ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ભાજપ કેમ યોજી રહ્યું છે મેયર કોન્ફરન્સ? શું કંઈ નવાજૂની થશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાનું સુકાન ટકાવી રાખવા માટે શું છે ભાજપની રણનીતિ? હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપને શું આપવામાં આવી છે સુચના? આ તમામ સવાલોના જવાબો વિગતવાર વાંચો...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ભાજપ કેમ યોજી રહ્યું છે મેયર કોન્ફરન્સ? શું કંઈ નવાજૂની થશે?

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે થોડો જ સમય બાકી છે. તેથી રાજકીય પક્ષોએ પોત-પોતાની રણનીતિઓ મુજબ એક્શન શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપે પણ પોતાની રીતે કવાયત હાથ ધરી દીધી છે. તેની જ રણનીતિના ભાગરૂપે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાત મોડલ અને પીએમ મોદીના વિકાસ મોડલને આગળ વધારવા ભાજપનું આયોજન છે.

17 સપ્ટેમ્બર બાદ આ ત્રી દિવસીય મેયર કોન્ફરન્સનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું છે જેમાં સમગ્ર દેશમાંથી ભાજપ શાસિત મહાનગરોના મેયર ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પીએમ મોદી પણ તેમાં સંબોધન કરી શકે છે. હાલ તો સમગ્ર આયોજન રાષ્ટ્રીય સ્તરેથી ભાજપ દ્વારા થઈ રહ્યું છે. ભાજપે પોતાના તમામ પ્રદેશ એકમોને આ અંગે સૂચના આપી છે.

ભાજપની મેયર કોન્ફરન્સનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ભાજપ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં એક માહોલ બનાવવા માંગે છે. ભાજપ શાસિત તમામ મેયરને એક મંચ પર લાવી શક્તિ પ્રદર્શન કરવાનું ભાજપનું ખાસ આયોજન છે. આ આયોજન થકી ગુજરાત મોડલ ને વધુ એક વાર પ્રસ્થાપિત કરવું એ પણ ભાજપની નેમ છે. પીએમ મોદી ના વિકાસ મોડલને આગળ વધારવું અને તમામ મેયર પોતાના વિકાસ કાર્યો અંગેની વાત પ્રજાજનો સુધી પહોંચાડવા ભાજપે આ પ્રકારની આયોજન કર્યું છે. એક શહેરની સારી પોલિસી બીજા શહેર માં લાગુ કરવાનો વિકલ્પ મળશે તે પણ આ કાર્યક્રમનો મહત્ત્વનો હેતુ છે.

આમ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ પીએમ મોદીના ચહેરા પર જ લડવાનો છે પરંતુ તે પહેલા ભાજપ આ પ્રકારના મોટા આયોજનથી માહોલ બનાવવા માંગે છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં 60 દિવસ કરતા ઓછો સમય બાકી છે ત્યારે ભાજપે સતત શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસો અને તેની વચ્ચે કેન્દ્રિય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતૃત્વના પણ પ્રવાસો થી ગુજરાતમાં પ્રચાર અભિયાનને વેગ આપવામાં આવશે. મેયર કોન્ફરન્સમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા મેયર નું સન્માન પણ કરાશે.  વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ સંગઠન અને રાજય સરકાર તમામ જોર લગાવી રહ્યા છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્તરેથી પણ ગુજરાતમાં સતત ૭મી વાર સરકાર બનાવી ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે અને તે જાળવી રાખવા રણનીતિ ઘડાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે તેની કેટલી અસર જમીન પર દેખાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news