બીલીમોરામાં મડદાઓને પણ વેઠવી પડી રહી છે મુશ્કેલી! પાલિકાની આળસને કારણે આ દિવસ દેખવાનો આવ્યો વારો
ગત વર્ષે 14 માં નાણાપંચ અને વર્ષ 2019-20 ની ગ્રાન્ટમાં જોગવાઈ કરવામાં આવી હતી. જેનું ટેન્ડર થઈ ગયા બાદ પણ આજ દિન સુધી પાલિકાએ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર ન આપતા પાલિકાના વિપક્ષી સભ્ય મલંક કોલીયાએ વિરોધ નોંધાવ્યો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/નવસારી: બીલીમોરા શહેરમાં અંબિકા નદીને કિનારે આવેલી હિન્દૂ સ્મશાન ભૂમિનું કામ પાલિકાની આળસને કારણે ખોરંભે ચઢતા ચોમાસામાં મૃતદેહને લઈને આવતા સ્વજનોને મુશ્કેલી વેઠવી પડશે. કારણ એક વર્ષ અગાઉ કોસ્ટલ હાઇવે તરફથી રસ્તો, બ્લોક પેવિંગ વગેરેનું ટેન્ડર મંજુર થયા બાદ પણ પાલિકા કામ શરૂ કરી શકી નથી. જેથી વિપક્ષી સભ્યએ અઠવાડિયામાં કામ શરૂ ન થાય તો પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
બીલીમોરા શહેરના અંબિકા નદી કિનારે બનેલી હિન્દૂ સ્મશાન ભૂમિ નદીના પટ વિસ્તારમાં હોવાથી ચોમાસામાં અંબિકામાં પુરની સ્થિતિ બનતા સ્મશાન ભૂમિમાં પણ પાણી ભરાતા હોય છે. જેને કારણે સ્મશાન ભૂમિમાં મૃતદેહને લઈને આવતા સ્વજનોએ ઘણીવાર કલાકો અથવા એક દિવસ સુધી પણ રાહ જોવી પડે છે. ઘણીવાર પાણી ઓછા હોય તો નનામીને ટાયરની બોટ બનાવી સ્મશાનમાં લઈ જવામાં આવે છે. ત્યારે ચોમાસામાં બીલીમોરા શહેર તેમજ આસપાસના ગામડાઓમાંથી અવસાન પામેલા સ્વજનના મૃતદેહને લઈને આવતા લોકોને મુશ્કેલી ન પડે એ માટે બીલીમોરા પાલિકા દ્વારા બીલીમોરા અમલસાડ કોસ્ટલ હાઇ-વેથી સ્મશાનમાં આવવા પુરાણ કરી રસ્તો બનાવવા તેમજ બ્યુટીફીકેશન માટે 35 લાખ રૂપિયાની યોજના બનાવી.
ગત વર્ષે 14 માં નાણાપંચ અને વર્ષ 2019-20 ની ગ્રાન્ટમાં જોગવાઈ કરવામાં આવી હતી. જેનું ટેન્ડર થઈ ગયા બાદ પણ આજ દિન સુધી પાલિકાએ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર ન આપતા પાલિકાના વિપક્ષી સભ્ય મલંક કોલીયાએ વિરોધ નોંધાવ્યો છે. નગરસેવક મલંક કોલીયાએ પાલિકા સીઓને લેખિતમાં ફરિયાદ કરી, આવતા એક અઠવાડિયામાં કામ શરૂ ન થાય તો શહેરની NGO ના સંગાથે પ્રતીક ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિપક્ષી સભ્ય મલંક કોલીયા પ્રમાણે પાલિકાએ આજ દિન સુધી કોન્ટ્રાકટર સાથે કરાર જ નથી કર્યો, તો વર્ક ઓર્ડર તો દૂરની વાત છે. પરંતુ પાલિકા મુખ્ય અધિકારીએ વિપક્ષી સભ્યની કોઈ લેખિત ફરિયાદ નથી મળી હોવાનો રાગ આલાપી, ગત 10 મે, ના રોજ વર્ક ઓર્ડર આપી દીધો છે અને ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવાની વાત કરી છે. જોકે પાલિકાના સનબંધિત વિભાગમાં વર્ક ઓર્ડર જ ન થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
બીલીમોરા સ્મશાન ભૂમિમાં ચોમાસામાં મૃતદેહ સાથે આવતા સ્વજનોએ મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે રસ્તા સહિતના કામ ચોમાસા પૂર્વે પૂર્ણ થાય એવી શહેરીજનો પણ આશા સેવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે