સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યોરો ફેનિલ દોષિત જાહેર, પરિવારે કરી કડકમાં કડક સજાની માંગ

Grishma Vekariya Murder Case: મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જો કે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ છે. જે બાદ 16 એપ્રિલની મુદ્દતમાં આરોપીના વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યોરો ફેનિલ દોષિત જાહેર, પરિવારે કરી કડકમાં કડક સજાની માંગ

ઝી બ્યુરો, અમદાવાદ: ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને દોષિત જાહેર કર્યો છે. જો કે, આજની સુનાવણી પૂર્ણ થતા કોર્ટ દ્વારા આવતીકાલે અંતિમ દલીલો સાંભળ્યા બાદ હત્યારા ફેનિલને સજા સંભળાવવામાં આવશે. જો કે, સરકાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જો કે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ છે. જે બાદ 16 એપ્રિલની મુદ્દતમાં આરોપીના વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. જેના કારણે કોર્ટે 21 એપ્રિલ એટલે કે આજે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગ્રીષ્મા હત્યા કેસમાં 69 દિવસ બાદ સુરત સેશન્સ કોર્ટે આજે હત્યારા ફેનિલને દોષિત જાહેર કર્યો છે અને આવતી કાલે સજા સંભળાવવામાં આવશે.

જો કે, કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યા બાદ પૂછ્યું હતું કે, તમને મૃત્યુદંડ કેમ ન આપવો? નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પૂછેલા પ્રશ્નો એક પણ વખત ફેનિલે જવાબ ન આપ્યો. કોર્ટે કહ્યું કે સજા પહેલા કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. જો કે, કોર્ટે વારંવાર ફેનિલને પૂછયું તમારે કંઈ કહેવું હોય તો કહી શકો છો પરંતુ ફેનિલ એક પણ શબ્દ બલ્યો ન હતો.

સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જો કે આજના કોર્ટના સજાના એલાન પર સૌ કોઈની નજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news