ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, ક્યાંક વીજળીના ચમકારાએ લોકોની ઉંઘ ઉડાવી તો ક્યાંક કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું

Rainy Weather In Gujarat: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના કાલોલ સહિત ગોધરા, ઘોઘંબા, હાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, ક્યાંક વીજળીના ચમકારાએ લોકોની ઉંઘ ઉડાવી તો ક્યાંક કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું

ઝી બ્યૂરો, અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના કાલોલ સહિત ગોધરા, ઘોઘંબા, હાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. આ સાથે ભાવનગરમાં અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે ગત મોડી રાતથી વેરાવળમાં વીજળીના ચમકારાએ લોકોની ઉંઘ ઉડાવી દીધી છે.

ભાવનગર જિલ્લામાં અચાનક ઝરમર વરસાદ
ભાવનગર શહેર જિલ્લામાં વહેલી સવારે અચાનક ઝરમર વરસાદ થયો. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારે ઝરમર વરસાદ થયો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, બાજરી, તલ અને પાછોતરા વાવેતર કરેલા ઘઉંને મોટું નુકશાન થઈ શકે છે. બાગાયતી પાકોમાં કેરી અને લીંબુના પાકને વ્યાપક અસરની સંભાવના જોવા મળી રહી છે.

વેરાવળમાં વીજળીના ચમકારાએ લોકોની ઉંઘ ઉડાવી
ગીર સોમનાથમાં ઉનાળામાં ચોમાસાનો માહોલ સર્જાયો છે. વેરાવળ શહેરમાં મધ્ય રાત્રિએ ચોમાસા અને તોફાન જેવ પરિસ્થિતિનું સર્જન થયું છે. વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પડેલા ધીમી ધારના કમોસમી છાંટાને લોકોએ ગણકાર્યા નહોતા. પરંતુ મધ્ય રાત્રિએ 1 વાગ્યા આસપાસ આકાશમાં પ્રચંડ ગાજવીજ અને વીજળીના ચમકારાઓએ અનેક લોકોની ઉંઘ ઉડાવી હતી. ત્યારે કેરીના ગઢ ગણાતા ગીરમાં આવતા કમોસમી ફેરફારો કૃષિ અને વિશેષ રૂપે કેસર કેરીના ઉત્પાદનને નુકસાન પહોંચાડશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

પંચમહાલ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું
પંચમહાલ જિલ્લામાં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું અને વીજળીના કડાકા સાથે કમોસમી છાંટા શરૂઆત થઈ હતી. માવઠારૂપી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની શકે છે. કાલોલ સહિત ગોધરા, ઘોઘંબા, હાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. માવઠું થાય તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. દિવેલાના તૈયાર પાકને બચાવવા ખેડૂતો વિસામણમાં છે.

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો
વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વલસાડમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેરી તેમજ ડાંગરના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી. જે બાદ દક્ષીણ ગુજરાતના વલસાડ જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં વાતાવરણ બદલાયું છે.

હિંમતનગર સહિત જીલ્લામાં કમોસમી વરસાદના છાંટા
સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર સહિત જીલ્લામાં રાત્રે કમોસમી વરસાદના છાંટા શરૂ થયા હતા. પોશીના પાસેના ગામોમાં છાંટા, મોડી રાત્રે પવન ફૂંકાયો સાથે વરસાદના છાંટા પડ્યા હતા. અચાનક વાદળો છવાતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યો હતો.

નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો
નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ હતી. નવસારી શહેર, જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કેરી, લીંબુ અને ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. પવન સાથે વરસાદ આવતા મહદંશે ગરમીનો પારો ગગડયો હતો.

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો
તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે પલટો આવ્યો. ઉનાળા પાકને નુકશાન જવાની ભીતિ જોવા મળી રહી છે. જિલ્લાના વ્યારા શહેર સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના અલગ અલગ તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છ. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં સવારે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news