મતદાન પહેલા કોંગ્રેસે ગુમાવી સુરત બેઠક, ભાજપ સાથે સેટિંગ કર્યાનો કુંભાણી પર આક્ષેપ

Nilesh Kumbhani Form Cancel : સુરત લોકસભાની ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થતા જ નિલેશ કુંભાણી પર જ શંકાની સોય ઉભી થઈ છે,  કઈ રીતે પોતાના જ પરિવારજનો આ રીતે દગો કરી જાય, સુરત કોંગ્રેસમાં હવે નવો કકળાટ શરૂ થયો  
 

મતદાન પહેલા કોંગ્રેસે ગુમાવી સુરત બેઠક, ભાજપ સાથે સેટિંગ કર્યાનો કુંભાણી પર આક્ષેપ

Loksabha Election 2024 : મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભા બેઠક ગુમાવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાંખ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. જોકે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં સુરતમાં કોંગ્રેસમાં નવો કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના જ નેતાઓએ કુંભાણી સામે પૈસા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાને કારણે બેઠક ગુમાવી પડી તેવા કોંગ્રેસમા અંદરખાને આક્ષેપો ઉઠ્યા છે. હાલ નિલેશ કુંભાણી તરફ શંકાની સોય ઉભી થઈ છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે, કઈ રીતે પોતાના જ પરિવારજનો આ રીતે દગો કરી જાય. એ સો ટકા તપાસનો વિષય છે. ટેકેદાર તો તેમના જ સગા હતા, તો કેવી રીતે દગો કરી શકે. 

આ માટે નિલેશ કુંભાણી જવાબદાર
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કુંભાણી પર આક્ષેપ મૂકતા કહ્યું કે, ગઈકાલથી જે ઘટના ક્રમ ઘટી ગયો છે, આ માટે ભાજપ અને નિલેશ કુંભાણી પોતે જ જવાબદાર છે. જે ટેકેદાર હતા, તે કોંગ્રેસ પાર્ટીના અને જવાબદાર વ્યક્તિના હતા. જવાબદાર આગેવાનોના હતા. નિલેશ કુંભાણીના અંગત સગા બનેવી, સગા ભાણેજ અને બે ધંધાર્થી પાર્ટનર છે. તેથી એ જવાબદારી નિલેશ કુંભાણીની થાય છે. નિલેશ કુંભાણીને જ્યારે પાર્ટીએ કહ્યું કે, સંગઠનના આગેવાનોને ટેકેદાર તરીકે રાખવા, પરંતું તેમણે ઉમેદવાર તરીકે પોતાના પાવરનો ઉપયોગ કર્યો હતો. વીટો પાવર રાખીને આવી રીતે અંગત વ્યક્તિઓને મૂક્યા હતા. આવી રીતે અંગત વ્યક્તિ ભાજપના નેતાઓ સાથે આવીને એફિડેવિટ કરી જાય તો તે નિલેશ કુંભાણીની જવાબદારી છે. જે ઘટનાક્રમ ઘટી ગયો છે અને ચાલી રહ્યો છે તે માટે નિલેશ કુંભાણી જવાબદાર છે.

ખેલ થયો હશે તો ક્યાંકે ક્યાંક રંધાયુ હશે - અસલમ સાયકલવાલા
અસલમ સાયકલવાલાએ વધુમાં કહ્યુ હતું કે, ફોર્મ રદ થશે તો અમારી હાઈકમાન્ડને વિનંતી છે કે, જે કોઈ આના માટે જવાબદાર છે તે તમામ સામે તાત્કાલિક અસરથી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. નિલેશ કુંભાણીએ રૂપિયા લીધાના આક્ષેપ તેમણે કહ્યું કે, આવો ખેલ થયો હશે તો ક્યાંકે ક્યાંક રંધાયુ હશે. કોઈ પ્રલોભનો કે ફાયદાકારક વાતો હશે. તથ્ય હશે જ, તો જ આવુ કરવાની તેમને ફરજ પડી હશે. ટેકેદારો ભાજપની છત્રછાયામાં જ્યા પણ હશે ત્યાં સલામત હશે. મને સવારે 8.30 એ નિલેશભાઈએ એવુ કહ્યું હતું કે ટેકેદારો 9 વાગ્યે પહોંચી જશે, પરંતું એકેય ટેકેદાર આવ્યા ન હતા. 

આ તપાસનો વિષય છે 

કઈ રીતે પોતાના જ પરિવારજનો આ રીતે દગો કરીને ભૂગર્ભમા ઉતરી જાય તે વિશે કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, આ સો ટકા શંકાનો વિષય છે. શંકા થાય તે સ્વભાવિક છે. પણ આ તપાસના વિષય છે અને કોંગ્રેસ પાર્ટી બારીકાઈથી તેના પર નજર રાખી રહી છે. જો નિલેશ કુંભાણીની ભૂલ હશે અને ભાજપ સાથે મિલીભગત હશે તો શું કરશો તે વિશે કહ્યું કે, તો પાર્ટી તે વિશે કાર્યવાહી કરશે. પ્રદેશ અધ્યક્ષ પણ આ મામલે તપાસ કરશે. સમગ્ર ઘટના પર નજર છે. આખો ઘટનાક્રમ આજે નહિ તો કાલે ખુલ્લો પડશે, તેના બાદ કાર્યવાહી થશે. 

ટેકેદારો ગાયબ થઈ ગયા 
નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

જોકે, ટેકેદારોએ સહીનો મુદ્દો ઉઠાવીને ગાયબ થઈ ગયા હતા. લાભ પ્રયાસો છતા કુંભાણીના ટેકેદારો હાજર થયા ન હતા. તમામ ટેકેદાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, તો સાથે જ તેઓનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. કોંગ્રેસે ભાજપ પર ટેકેદારોના અપહરણનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસમા નવો કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના જ નેતાઓએ કુંભાણી સામે પૈસા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાને કારણે બેઠક ગુમાવી પડી તેવા આક્ષેપો ઉઠ્યા છે. 

ચારે ડમી ઉમેદવારો સંપર્ક વિહોણા થયા હતા 
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પરિવારના ત્રણે ટેકેદારો ત્રણ ટેકેદારોએ ચૂંટણી પંચ સમક્ષ આવીને પોતાની સહી ખોટી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ્દ થવા મામલામાં ત્રણ ટેકેદારોએ ચૂંટણી પંચ સમક્ષ આવીને પોતાની સહી ખોટી હોવાનું જણાવ્યું હતું. તેવી જ રીતે તેમના ડમી ઉમેદવારના ટેકેદારે પણ ચૂંટણી પંચ સમક્ષ આવી પોતાની સહી ખોટી હોવાનું કહી જતા રહ્યા છે. હાલ આ ચારે ડમી ઉમેદવારો સંપર્ક વિહોણા થઈ ગયા છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે, ભાજપ દ્વારા તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. કોંગ્રેસના ટેકેદારોને દબાણ ઊભું કરાવી તેમની પાસે ખોટું એફિડેવીટ રજૂ કરાવીને ચૂંટણીના માહોલમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ અંગે ઉમરા પોલીસ મથકમાં અપહરણની અરજી પણ કરવામાં આવી છે.

એવી પણ ચર્ચા છે કે, ટિકિટ આપવા મુદ્દે પાર્ટીના જ નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીની ટિકિટનો કોંગ્રેસમાં આંતરિક વિરોધ જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news