ઠંડક માટે ગટગટાવેલી છાશ ઝેર નીકળી, ભાવનગરમાં મુનિ પેંડાવાળાની છાશ પીધા બાદ 500 ની તબિયત બગડી

Food Poisoning : ભાવનગરના સિંહોરમાં 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર.... મુનિ પેંડાવાળાની છાશ પીધા બાદ લોકોની તબિયત લથડી... સારવાર માટે હોસ્પિટલમાં લોકોની ભીડ જામતા પોલીસને બોલાવવાની પડી ફરજ... 

ઠંડક માટે ગટગટાવેલી છાશ ઝેર નીકળી, ભાવનગરમાં મુનિ પેંડાવાળાની છાશ પીધા બાદ 500 ની તબિયત બગડી

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના સિંહોરમાં 500 થી વધુ લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભાવનગરના ફેમસ મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એકસાથે 500 લોકોની તબિયત લથડી હતી. ત્યારે રવિવારથી સોમવાર દરમિયાન સિંહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. તેમજ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું. 

ગઈકાલે સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત બગડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ત્યારે સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં લોકોની ભીડ જામતા પોલીસ દોડી આવી હતી. રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી. 

એક તરફ, ફૂડ પોઈઝન થતા આરોગ્ય કેન્દ્રમાં લોકોની ભીડ જામી હતી. પરંતુ બીજી તરફ, આરોગ્ય કેન્દ્રમાં કોઈ કર્મચારી જ ન હતા. આરોગ્ય કર્મચારીની લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે. જેથી લોકોને સારવાર લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુનિ પેંડાવાળાની છાશ વિવાદમાં આવી છે. આ પહેલા તેની છાશ પીવાથી 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની હતી. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલા લેવાશે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news