2 દિવસમાં ભાજપના 2 નેતાઓના લેટરબોમ્બ, શિસ્તબદ્ધ પાર્ટીમાં આબરૂના ધજાગરા
Gujarat Politics : બે દિવસમાં ભાજપના 2 નેતાઓએ લેટર બોમ્બ ફેંકીને ગુજરાતના ગૃહવિભાગ અને કૃષિ વિભાગ સામે સવાલો ઉભા કર્યા છે... કોણ છે આ નેતાઓ જોઈએ
Trending Photos
Gujarat BJP Internal Politics : ગુજરાતમાં ભાજપમાં જૂથવાદ નાબૂદ થયો હોવાની વાહવાહી થાય છે. પીએમ મોદી કે અમિત શાહનો દિલ્હીથી આદેશ થાય એટલે નેતાઓ એક લાઈનમાં આવી જાય અને સક્રિય થઈ જાય. થોડા દિવસથી ગુજરાતમાં ભાજપના નેતાઓ સતત સક્રિય દેખાઈ રહ્યાં છે. પાટીલ સામે બોમ્બ ફૂટ્યા બાદ જાડેજાની હકાલપટ્ટીથી ભાજપમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં ઓટ આવી હતી પણ અમિત શાહે દિલ્હી અને ગુજરાતમાં નેતાઓમે રિમાન્ડ પર લેતાં ફરી સભાઓ શરૂ થઈ ગઈ છે. હવે સીધા આદેશો અને મોનીટરિંગ દિલ્હીથી થઈ રહ્યું છે. રાજ્યમાં લોકસભાના પ્રચારમાં તેજી આવી છે આ સમયે જ ભાજપના 2 નેતાઓએ લેટર બોમ્બ ફેંકીને શિસ્ત બદ્ધ ગણાતી ભાજપ પાર્ટીની આબરૂના ફરી ધજાગરા શરૂ કર્યા છે. ભાજપ એ શિસ્ત બદ્ધ પાર્ટી કહેવાય છે. નેતાઓને સમસ્યા હોય તો પાર્ટી ફોરમમાં કે સરકારમાં ખાનગીમાં રજૂઆત કરી શકે એવી સીઆર પાટીલ ઘણીવાર સલાહ આપી ચૂક્યા છે પણ 2 દિવસમાં ભાજપના 2 નેતાઓએ લેટર બોમ્બ ફેંકીને ગુજરાતના ગૃહવિભાગ અને કૃષિ વિભાગ સામે સવાલો ઉભા કર્યા છે. કૃષિ મંત્રીએ તો રીતસરના ખુલાસા કરવા પડી રહ્યાં છે. પ્રજાની સમસ્યાને વાચા આપવી એ યોગ્ય છે પણ આ રજૂઆતો આંતરિક સ્તરે પણ થઈ શકી હોવાનો ભાજપમાં ગણગણાટ ઉભો થયો છે. ભાજપના એક સમયના પૂર્વ મંત્રી કુમાર કાનાણી અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ લેટર બોમ્બથી ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લઈ કઠેડામાં ઉભી કરી દીધી છે.
ગુજરાતમાં ગુણવત્તાયુક્ત બિયારણની ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં છે. ખેડૂતોની માગણી યોગ્ય છે. નકલી એટલે ઓછી ગુણવત્તા ધરાવતી બિયારણ કંપનીઓનો રાફડો ફાટ્યો છે. જેના પગલે ખેડૂતોને એક આખી સિઝન માથે પડવાની સાથે ખેતીખર્ચ પણ પાણીમાં જાય છે. આ મામલે સરકારમાં અનેક રજૂઆતો થઈ છે અને બહેરા કાને અથડાઈ છે. આજે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સરકારના કાન આમળતાં રાજ્ય અને કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરતો પત્ર વાયરલ કરતાં કૃષિવિભાગ સાણસામાં મૂકાઈ ગયો છે. સરકારે આ મામલે ખુલાસો કરવો પડ્યો છે કે આ અંગે કાર્યવાહી થઈ રહી છે. પાર્ટી અને સરકારમાં એવો ગણગણાટ છે કે સાંસદ રામભાઈ મોકરિયાએ આ મામલો સરકાર સામે લાવ્યા બાદ કાર્યવાહી ન થઈ હોય તો આ લેટર બોમ્બ ફોડવાની જરૂર હતી. આ લેટર બોમ્બથી સરકારની કામગીરીની આબરૂના ધજાગરા થયા છે. હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે દુખતી નસ હોય તો ખેડૂતો છે. એ નસ દબાવવાની કામગીરી રામભાઈ મોકરિયાએ કરી છે અને વિરોધ પક્ષને નવો મુદ્દો આપી દીધો છે. ભાજપના નેતાઓ સરકારની કામગીરીને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા સભાઓ કરી રહ્યાં છે ત્યારે મોકરિયાના આ લેટર બોમ્બે સાબિત કરી દીધું છે કે ભાજપમાં બધુ સરખું ચાલી રહ્યું નથી.
આ જ સ્થિતિ ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉભી કરી છે. કાનાણીએ પણ લેટર બોમ્બ ફેંકીને ગુજરાત પોલીસ તોડપાણી કરતી હોવાના સીધા આક્ષેપો કર્યા છે. હર્ષ સંઘવી હાલમાં પોલીસની વાહવાહી કરી મેડલ આપી રહ્યાં છે ત્યારે ભાજપના એક સમયના મંત્રીએ પોલીસને કઠેડામાં ઉભી કરી દીધી છે. હર્ષ સંઘવીને લેટર લખી આ મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ લેટર બોમ્બથી પોલીસની કામગીરી સામે સીધા સવાલો ઉભા થયા છે. ગુજરાતીમાં કહેવત છે ને આવા દોસ્તો હોય તો દુશ્મનોની ક્યાં જરૂર છે. એમ ભાજપના નેતાઓ જ સરકાર સામે સીધા સવાલો કરી રહ્યાં છે.
કુમાર કાનાણીએ સ્પષ્ટ લખ્યું છે કે , મને મળેલ રજુઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જીલ્લાની પોલીસ ૧૫-૨૦ ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે.
કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ બજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે.
તો આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે. આમ ધારાસભ્યે પોલીસ તોડપાણી કરતી હોય એવા આક્ષેપો સાથે ગૃહમંત્રીને રજૂઆત કરતાં તોડપાણીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે આણંદ પોલીસે પણ ખુલાસો કરવાની જરૂર છે કારણ કે એક ભાજપના સીટિંગ એમએલએ દ્રારા આ રજૂઆત થઈ છે. કુમાર કાનાણી ભાજપ સરકારમાં એક સમયના મંત્રી રહી ચૂક્યા છે. એમના આક્ષેપ બાદ ગુજરાતની પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે