10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં સ્કૂલો બંધ, ઓનલાઈન પરીક્ષા લેવાશે

- રાજ્યના 8 મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય 10 એપ્રિલ સુધી બંધ કરાયુ
- 8 મહાનગરોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે
- 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ (online class) કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ કરી છે અને નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.
આ પણ વાંચો : નીતિન પટેલે ‘તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે’ એવું કહેતા જ ગૃહમાં ભડકી કોંગ્રેસ
8 મહાનગરો સિવાયના વિસ્તારમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ, પરીક્ષા પણ લેવાશે
આ જાહેરાત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય 10 એપ્રિલ સુધી બંધ કરાયુ છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રહેશે. તેમજ પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. 8 મહાનગરપાલિકામા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયુ છે. હાલ જે પરીક્ષાઓ ચાલી રહી છે તે રાબેતા મુજબ લેવાશે. પરંતુ 8 મહાનગરપાલિકા સિવાય તમામ વિસ્તારોમાં માધ્યમિક ,ઉચ્ચતર માદ્યમક શાળામા સ્વૈચ્છિક રીતે આવવા માંગનાર વિદ્યાર્થી માટે ઓફલાઈન શિક્ષણ ચાલશે. અને પરીક્ષા ઓફલાઈન ચાલુ રહેશે. આમ, 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો છે. 8 મહાનગરોને બાદ કરતા નાના શહેરોમાં પરીક્ષા યથાવત રહેશે.
આ પણ વાંચો : રાજકોટ એક્શન મોડમાં, શહેરનો કોરોના ગામડાઓમાં ન પહોંચે તેની તકેદારી લેવાશે
તેમણે કોલેજના શિક્ષણ માટે કહ્યું કે, રાજ્યમાં વધતા જતા સંક્રમણની ચિંતા કરીને આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગમાં શિક્ષણ કાર્ય અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ, કોલેજ અને યુનિવર્સિટી માટે આવતીકાલથી 10 એપ્રિલ સુધી નિર્ધારિત સ્નાતક કક્ષાનો ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા નવેસરથી સમય પત્રક જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરાશે. યુનિવર્સિટીઓની હોસ્ટેલ પણ ચાલુ રહેશે અને વિદ્યાર્થી હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવવાનુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે.
શિક્ષણ વિભાગનો અસંમજભર્યો નિર્ણય
ગુજરાતનો એક પણ જિલ્લો હાલ કોરોનામુક્ત નથી. તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ છે. આવામા શિક્ષણ વિભાગનો આ નિર્ણય અસંમજસભર્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં પરીક્ષા નહિ લેવાય અને ગ્રામ્ય વિસ્તારમા પરીક્ષા લેવાશે અને શિક્ષણ કાર્ય પણ ચાલુ રહેશે તે મામલે કન્ફ્યુઝન છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે. સરકારનો આ નિર્ણય એમ સૂચવે છે કે, શું ગામડામાં કોરોના નથી અને માત્ર શહેરી વિસ્તારોમા જ કોરોના છે. સરકારના આ નિર્ણયથી વાલીઓ પણ કન્ફ્યૂઝનમાં છે.
વાલી મંડળે કહ્યુ, જાન હૈ તો જહાન હૈ
વાલી મંડળના સભ્ય કમલ રાવલે કહ્યુ કે, જાન હૈ તો જહાન હૈ આ સૂત્રને ન ભૂલે સરકાર. શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવાનો નિર્ણય અમે આવકારીએ છીએ. પરંતુ જ્યાં સુધી કોરોના જાય નહિ ત્યાં સુધી સ્કૂલોના દરવાજા ન ખોલો. જ્યા સુધી કોરોના ન જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાની જરૂર નથી. આ અપીલ પણ છે અને વિરોધ પણ છે. હાલ પરિસ્થિતિ જોતા ઓનલાઈન સ્કૂલ જ યોગ્ય છે. પરીક્ષા ઓનલાઈન લેવાય તે જ યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ કોરોનાના ઝપેટમાં ન આવે તે મહત્વનું છે.