તમારા સંતાનને મોબાઈલના તાબે ન થવા દો, મોબાઈલના રેડિયો તરંગ છેક મગજના અંદર સુધી અસર કરે છે

Mobile Addiction : મોબાઈલના કિરણો ઝીલી શકે તેના માટે બાળક સક્ષમ હોતું નથી. બાળકને પણ સ્માર્ટફોનની લત લાગેલી છે, તો તેને જલ્દીથી છોડાવી નાંખવી જોઈએ. નહિતર પાછળથી પસ્તાવાના વારો આવશે

તમારા સંતાનને મોબાઈલના તાબે ન થવા દો, મોબાઈલના રેડિયો તરંગ છેક મગજના અંદર સુધી અસર કરે છે

બુરહાન પઠાણ/આણંદ : આજકાલનાં બાળકો ભણવા કરતા મોબાઈલફોન પર વધુ સમય પસાર  કરતા હોય છે. ચાર વર્ષનાં બાળકથી લઈને કિશોર તેમજ યુવાનોમાં મોબાઈલફોનનું વળગણ વધુ જોવા મળે છે. તેમજ કેટલાક કિશોર કિશોરીઓ તો મોબાઈલ એડીક્ટ થઈ જાય છે, અને જો માતા-પિતા મોબાઈલ ફોન વાપરવાની ના પાડે તો તેઓ કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે. ત્યારે આણંદમાં તાજેતરમાં એક 17 વર્ષની કિશોરીને તેણીની માતાએ મોબાઈલફોન વાપરવાની ના પાડી અને તેણીની પાસે રહેલો મોબાઈલ લઈ લેતા મોબાઈલની વ્યસની બની ગયેલી કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે ખુબજ ગંભીર અને ચિંતાજનક બાબત છે.

મોબાઈલની માનસિક અસર થાય છે 
મોબાઈલ ટેકનોલોજીનાં યુગમાં મોબાઈલ ફોનનાં ફાયદાઓની સાથે સાથે ગેરફાયદાઓ પણ રહેલા છે. મોબાઈલ ફોનનાં પોઝિટીવ ઉપયોગની સાથે સાથે નેગેટીવ પાસાં પણ રહેલા છે, મોબાઈલનાં એડીક્ટ થવાનાં કારણે બાળકો અને યુવાનોની સર્જનાત્મકતા અને ક્રિયાત્મકતા પર નકારાત્મક અસરો પડી રહી છે. આજકાલનાં ટેણીયાઓ ભણવા કરતા મોબાઈલફોન પર પોતાનો વધુ સમય પસાર કરતા હોય છે, અને આઉટડોર ગેમ્સ ભૂલીને ઈન્ડોર ગેમ્સમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. જેનાં કારણે બાળકોનાં શારીરિક અને માનિસક વિકાસ પર પણ અસર થતી જોવા મળે છે, બાળકો અને કિશોર કિશોરીઓ મોબાઈલ ફોન પર ગેમ્સ રમવાની લતે લાગી જાય છે, અને જે તેઓનાં શિક્ષણ પર અસર કરે છે, અને વધુ પડતા મોબાઈલનાં ઉપયોગનાં કારણે બાળકો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમજ લાંબા સમય સુધી મોબાોઈલ ફોનની સ્ક્રિનમાં જોવાથી આંખો ખરાબ થાય છે,તેમજ માનસિક સ્થિતને પણ અસર પડે છે. 

આ પણ વાંચો : 

મોબાઈલના કિરણો ઝીલી શકે તેના માટે બાળક સક્ષમ હોતું નથી
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, મોબાઈલમાંથી નીકળતા રેડિયો તરંગો ફક્ત કાનની આસપાસ જ નહીં, પણ મસ્તિષ્કમાં ઉંડાણ સુધી પ્રવેશે છે. તેનાથી બાળકોની શીખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે અને તેમના વ્યવહાર પર અસર પડે છે. જો બાળક 16 વર્ષથી નાની ઉંમર છે, તો તેને સેલ ફોન આપવો ના જોઈએ. કારણ કે, મોબાઈલના કિરણો ઝીલી શકે તેના માટે બાળક સક્ષમ હોતું નથી. બાળકને પણ સ્માર્ટફોનની લત લાગેલી છે, તો તેને જલ્દીથી છોડાવી નાંખવી જોઈએ. નહિતર પાછળથી પસ્તાવાના વારો આવશે.

તાજેતરમાં આણંદ પાસેનાં હાડગુડ ગામમાં મોબાઈલફોન પર સતત વ્યસ્ત રહેતી દિકરી પાસેથી માતાએ મોબાઈલ ફોન લઈ લીધો અને તેણીને મોબાઈલનો વધુ ઉપયોગ કરવા અંગે ઠપકો આપતા કિશોરીએ પોતાનાં ધરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આવા બનાવો વધી રહ્યા છે, ત્યારે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચો : 

આ અંગે આણંદનાં મનોચિકિત્સક ડૉ. સંદીપ પટેલે જણાવ્યું હતું કે બાળકોમાં કે કિશોર કિશોરીઓમાં મોબાઈલનું વળગણ અટકાવવા માટે તેઓને ઈતર પ્રવૃત્તિઓ તેમજ તેમને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવા જોઈએ. તેમજ ધરમાં માતા પિતાએ બાળકો સાથે સતત સંવાદ કરવો જોઈએ. જેથી આ સમયે તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા અટકે અને તે રીતે તેઓને ધીમે ધીમે મોબાઈલ એડીક્ટ બનતા અટકાવી શકાય છે. કોરોનાં સમયમાં ઓનલાઈન શિક્ષણ દરમિયાન પણ બાળકોમાં મોબાઈલફોનનું વળગણ વધ્યું છે, ત્યારે સતત વધતા જતા મોબાઈલફોનનાં ઉપયોગને લઈને વાલીઓએ પણ સતેજ રહેવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news