'ઉમેદવારોએ કોઈ સામે હુસાતુસી કે માથાકૂટ કરવી નહિ, ચૂંટણી આજે છે કાલે નથી, સબંધો બગાડતા નહિ: વજુભાઈ વાળા

Gujarat Election 2022: કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાની ઉમેદવારોને સલાહ આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કોઈ સામે હુસાતુસી કરવી નહિ. કોઈને એવું ન કહેતા કે હું બળવાન છું, ઉશકેરશો તો તે બેવડી મહેનતથી લડશે.

'ઉમેદવારોએ કોઈ સામે હુસાતુસી કે માથાકૂટ કરવી નહિ, ચૂંટણી આજે છે કાલે નથી, સબંધો બગાડતા નહિ: વજુભાઈ વાળા

Gujarat Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક જૂના જોગીઓની ટિકિટ કાપી નાંખી છે. જેમાં પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, વિજય રૂપાણી સહિત અનેક નેતાઓના લિસ્ટમાં છે. ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68મા ઉદય કાનગડ, 69મા દર્શિતાબેન શાહ, 70મા રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની આ બેઠકો પર પાટીદારોએ લોબિંગ કર્યું હતું, જે સફળ રહ્યું હતું.

ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સપ્રક્રિયા હાથ ધરી ત્યારે ચારેય બેઠક માટે 50થી વધુ લોકોએ દાવેદારી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી રીતે દાવેદારી કરી નહોતી, પરંતુ તેમના નિકટના ટેકેદારોએ રૂપાણીને ટિકિટ મળે તેવી આગ્રહપૂર્વકની રજૂઆત કરી હતી. રૂપાણી નહીં તો નીતિન ભારદ્વાજ માટે પણ ભારે લોબિંગ થયું હતું. હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જાહેરસભામાં એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જાહેરસભા નિવેદન
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેરસભામાં જણાવ્યું હતું કે, ભાજપની પ્રણાલી રહી છે કે નવા લોકોને તક આપવામાં આવે છે. રાજકોટના કાર્યકર્તાઓએ જનસંઘ વખતથી જ કામ કર્યું છે. રાજકોટના કાર્યકર્તાઓને કહેવું ન પડે કે કામે લાગી જાવ. આપણે ત્યાં જૂથવાદ નથી, પાર્ટીએ જે નક્કી કર્યું તે સ્વીકારી કામે લાગી જવાનું હોય છે. 

વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, વજુભાઈ વાળાને જ્યારે સીટ ખાલી કરવા કહેવામાં આવ્યું ત્યારે પાર્ટીની સીટ છે કહી વિચાર્યા વગર ખાલી કરી દીધી હતી. મને પણ રાજીનામું આપવા કહ્યું ત્યારે મેં પણ વિચાર્યા વગર જ રાજીનામું આપી દીધું હતું. કોમન સિવિલ કોડ મુદ્દે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હવે બધા માટે સરખો કાયદો આવી રહ્યો છે. હવે ગમે એટલા લગ્ન અને ગમે એટલા બાળકો પૈદા નહિ કરી શકાય. મારી બહેનોએ હવે ચિંતા કરવાની જરૂર નથી.

વજુભાઈ વાળાની ઉમેદવારોને સલાહ
કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાની ઉમેદવારોને સલાહ આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કોઈ સામે હુસાતુસી કરવી નહિ. કોઈને એવું ન કહેતા કે હું બળવાન છું, ઉશકેરશો તો તે બેવડી મહેનતથી લડશે. કોઈ સાથે માથાકૂટ કરતા નહિ, ચૂંટણી આજે છે, કાલે નથી સબંધો બગાડતા નહિ.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે ભાજપના ઉમેદવારો સભા સંબોધન કરી વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા. ઉમેદવારીપત્રક નોંધાવે એ પહેલાં સભા ખાતે ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત નેતાઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news