તમામ પ્રયાસ કોરોનાની બીજી લહેરમા ધોવાયા, અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યા
Trending Photos
- અમદાવાદમાં વધુ 5 સોસાયટીઓના કેટલાક મકાનો સહિત શહેરમાં કુલ 21 સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાઈ
- રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1700 ની આસપાસ હતી, જે આજે 2200 તરફ વધી છે
અતુલ તિવારી/અમદાવાદ :રસીકરણ મહાઅભિયાન વચ્ચે ભારતના કેટલાક રાજ્યોમાં ફરી કેસ વધી રહ્યા છે. કોરોનાને નિયંત્રણમાં રાખવામાં શરૂઆતમાં મળેલી સફળતા શિયાળામાં બીજી લહેરમાં ધોવાઈ ગઈ હતી. ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં વધારો થયો હતો. પરંતુ હવે રસીકરણની સાથે કોરોના પર કાબુ મેળવવામાં પણ સફળતા મળી રહી છે. જો કે ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી વધતા કોરોનાના કેસે (corona case) ફરી ચિંતા વધારી છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાત (gujarat corona update) માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 460 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 101, વડોદરામાં 109, સુરતમાં 74 અને રાજકોટમાં 67 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદીઓની ચિંતા વધી ગઈ છે. અમદાવાદમાં કોરોનાનો ત્રીજો વેવ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો, ટેમ્પો પાછળ બાંધીને 2 હજાર ફૂટ સુધી ધસેડ્યો
21 સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં
અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો થયો છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં 101 કેસ નોંધાયા છે. આ સાથે જ કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વધુ 5 સોસાયટીઓના કેટલાક મકાનો સહિત શહેરમાં કુલ 21 સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાઈ છે. કોરોના (corona virus) ના કેસ વધતાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યો છે. AMCએ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તેમજ સ્ક્રીનીંગની કામગીરી શરૂ કરાઈ છે. શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ એકઠા કરવાનું ફરી એકવાર શરૂ કરાયું છે.
સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારાઈ
ચૂંટણી અગાઉ અમદાવાદમાં પ્રતિદિન 50 કેસો કોરોનાના નોંધાતા હતા, જેના બદલે ચૂંટણીના પરિણામો બાદ પ્રતિદિન કોરોનાના કેસો વધીને 100 સુધી જઈ પહોંચ્યા છે. એક સમયે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1700 ની આસપાસ હતી, જે આજે 2200 તરફ વધી છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોની સંખ્યા અને સંભાવનાઓને જોતા સિવિલ હોસ્પિટલ (civil hospital) માં પણ કોરોનાના દર્દીઓ માટે બેડની સંખ્યા 200 થી વધારીને કુલ 500 કરવામાં આવી છે.
આ પણ વાંચો : બોટાદ : જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ કોમ્પિટિશનમાંથી આઉટ, હવે ભાજપ-આપ વચ્ચે સીધી જંગ
રસીને કારણે કોરોના કાબૂમાં
જોકે, છેલ્લા એક અઠવાડિયામાં વિશ્વસ્તરે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગત સપ્તાહમાં વિશ્વમાં 11 ટકા જેટલા કોરોનાના કેસ ઘટ્યા છે. જેમાં અમેરિકામાં માત્ર 37 દિવસમાં 5 કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને 100 દિવસમાં 100 મિલિયન લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યું છે.તો કમર્શિયલ કોન્ટ્રાક્ટ હેઠળ ભારત 8 જેટલા દેશને રસીના ડોઝ પુરા પાડે છે. બ્રાઝિલ, મોરોક્કો, મ્યાનમાર, ઇજિપ્ત, અલ્જિરિયા, દક્ષિણ આફ્રિકા, કુવૈત અને યુએઇ ભારત પાસેથી રસી મેળવી કોરોના સામે જંગ લડે છે. તો હવે વિશ્વભરમાં કોરોના પણ ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન, 5481 બેઠકો પર 22170 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર
રાત્રિ કરફ્યૂ લંબાવાયો
તો બીજી તરફ, કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે ગુજરાતનાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 15 દિવસ વધુ રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો છે. અમદાવાદ અને વડોદરામાં કોરોના વાયરસના કેસ એક દિવસમાં 100-100 કેસનો આંકડો વટાવી ગયા છે. જેના પગલે 15 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવાનો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ જે થઈ રહ્યો છે તે યથાવત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે