જિજ્ઞેશ મેવાણીની મોડી રાતે પાલનપુરમાંથી આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો

Jignesh Mevani Arrest: જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલા વિવાદિત ટ્વીટ મામલે તેની વિરુદ્ધ અરજી કરાઈ હતી. અરજી બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે આસામ પોલીસે મોડી રાતે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી હતી

જિજ્ઞેશ મેવાણીની મોડી રાતે પાલનપુરમાંથી આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો

ઝી બ્યૂરો, અમદાવાદ: વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મોડી રાતે આસામ પોલીસે ધરપકડ કરી છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મામલે આસામ પોલીસ દ્વારા મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મોડી રાતે મેવાણીની ધરપકડ કરવામાં આવતા તેના સમર્થકો અને કોંગ્રેસ નેતાઓ અમદાવાદ એરપોર્ટ દોડી આવ્યા હતા અને જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધમાં નારેબાજી કરી હતી.

મળતી માહિતી અનુસાર, વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મોડી રાતે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી આસામ પોલીસ દ્વારા રોડ મારફતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી મેવાણીને આસામ લઇ જવામાં આવ્યો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે, જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલા વિવાદિત ટ્વીટ મામલે તેની વિરુદ્ધ અરજી કરાઈ હતી. અરજી બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે આસામ પોલીસે મોડી રાતે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી હતી. જો કે, પોલીસ દ્વારા ફરિયાદ કે અરજીની કોપી આપવામાં ન આવતા જિજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મોડી રાતે એરપોર્ટ પર હંગામો કર્યો હતો.

જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં મોડી રાતે કોંગ્રેસ નેતા અને ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, સી જે ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના લોકો એરપોર્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગી નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસ સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમના દ્વારા જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધમાં એરપોર્ટ પર નારેબાજી કરી હતી.

ધરપકડ મામલે જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મારા કોઈ ટ્વીટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે. મને પણ પોલીસ અધિકારી દ્વારા કોઈ સચોટ જાણકારી આપવામાં આવી નથી. હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. હું મારી લડત ચાલુ રાખીશ.

જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મામલે તેના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, જિજ્ઞેશ મેવાણીના કોઈ ટ્વીટ મામલે અરજી કરાઈ હતી. અરજી બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીઆરપીસી 80 નો ભંગ કરી ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યની ધરપકડ પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની અમને જાણ કરાઈ નથી. સામાન્ય માણની પણ આવી રીતે ધરપકડ ન થાય. સી.આર.પી.સીના નિયમો તદ્દન નેવે મુકીને કાર્યવાહી કરાઈ છે. જ્યારે ધરપકડ થયા ત્યારે જિલ્લાના એસપીને જાણ કરવાની હોય છે. જે કરી છે કે નહીં તે અમારા ધ્યાન પર નથી. કયા કારણોસર ધરપકડ કરી તેની માહિતી અપાઈ નથી.

ત્યારે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મામલે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જિજ્ઞેશે આર.એસ.એસ પર ટ્વીટ કર્યું તેને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે. જે ધારાસભ્ય પૈસાથી ન માને તે ધારાસભ્યને ખોટી ફરિયાદમાં ડરાવવાનો આ પ્રયત્ન છે. જિજ્ઞેશ કે કોંગ્રેસ આવી ફરિયાદથી ડરવાની નથી. અમારી લીગલ ટીમ લડત આપશે અને જિજ્ઞેશને છોડાવશે. આવનારા સમયમાં ભાજપના ભુકા કાઢી નાખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news