નડિયાદમાં પકડાયું બાળકો વેચવાનું મોટું કૌભાંડ, કળિયુગી કંસ માસુમોના પણ સોદા કરતા થયા

નડિયાદમાં પકડાયું બાળકો વેચવાનું મોટું કૌભાંડ, કળિયુગી કંસ માસુમોના પણ સોદા કરતા થયા
  • ખેડા એસઓજીએ બાળક વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું
  • ખેડા SOGની ટીમે નડિયાદમાંથી ચાર મહિલાઓની નવજાત બાળક સાથે કરી ધરપકડ
  • ગરીબ મહિલાઓને મોટી રોકડ આપવાની લાલચ આપી તેમનું જન્મેલું બાળક ખરીદવામાં આવતું  
  • ખેડા એસઓજીએ ડમી ગ્રાહકો મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ 

નચિકેત મહેતા/ખેડા :મઘ્ય ગુજરાતમાં ગર્ભપાતની હિચકારી ઘટના બાદ હવે નડિયાદમાં માસુમ બાળકોને વેચી નાંખવાનું કૌભાંડ ખૂલ્યું છે. કહેવાય છે કે બાળકોમાં તો ભગવાન વસે છે. પરંતુ આ કળિયુગી કંસ એના પણ સોદા કરતા ખચકાતાં નથી. ગુજરાત જ નહિ, પરંતુ રાજ્યની બહાર પણ આ પાપલીલાના તાર જોડાયેલા છે. ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યાર બાદ તેમને રૂપિયાની લાલચ આપતા. તેના નવજાત માસુમને જ ખરીદી લેતા હતા. મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે જે આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. માત્ર સગર્ભાઓ જ નહિ, પરંતુ માયા નામની આ રાક્ષસી કૂખ ભાડે આપે તે સરોગેટ મહિલાઓને પણ ફસાવતી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

સમગ્ર ઘટના વિશે ખેડાના ઈન્ચાર્જ ડીએસપી અર્પિતા પટેલે જણાવ્યું કે, નાના બાળકોનું ખરીદ-વેચાણ કરી મોટા નાણાંકીય લાભ મેળવવાનું રેકેટ આચરનાર ટોળકીને ઝડપી પાડી છે. હેડ કોન્સ્ટેબલ દાદુસીંહ તખતસીંહ અને પોલીસ કોન્સ્ટેબલ ફતેસિંહ જેરાભાઇને બાતમી મળી હતી કે, માયા નામની મહિલા બહારના રાજ્યની ગરીબ પ્રેગ્નેટ મહિલાઓને નડિયામાં લાવીને તેમની ડિલીવરી કરાવે છે અને બાદમાં તેમનું બાળક બીજાને વેચી દે છે. આ માટે તે મોટી રકમ આપીને મહિલાઓને લાલચ આપી હતી. મહિલાઓને લલચાવીને તેમના બાળકને અન્ય બીજી મહિલા એજન્ટ મારફતે વેચી દેતી હતી. બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં બાળક વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. 

સમગ્ર કૌભાંડને ખુલ્લુ પાડવા પોલીસની ટીમ દ્વાર ડમી ગ્રાહક મોકલવામાં આવ્યુ હતું. જેમાં માયાએ બાળક થોડી વારમાં લાવી આપવાનું કહ્યું હતું. થોડા સમયા બાદ એક બહેન નાનુ બાળક લઇ સંતરામ મંદિરની બાજુમાં આવેલ શાકમાર્કેટમાં લઈ આપી હતી. આ મહિલાએ બાળક ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાને આપ્યું હતું. જેના બાદ ત્રણેયે મળીને અંદરો અંદર વાતચીત કરી હતી. તેના બાદ ડમી મહિલા ગ્રાહકને ઇશારામાં બોલાવી હીત. આ બાદ બાળકના બદલામાં 6 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. આ બાદ પોલીસની ટીમે ચારેબાજુથી મહિલાઓને કોર્ડન કરીને પકડી લીધી હતી. જેમાં મોનિકાબેન (વા./ઓ. મહેશભાઇ પ્રવિણભાઇ શાહ), પુષ્પાબેન (વા. ઓ. સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા), માયાબેન (વા./ઓ. લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા) અને રાધિકાબેન (વા./ઓ. રાહુલભાઇ મશરામભાઇ ગેડામ) ને પકડી લેવામાં આવી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોના નામ ખૂલે એમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news