વ્હાલાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી: દ્વારકાનગરીથી લઈને શામળાજી સુધી જયકારો

Janmashtami 2022 : દ્વારકાનગરી તો આજે જાણે સ્વર્ગથી પણ ચડિયાતી બની હતી. પૂર્ણ પુરુષોત્તમ, જગદગુરુના વધામણાં કરવા લાખો ભક્તો ઉમટી પડયા હતા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતા-બહેનોએ શ્રીકૃષ્ણના જન્મ પહેલા અને જન્મ બાદ પરંપરાગત ગરબા રમી ઉજવણી કરી હતી.

વ્હાલાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી: દ્વારકાનગરીથી લઈને શામળાજી સુધી જયકારો

ઝી ન્યૂઝ/અમદાવાદ: નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર દ્વારકા સહીત કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠયા છે અને ગગનભેદી જયઘોષથી વાતાવરણ પવિત્ર બન્યું છે. રાત્રે 12 ના ટકોરે તમામ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ કરાઇ હતી. સમગ્ર દેશભરના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક વ્હાલા કાન્હાના વધામણા કરવામાં આવ્યા છે. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કીના નાદ સાથે ડાકોર મંદિરમાં પણ કૃષ્ણ ભક્તિનો માહોલ બરોબરનો જામ્યો હતો. શામળાજી મંદિર ખાતે પણ મહાઆરતી કરી જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 

દ્વારકાનગરી તો આજે જાણે સ્વર્ગથી પણ ચડિયાતી બની હતી. પૂર્ણ પુરુષોત્તમ, જગદગુરુના વધામણાં કરવા લાખો ભક્તો ઉમટી પડયા હતા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતા-બહેનોએ શ્રીકૃષ્ણના જન્મ પહેલા અને જન્મ બાદ પરંપરાગત ગરબા રમી ઉજવણી કરી હતી.

દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો

— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022

દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિરમાં ભાવિક ભક્તોએ કલાકોની પ્રતીક્ષા બાદ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા. લાખો ભક્તો દૂર દૂરથી આ મંદિરે આવ્યાં હતા અને બાળગોપાલની એક ઝલક માટે તરસી રહયા હતા. આખરે તેમનો એ અવસર ભગવાને આપી દીધો છે. 

ભક્તોએ ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ના નાદ સાથે વ્હાલાના વધામણાં કર્યા છે. ભક્તોએ હર્ષના અશ્રુ સાથે, ભીની આંખે શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ મંદિરો હર્ષોલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 

ડાકોરનું રણછોડરાય મંદિર પણ સુપ્રસિદ્ધ છે. મધ્ય ગુજરાતનું દ્વારકાધીશ મંદિર છે. ડાકોર મંદિરે સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. આખો દિવસ ભક્તોની ખુબ ભીડ રહી. ભાવિક ભક્તો રણછોડ રાયના દર્શન કરી ધન્યતા અનુભવી. અરવલ્લી જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભક્તોએ શ્રી શામળશા શેઠ - શ્રી કૃષ્ણના જન્મની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી અને ભગવાન શામળિયાના વધામણાં કર્યા. આ સાથે રાજ્યભરના ઇસ્કોન મંદિરો અને શ્રીકૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી.    

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news