બ્રેઇન ડેડ યુવકનું દિલ ધબકાવશે બીજાનું જીવન! વ્યક્તિ કેમ બને છે આ સ્થિતિનો ભોગ? જાણવા કરો ક્લિક...
આજે અમદાવાદમાં એક મહત્વની મેડિકલ ઘટના બની છે. આજે રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી જય મોઢવાડિયાના નામના યુવકના હૃદયને હવાઇમાર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ : આજે અમદાવાદમાં એક મહત્વની મેડિકલ ઘટના બની છે. આજે રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી જય મોઢવાડિયાના નામના યુવકના હૃદયને હવાઇમાર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું. આ ખાસ મેડિકલ ટ્રાન્સપોર્ટેશન માટે બી.ટી. સવાણી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી લઈ જવા માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઘટનાની વિગતો જોઈએ તો પોરબંદરના નિવૃત્ત સૈન્ય જવાન સાજણ મોઢવાડિયાના પુત્ર જયને બાઈકની ઠોકર વાગતાં પટકાઈ જવાથી કોમામાં જતો રહ્યો હતો અને તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. જયની આ હાલત પછી તેના પિતા સાજણભાઇએ જયના ઓર્ગન ડોનેશન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. હવે જયના હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરીને 8 વ્યક્તિઓને જીવન આપવામાં આવશે.
શું હોય છે બ્રેઇન ડેડની પરિસ્થિતિ?
જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે માત્ર કૃત્રિમ શ્વાસ પર જીવિત રહે, એટલે કે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડોક્ટરની એક પેનલ તેની તપાસ કરે છે. ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરે છે. આવા દર્દી માત્ર એક જીવિત લાશ સમાન હોય છે. જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. ઉલ્લેખનીય છે કે આવા દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે. એટલે કે હાર્ટ, લીવર, કિડની જેવી બીમારીના દર્દીને ઉપયોગી બને છે.
શું છે ગ્રીન કોરિડોર?
ગ્રીન કોરિડોર એ ખાસ પ્રકારનો સ્પેશિયલ રોડરૂટ છે. આ રોડ રૂટ ટ્રાન્સપ્લાન્ટેશન માટેના ઓર્ગન એમ્બ્યુલન્સ સરળતાથી અને શક્ય એટલી ઝડપથી નિર્ધારીત હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય છે. આ ગ્રીન કોરિડોર ટ્રાફિક પોલીસ અને હોસ્પિટલનું મેનેજમેન્ટ સાથે મળીને નક્કી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે