રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગૂંજશે ગુજરાતનું નામ; આ ભેટ જોઈને દેશભરનાં લોકો થઈ જશે અચંભિત
90ના દાયકામાં ગુજરાતે રામ મંદિર નિર્માણ માટેના આંદોલનની આગેવાની લીધી હતી. આ જ આંદોલનના પરિણામ સ્વરૂપે ચાર દાયકા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. ત્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને ખાસ બનાવવામાં પણ ગુજરાતની ખાસ ભૂમિકા છે.
- રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગૂંજશે ગુજરાતનું નામ
- જ્યારે મંદિર પરિસરમાં સુવાસ ફેલાવશે 108 ફૂટ લાંબી અગરબત્તી
- મહાકાય નગારાના નાદથી ગૂંજી ઉઠશે રામનગરી
- રામરાજ્યનું પ્રતિક બનશે 44 ફૂટ ઉંચી ધજા
- વીરપુરનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવશે શ્રીરામના ભક્તો
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં દેશના ઘણા રાજ્યોનું યોગદાન છે, ત્યારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ રામ મંદિર માટે ભેટ તૈયાર કરવામાં આવી છે. પ્રસાદ સહિતની આ ભેટ જોઈને દેશભરનાં લોકો અચંભિત થઈ જશે. ત્યારે શું છે આ તમામ ભેટો?
ગુજરાતમાં તૈયાર થનારી ઘણી વસ્તુઓ ભેટ સ્વરૂપે અયોધ્યા જશે. આમાંથી કેટલીક વસ્તુઓ તૈયાર થઈ ચૂકી છે, જ્યારે કેટલીક વસ્તુઓ તૈયાર થઈ રહી છે...વડોદરાના તરસાલીમાં રહેતા વિહાભાઈ ભરવાડે પાંચ તત્વોમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી છે, જેને તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે માટે અર્પણ કરશે. એક વાર પ્રજવલિત કર્યા બાદ અગરબત્તી સતત દોઢ મહિના સુધી સુવાસ આપી શકે છે.. છ મહિનામાં તૈયાર થયલી આ મહાકાય અગરબત્તીનું વજન 3500 કિલો છે.
રામ મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. 5500 કિલો વજનનો 44 ફુટ ઉંચો મુખ્ય ધ્વજ દંડ અમદાવાદમાં બની રહ્યો છે. મુખ્ય ધ્વજ દંડ ઉપરાંત 20 ફુટ લાંબા અને 700 કિલો વજનના અન્ય 6 ધ્વજ દંડ પણ બનાવવામાં આવી રહ્યા છે..સાથે જ મંદિરના દરવાજા માટે પિત્તળના ખાસ હાર્ડવેર પણ તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ માટે અમદાવાદમાં ખાસ નગારું પણ તૈયાર થઈ રહ્યું છે. દરિયાપુરના ડબગરવાડનો અખિલ ભારતીય ડબગર સમાજ આ ભવ્ય નગારું રામ મંદિરને ભેટમાં અપાશે. જેનું વજન 450 કિલોગ્રામ અને પહોળાઈ 56 ઈંચ છે. નગારું બનાવવા પાછળ 25 લાખ જેટલો ખર્ચ થયો છે. સૌથી મોટી વાત એ છે કે પ્રાણ પ્રતિષ્ઠા માટેનો પ્રસાદ વીરપુરના લોકો તૈયાર કરશે. શ્રદ્ધાળુઓને બે દિવસ સુધી આ પ્રસાદ વહેંચવામાં આવશે.
એટલે કે અયોધ્યામાં ગુજરાત છવાઈ જશે. ગુજરાતીઓની શ્રદ્ધાનો પરચો સમગ્ર દેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ નજરોનજર જોશે..જલારામ બાપાનું સ્થાનક વીરપુર ફક્ત ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં સદાવ્રત માટે જાણીતું છે, ત્યારે અહીંના જલારામ મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર થયેલો મગસના લાડુનો પ્રસાદ દેશભરમાંથી આવેલા લોકો ગ્રહણ કરશે. 22 અને 23મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આ પ્રસાદ વહેંચવામાં આવશે. વીરપુરથી 50 થી 60 સ્વયંમ સેવકો બીજી જાન્યુઆરીના રોજ અયોધ્યા જશે અને મગસનો પ્રસાદ તૈયાર કરશે. 4 ડિસેમ્બર 2020ના રોજ જલારામ બાપા પરિવાર તરફથી રામ લલાને આજીવન થાળ ધરાવવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતને નિભાવવાનો સમય હવે આવી ગયો છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે ભાજપના પીઢ નેતા એલ કે અડવાણીએ 1990માં સોમનાથથી યાત્રા શરૂ કરી હતી. ત્યારે 33 વર્ષ બાદ ફરી ગુજરાતથી યાત્રાના ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. અમદાવાદથી નવમી જાન્યુઆરીએ અયોધ્યા માટે શ્રી રામ ચરિત માનસ યાત્રા રવાના થશે. આ પહેલાં 8મીએ રથયાત્રા માટેની પૂજાવિધિ થશે. ન્યુ રાણીપના રામ ચરિત્ર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત યાત્રા માટે 1008 શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી શકે છે.
નવમી જાન્યુઆરીએ શરૂ થનાર યાત્રા 20મી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને 25મી સુધી પરત ફરશે. યાત્રામાં 20 જેટલી બસો અને અન્ય વાહનો પણ જોડાશે. યાત્રામાં જોડાવા માગતા લોકો www.rcmy.org પર નોંધણી કરાવી શકે છે. રજિસ્ટ્રેશનની ફી યાત્રિક દીઠ 5111 રૂપિયા છે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગુજરાત છવાઈ જશે. કાર્યક્રમની ભવ્યતામાં અનેક ગણો વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે