય વિશેષ પાસું એ છે કે આ પોલિસી લોજિસ્ટિક્સ સેવાઓની ગુણવત્તા વધારવા પર અને ટેક્નોલોજી પર ભાર મૂકે છે. ખાનગી કંપનીઓને સમગ્ર વેલ્યુ ચેઇનમાં તેમની કાર્યક્ષમતા અને વિઝિબિલિટી વધારવા માટે ડિસરપ્ટિવ ટેક્નોલોજીઓ અપનાવવા માટે વિશેષ સહયોગનું પ્રાવધાન રાખવામાં આવેલું છે.

જેમાં કાર્ગોના ઇમ્પ્રુવ્ડ ટ્રેકિંગનો પણ સમાવેશ થાય છે. તેનાથી સેવાની ગુણવત્તામાં સુધારો થશે અને એન્ડ યુઝર એટલે કે અંતિમ ઉપભોક્તાને ખૂબ જ ફાયદો થશે. લોજિસ્ટિક નેટવર્કની વધુ કાર્યક્ષમતાને કારણે અંતિમ ઉપભોક્તાઓના એકંદર ખર્ચમાં પણ ખૂબ ઘટાડો થાય તેવી સૂચિત જોગવાઇઓ પોલિસીમાં છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વર્ષ 2018 અને 2019 માં જાહેર કરવામાં આવેલા ‘લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સ’ (LEADS) માં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઇન્ડેક્સ સમગ્ર રાજ્યમાં લોજિસ્ટિક્સના પ્રદર્શનનો એક બેંચમાર્ક સ્થાપિત કરે છે. LEADS 2019 માં મૂલ્યાંકન માટેના જે વિવિધ પરિમાણો હતાં તેમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા, ટ્રેકિંગ અને ટ્રેસિંગની સરળતી, લોજિસ્ટિક સેવાઓની ગુણવત્તા, કાર્ગોની સમયસર ડિલિવરી, રાજ્યનો સહકાર અને સહયોગ, નિયમનકારી પ્રક્રિયાઓની કાર્યક્ષમતા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં પણ ગુજરાત અગ્રેસર રહેલું છે. 

ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે રાજ્યના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે લોજિસ્ટિક્સ કરોડરજ્જુ સમાન છે. રાજ્યમાં ભવિષ્યલક્ષી અનેક પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. લગભગ 560 કિમી લાંબો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) ગુજરાતમાંથી પસાર થશે, તેની સાથે રેલ આધારિત ટ્રાફિકને વધારવા માટે ફ્રેઈટ લોજિસ્ટિક્સ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં એકલા ગુજરાતનું જ અંદાજિત રોકાણ લગભગ રૂ.7000 કરોડ છે. 110 કિમી લાંબો અને 6 લેનનો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પણ હાલ નિર્માણાધીન છે. આ એક્સપ્રેસ-વે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને સંભવિત ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ સાથે જોડશે. 

આ સાથે જ લગભગ 11 જેટ્ટી અને વિવિધ બંદરોના વિકાસની યોજના બનાવવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારો સાથે કનેક્ટિવિટી મળે તે હેતુથી લગભગ 7 રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે, તેમાં હઝીરા બંદર સુધી રેલવે કનેક્ટિવિટી અને હજીરાના ઔદ્યોગિક વિસ્તારથી DFC સુધીની રેલવે લાઇન કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત, પ્રવર્તમાન રેલવે લાઇનોનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે. કટોસણ-બેચરાજી-ચાણસ્મા-રણોજ લાઇન પર ગોજ કન્ઝર્વેશન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. રાજ્યના બંદરોને પ્રથમ અને અંતિમ માઇલ સુધી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે અન્ય રેલવે લાઇન પ્રોજેક્ટ્સ જે ન્યુ બેડી અને રોઝી, નારગોલ વગેરે માટે રાજ્ય સરકારે આયોજન કરેલું છે. 

પરિવહન સેવા વાતાવરણમાં કાર્બન ડાયોસાઇડના ઉત્સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો ધરાવે છે. પરિણામે કોઇપણ પોલિસીમાં આ ક્ષેત્રે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થાય તે માટે વિચાર થવો જ જોઇએ. ગુજરાતની આ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસીમાં આ બાબતનો પણ વિચાર કરવામાં આવ્યો. આ ક્ષેત્રને વધુ સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે આ પોલિસીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશનને પ્રોત્સાહન માટેનું પણ પ્રાવધાન છે.  

આ પોલિસીના એક ભાગરૂપે રાજ્યભરમાં લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન વિકસિત કરવામાં આવશે, જે પ્રવર્તમાન સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેનો અભ્યાસ કરીને તેના આધારે રાજ્યભરમાં નવા પ્રોજેક્ટ્સ માટે સ્ટ્રેટેજિક લોકેશન્સ નિર્ધારિત કરવામાં આવશે. 10 થી વધુ સરકારી વિભાગો અને એજન્સીઓ સાથે સુચારૂ સંકલન દ્વારા આ કામગીરી થશે. જેમાં બંદર અને વાહનવ્યવહાર વિભાગ, માર્ગ મકાન વિભાગ, GUJSAIL, G-Ride, GIDC, GMB વગેરેનો સમાવેશ થાય છે. 

ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સહિતના સર્વાંગી વિકાસમાં આ પોલિસી ગેમ ચેન્જર પોલિસી બની શકે તેમ છે. આ સંજોગોમાં આ પોલિસીના ઉદેશ્યો-હેતુઓનું અમલીકરણ અને તેને વ્યાપકપણે અપનાવવા માટે તજજ્ઞોની એક અલાયદી ટીમ, ઊભી કરવાની જોગવાઇ આ પોલિસીમાં રાખવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક ઇન પ્રિન્સીપલ મંજૂર કરેલી આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક પોલિસી-૨૦૨૧ ગુજરાતને લોજીસ્ટીકસ- માલ સામાન પરિવહન-સંચાલન ક્ષેત્રે દેશમાં પથદર્શક બનાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news