અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ભારતીય રિઝર્વ બેંક દ્વારા 5 રૂપિયાની ચલણી નોટ અને સિક્કો વર્ષોથી ચલણમાં મૂકેલો છે. જેને ચલણમાંથી હટાવવાનો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. પણ અમદાવાદના ઘણા વિસ્તારના દુકાનદારો અને વેપારીઓ રિઝર્વ બેંક કરતાં પણ એડવાન્સ હોય એમ તેમ તેઓ 5 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે છે.
લાંબા સમયથી ભારત દેશમાં પાંચ રૂપિયાની ચલણી નોટ ચલણમાં છે. તેની ડિઝાઇનમાં સમયાંતરે ફેરફાર આવતા રહે છે, પણ હજુ તેને ચલણમાંથી હટાવવાનો કોઇ નિર્ણય રિઝર્વ બેંક દ્વારા લેવાયો નથી. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં છૂટક વેપારીઓ અને દુકાનદારોએ ગ્રાહકો પાસેથી 5 રૂપિયાની ચલણી નોટ લેવાનું બંધ કરતાં સમસ્યા સર્જાઈ છે. ઝી 24 કલાકની ટીમે ખરેખર પાંચ રૂપિયાની નોટ ચાલે છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો તો આ મામલે મિશ્ર પ્રતિભાવ સામે આવ્યો. કેટલાક વેપારીઓઓ સામેથી કહ્યું કે અમે પાંચ રૂપિયાની નોટ સ્વીકારીએ છીએ. સરકારે જો બંધ નથી કરી તો અને કેમ ન સ્વીકારીએ. તો કેટલાક વેપારીઓએ મોઢે જ ના પાડી દીધી કે પાંચ રૂપિયાના નોટ નહિ ચાલે. કેમ નહી ચાલે તેવા સવાલના જવાબ વેપારી પાસે ન હતા. પણ તેઓ એવુ બહાનુ કાઢતા જોવા મળ્યા કે, ગ્રાહકો પાંચ રૂપિયાની નોટ ન લેતા હોવાથી અમે પણ બંધ કર્યુ.
તો બીજી તરફ, અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાંચ રૂપિયાના ચલણી નોટ વેપારીઓ ન સ્વીકારતા હોવાની ફરિયાદ કલેક્ટર કચેરી સુધી પહોંચી છે. જેને લઇને જિલ્લા કલેક્ટર ડૉ વિક્રાંત પાંડે પણ પાંચ રૂપિયાના ચલણી નોટ ન સ્વીકારતા વેપારીઓ સામે એક્શન લેવાના મૂડમાં છે. તેમણે કહ્યું કે, જો કોઇ વેપારી પાંચ રૂપિયાની ચલણી નોટ નહી સ્વીકારે તો તેની સામે નામજોગ કલેક્ટર કચેરીમાં ફરિયાદ થઇ શકશે અને જે વેપારી સામે ફરિયાદ મળશે તેની સામે ફોજદારી કાર્યવાહી કરાશે.
દુકાનદારો સાથેની વાતમાં એ પણ જાણવા મળ્યું કે, છૂટક શાકભાજીના વેપારી અને રીક્ષા ચાલકો પણ પાંચ રૂપિયાના ચલણી નોટ સ્વીકારતા નથી. માટે તેમણે નોટ એકઠી કરી બેંકમાં ભરવી પડે છે. તેમના કહેવા પ્રમાણે માત્ર બસ કે એએમટીએસ જેવી જાહેર વ્યવસ્થામાં પાંચ રૂપિયાની ચલણની નોટનું ચલણ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે