ઘર કા ભેદી લંકા ઢાયે, 10 વર્ષ જૂના વિશ્વાસુ કર્મચારીએ માલિકને લૂંટ્યો, પોલીસને પણ ગોળગોળ ફેરવી

Crime News : આણંદમાં ટ્રક કર્મચારીઓનો લૂંટનો ભેદ ઉકેલાયો ફરિયાદી જ આરોપી નીકળ્યો 

ઘર કા ભેદી લંકા ઢાયે, 10 વર્ષ જૂના વિશ્વાસુ કર્મચારીએ માલિકને લૂંટ્યો, પોલીસને પણ ગોળગોળ ફેરવી

Crime News બુરહાન પઠાણ/આણંદ : આણંદ નજીક સામરખા ગામની સીમમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થોડા દિવસ પહેલા કારમાં આવેલા બે  અજાણ્યા શખ્સોએ ટ્રકને આંતરીને ટ્રક ચાલક તેમજ કલીનરને રીવોલ્વર બતાવી ટ્રકની કેબીનમાંથી 8.61 લાખની રોકડ રકમની લુંટ કરી હતી. બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીનાં દિવસોમાં લૂંટનાં ગુનાનો પર્દાફાશ કર્યો છે. 

આણંદ પોલીસે શોધી કાઢ્યું કે, લૂંટનું તરકટ રચી ખોટી ફરીયાદ નોંધાવનાર ડ્રાઈવર અને કંડક્ટર જ છે. આણંદ પોલીસે બંનેની ધરપકડ કરી તેઓની પાસેથી લુંટની 8.61 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. હાલ તેમની વધુ પુછપરછ હાથ ધરી છે. છોટાઉદેપુરથી નસવાડી ખાતે રહેતા આકબાની અમીનમંહમદ હનીફ, જેઓ ખેડુતો પાસેથી કપાસ ખરીદી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. તેમની ટ્રકનાં ચાલક તરીકે રાજુ ઉર્ફે ભીમો તડવી છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે. આજથી ત્રણ દિવસ પહેલા ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો તડવી અને કંડક્ટર સંજય તડવી હારીજ ખાતે કપાસ વેચીને કપાસ વેચાણનાં 8 લાખ 61 હજારની રોક઼ડ રકમ લઈને ટ્રકમાં પરત નસવાડી જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમાએ ગત રવિવારે ટ્રક માલિક આકબાની અમીનમંહમદને ફોન કરી કહ્યું હતું કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદનાં સામરખા નજીક અજાણ્યા કાર ચાલક સહિત બે શખ્સોએ તેમને લૂંટી લીધા છે. 

તેઓએ માલિકને જણાવ્યું કે, બે લોકોએ તેમની ટ્રકને આંતરીને રિવોલ્વરની અણીએ તેઓને ટ્રકમાંથી નીચે ઉતાર્યા હતા. જેના બાદ ટ્રકની કેબિનમાં મુકેલા 8.61 લાખની લુંટ ચલાવી ફરાર થઈ ગયા છે. 

આ ધટનાને લઈને અમીન મોંહમદ તાત્કાલીક આણંદ દોડી આવ્યા હતા અને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે લુંટની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પુછપરછ કરતા અજાણ્યા બે લુંટારૂ નંબર પ્લેટ વગરની સફેદ કાર લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે એક્સપ્રેસ હાઈવેનાં ટોલનાકા તેમજ અન્ય સીસીટીવી કેમેરાનાં ફુટેજની ચકાસણી કરતા ટ્રકચાલક દ્વારા વર્ણવાઈ હોય તેવી કોઈ કાર જોવા મળી ન હતી. જેથી પોલીસે શંકાનાં આધારે ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો અનેં કંડક્ટર સંજય બંનેની અલગ અલગ પુછપરછ કરી હતી.

જેમાં બંનેનાં નિવેદનોમાં વિરોધાભાસ જણાયા હતા. પોલીસે લાલ આંખ કરતા ટ્રક ચાલક અને ક્લીનરે જ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત કરી હતી. 

તપાસમાં સામે આવ્યું કે, ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો છેલ્લા દસ વર્ષથી નોકરી કરતો હોવા છતાં તેનો પગાર વધારવામાં આવતો ન હતો. તેમજ જે ખર્ચનાં નાણાં આપવામાં આવતા હતા તેનો હિસાબ પણ ટ્રક માલિક માંગતા હતા. તેની રીસ રાખી રાજુ ઉર્ફે ભીમાએ કંડક્ટર સંજયને લાલચ આપી લુંટનો પ્લાન બનાવ્યો હતો. તેમજ પોલીસે એક્સપ્રેસ હાઈવેનાં ટોલનાકા નજીક સંતાડેલા 8.61 લાખ કબ્જે કર્યા હતા. પોલીસનાં જણાવ્યા અનુસાર આ બંને જણા લુંટની રકમમાંથી અન્ય ધંધો કરવાની યોજના બનાવી હતી. પોલીસે તેઓની વિરૂદ્ધ ખોટી ફરીયાદ આપવાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

Trending news