સૌરાષ્ટ્રના આ વર્તમાન સાંસદો પર લટકતી તલવાર, લોકસભામાં ટિકિટ મળી તો ભયો ભયો
Loksabha Elections 2024 : નબળી કામગીરી, વિવાદ, વય વગેરે કારણોસર સૌરાષ્ટ્રમાં ભાજપના ઓછામાં ઓછા પાંચ સાંસદો ઘરભેગા થઈ શકે છે... કોના પર લટકતી તલવાર છે તે જોઈએ
Trending Photos
Gujarat Politics : રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પછી ઉમટેલા જુવાળનો રાજકીય લાભ ખાટવા ભાજપે તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અઘોષિત રીતે ગાંધીનગર લોકસભા બેઠકનું કાર્યાલય શરૂ કરીને આડકતરી રીતે ગૃહમંત્રી અમિત શાહની ઉમેદવારી જાહેર કરી દીધી. અન્ય મત વિસ્તારોમાં પણ કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પહેલો સવાલ એ થાય છે કે વર્તમાન સાંસદો પૈકી કોને રિપિટ કરવામાં આવશે અને કોનાં પત્તા કપાશે? ગુજરાતના તમામ બેઠકોનાં વર્તમાન સાંસદોના લેખાંજોખાંની આ શ્રેણીમાં આજે સૌરાષ્ટ્રના સાંસદોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની કુલ રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર બેઠકો પૈકી પાંચ બેઠકો એવી જણાય છે જ્યાં વર્તમાન સાંસદને બદલે નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે.
કોણ કપાઈ શકે છે? શા માટે?
અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા સળંગ ત્રણ ટર્મથી ચૂંટાતા રહ્યા છે. ત્રણેય ચૂંટણીમાં એમની સરસાઈ સતત વધતી રહી છે, છતાં આ વખતે નારણભાઈનું પત્તુ કપાય એવી પૂરી શક્યતા છે. સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ સાથેની કથિત ધમકી ઉપરાંત નારણભાઈ વારંવાર વિવિધ વિવાદોમાં આવી ચૂક્યા છે. આથી આ બેઠક પર નવો ચહેરો ભાજપ પસંદ કરે એવી શક્યતા બળવત્તર છે. જુનાગઢ બેઠકના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા બે ટર્મથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પરંતુ વેરાવળના જાણીતા તબીબ ડો. ચગની આત્મહત્યામાં સંડોવણીના વિવાદ પછી ચુડાસમાની તકો હવે નહિવત્ત ગણાય છે. વળી અહીં આહિર, કારડિયા, પાટીદાર કોમ્બિનેશન સાધવું કોઈપણ પક્ષ માટે અનિવાર્ય છે એ જોતાં ભાજપ હવે અહીં આશ્ચર્યજનક ચહેરો ઉતારે એવી શક્યતા છે.
કુંડારિયા માનીતા ખરાં પણ...
રાજકોટના સાંસદ અને પોતાની શારીરિક ઊંચાઈ જેટલું જ રાજકીય કદ ધરાવતા મોહન કુંડારિયા મોદી અને શાહ બંનેના માનીતા હોવાનું મનાય છે. જિલ્લાના પેચીદા રાજકીય સમીકરણો સાધવામાં માહેર કુંડારિયા બે ટર્મથી રાજકોટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પરંતુ અહીં તેમને તીવ્ર આંતરિક સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સહકાર ક્ષેત્રમાં તેમનાં અનેક વિરોધીઓ યેનકેન પ્રકારે તેમનું પત્તું કાપવા તત્પર હોવાથી કુંડારિયા આ વખતે ટીકિટ મેળવશે કે કેમ એ જોવું રસપ્રદ બની રહેશે. એ જ રીતે ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળ માટે પણ વિકટ પરિસ્થિતિ છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બની ચૂકેલા ભારતીબહેન હવે સંગઠનના દાયરામાંથી પણ બહાર થઈ ચૂક્યા છે. વળી તેમની કામગીરી સામે પણ સ્થાનિક સ્તરે અનેક પ્રશ્નાર્થો છે. એ જોતાં ભારતીબહેનને હવે તક ન મળે અને તેમની જગ્યાએ ભાજપ યુવાન અને ક્ષત્રિય ઉમેદવારને આગળ કરે એવી શક્યતા ચર્ચાઈ રહી છે.
વિવાદ છતાં પુનમબેન જોરમાં
ધારાસભ્ય રિવાબા સાથેના વિવાદને બાદ કરીએ તો જામનગરના સાંસદ પુનમબહેન તેમના મતક્ષેત્રમાં જેટલાં લોકપ્રિય છે એટલું જ સંગઠન પર પણ વર્ચસ્વ ધરાવે છે. હાલમાં જ આહિરાણી મહારાસ યોજીને તેમણે પોતાનું સામાજિક વર્ચસ્વ પણ સિદ્ધ કરી દીધું છે. સક્રિય કામગીરી અને જીવંત લોકસંપર્કને લીધે પુનમબહેન રિપિટ થાય અને નવી સરકારમાં મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવે એવી શક્યતા બિલકુલ નકારી શકાય નહિ. એથી વિરુદ્ધ, કેન્દ્રિય મંત્રીમંડળમાં સમાવાયેલા સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા માથે હાલ તલવાર લટકી રહી જણાય છે. બિનરાજકીય અને સેવાભાવી છબી ધરાવતા ડો. મુંજપરાને 2019માં પ્રથમ વાર ટીકિટ આપીને ભાજપે આશ્ચર્ય સર્જ્યું હતું અને પછી કેન્દ્રિય મંત્રીમંડળમાં સમાવીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે ડો. મુંજપરા મંત્રી તરીકે નોંધપાત્ર રહ્યા નથી. ઉપરાંત જિલ્લા સિવાયના કોળી સમાજમાં પણ ખાસ વર્ચસ્વ ઊભું કરી શક્યા નથી. એ જોતાં તેમને ફરીથી તક ન મળે તો નવાઈ ન લાગવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે