ગુજરાતમાં ભાજપને પછાડવા કોંગ્રેસનું આ છે પ્લાનિંગ, લગ્નના ઘોડાઓની વિદાય પાક્કી
Gujarat Congress : લોકસભામાં એક બેઠકની જીતથી જાણે ગુજરાત કોંગ્રેસમાં જાદુ થયો હોય તેમ હવે કોંગ્રેસના લગ્નના ઘોડા અને રેસના ઘોડા, બંને દોડતા થયા છે... ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવવા માઈક્રો પ્લાનિંગ કર્યું છે
Trending Photos
Gujarat Politics : ભાજપને અમે ગુજરાતમાં હરાવીશું, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થઈ છે. રાહુલ ગાંધીએ રેસના ઘોડા અને લગ્નના ઘોડા સાથે નેતાઓની સરખામણી કરી એ સ્પષ્ટ સંકેત આપી દીધો છેકે તમે કયા ઘોડા બનવા માગો છો એ તમારે નક્કી કરવાનું છે. કોંગ્રેસ ભલે કમબેક હાલમાં ન કરી શકે પણ રાહુલ ગાંધીનો ગોલ એક દાયકા બાદનો છે. 2017માં કોંગ્રેસે વિધાનસભામાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીનો સિંહફાળો હતો. રાહુલ ગાંધી એ જાદુ ફરી ચલાવવા માગે છે.
- મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નહીં કરે પ્રયાસ
- સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ ટાર્ગેટ
- ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટી આશા
- સંગઠનને મજબૂત કરશે અને લગ્નના ઘોડાઓને વિદાય આપશે
- રાહુલ ગાંધીની નજર હોવાથી હવે કોંગ્રેસીઓ દોડવા લાગ્યા
- વ્યક્તિ નહીં પાર્ટી મોટીના સિદ્ધાંત પર કામગીરી કરશે
- જિજ્ઞેશ મેવાણીને સૌરાષ્ટ્રમાં એક્ટિવ કરાયા
વિરોધપક્ષના નેતા એ સારી રીતે જાણે છે કે ભાજપને કમજોર કરવી હશે તો ગુજરાતમાં વાર કરવો પડશે. મોદી અને અમિત શાહની જોડીને ટેન્શનમાં લાવવી હોય તો ગુજરાતમાં પ્રદર્શનને સુધારવું પડે... છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનો દબદબો છે. હવે એ ભાજપનો ગઢ બની ગયો છે. કોંગ્રેસમાં નેતા, સંગઠન કે કાર્યકરોના ઠેકાણા નથી. કેટલાય જિલ્લાઓમાં સંગઠન, ઓફિસ અને નેતાઓનો પણ અભાવ છે.
ગુજરાતમાં આજે પણ 32 ટકા મતદારો કોંગ્રેસને મત આપે છે પણ ભાજપની સંગઠન શક્તિ તરફ આ વોટબેંક વામણી પૂરવાર થાય છે. ગુજરાતીઓ માટે પણ કોઈ વિકલ્પ ન હોવાથી ભાજપ ગુજરાતમાં વન વે જીતી રહ્યું છે. કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે અને કોંગ્રેસનો ભાર ખભે વેંઢારીને નેતાઓને એક કરી શકે તેવો કોઈ મજબૂત નેતા નથી. દરેક પોતાની રીતે પ્રયાસો કરે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ફેરફાર કરવો હશે તો ફોકસ વધારવું પડશે. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે ઉત્તર ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસ તરફી વાતાવરણ છે. સૌરાષ્ટ્રમાં ફેરફાર થઈ શકે છે અને આદિવાસી બેલ્ટને પ્રાધાન્ય અપાય તો ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી શકે છે. કોંગ્રેસે હવે અત્યારથી ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસના કદાવર નેતા જિગ્નેશ મેવાણી છેલ્લા દોઢ મહિનાથી સૌરાષ્ટ્રમાં હતા. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે મધ્ય અને દક્ષિણમાં ભાજપના કોંગરા ખેરવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. એટલે પહેલાં કોંગ્રેસ જ્યાં મજબૂત હતી એ વિસ્તારોને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા છે. નેતાઓ એક્ટિવ થયા છે પણ ક્યાં સુધી એક્ટિવ રહેશે તે કહેવું મુશ્કેલ છે.
રાહુલ ગાંધી કદાચ ગુજરાતમાં ન્યાયયાત્રા કાઢી શકે છે. કોંગ્રેસ સક્રિય તો થઈ છે પણ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવો પ્રભાવ પાડે છે એ તરફ સૌની નજર છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ બંને દિવસ તેઓ મહિસાગર અને દાહોદમાં છે તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસે છે તો શક્તિસિંહ ગોહિલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. અહીં એક કહેવત ફીટ બેસે છે એક ખેંચે સીમ ભણી અને બીજો ખેંચે ગામ ભણી... આમ કોંગ્રેસના નેતાઓ જ ભાજપને ગુજરાતમાં ઉત્તમ તક આપી રહ્યા છે.
વાસનિક દાહોદ અને મહીસાગરમાં કોંગ્રેસ સંગઠન બેઠકોમાં ભાગ લેશે. અમદાવાદ પહોંચેલા મુકુલ વાસનિકનું કોંગ્રેસ સંગઠનને લઇ નિવેદન આવ્યું છે કે લોકસભા પૂર્વે શક્તિસિંહ ગોહિલની નિમણૂક થઈ ત્યારે તાત્કાલિક બદલાવ નહીં કરવા નિર્ણય લેવાયો હતો. હવે સંગઠનમાં જે બદલાવ જરૂરી છે એ કરવામાં આવશે. દરેક જિલ્લામાં મળી સંગઠન અંગે નિર્ણય લેવાઈ રહ્યા છે. સંગઠનમાં જ્યાં જે પ્રકારના બદલાવની જરૂર હશે ત્યાં કરવામાં આવશે. આમ કોંગ્રેસ સંગઠનમાં પણ મોટો ફેરફાર કરે તો પણ નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે