ગુજરાતના માથે મોટી ચિંતા, ત્રીજી લહેરના ભણકારા વચ્ચે વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ગુજરાતીઓ બેદરકાર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં તહેવારોમાં મોજશોખ કર્યા બાદ 4 મહિના પછી પહેલીવાર એક દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે. તહેવારોમાં આપેલી છૂટછાટ બાદ ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં એક દિવસમાં સૌથી વધુ અમદાવાદમાં 16 કેસ નોંધાયા છે. એટલું જ નહીં પણ છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસ સામે ડિસ્ચાર્જ થતાં દર્દીઓનું પ્રમાણ ઘટી ગયું છે. એટલે જ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યામાં વઘારો નોંધાઈ રહ્યો છે. નવા કેસ બાદ કુલ એક્ટિવ કેસની સંખ્યા 215 પર પહોંચી ગઈ છે. આ તરફ ગુજરાતમાં અનેક લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોવાનુ સામે આવ્યું છે.
વેકેશનની અસર કોરોના પર દેખાઈ
જો વિસ્તારથી વાત કરીએ તો એક દિવસમાં અમદાવાદમાં 16, સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરામાં 4, જૂનાગઢ, મોરબી, રાજકોટમાં કોરોનાના 2-2 કેસ નોંધાયા છે. આ આંકડાઓ પરથી લાગે છે કે, તહેવારોમાં જે રીતે લોકો બિન્દાસથી ફર્યા, બજારોમાં ભીડ ઉમટી અને પ્રવાસન સ્થળો ફૂલ થયા માટે કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી નિયંત્રણો હળવા કર્યા છે, જે બાદ લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તેમ ફરી રહ્યા છે. માટે ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો : વડોદરાના યુવકની અનોખી સેવા, 21 વર્ષની ઉંમરે ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું બીડુ ઉપાડ્યું
સુરતમાં ઘરે ઘરે જઈને અપાઈ રહ્યો છે રસીનો બીજો ડોઝ
તો બીજી તરફ, દિવાળી બાદ રસીકરણ ધીમું થતા સુરતમાં તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતમાં રસીકરણને વેગ આપવા 110 ટીમ બનાવી છે. સુરતમાં 7 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ હજી સુધી લીધો નથી. 110 ટીમ કાર્યરત કરી પ્રથમ દિવસે 1700 લોકોને રસી આપી છે. પ્રથમ ડોઝ ના લીધો હોય કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને શોધીને ઘરે ઘરે જઈને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં 142 સેન્ટરો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. સુરતમાં પ્રથમ ડોઝની 106 ટકા અને બીજા ડોઝની 61 ટકા કામગીરી થઈ છે.
જોકે, મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આપણા દેશમાં કેસ વધ્યા નથી, પણ તેમ છત્તા કેન્દ્ર સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પાસે વિગતો મેળવી છે. કોરોનાના કેસોની સમીક્ષા કરી છે. રસીકરણ અંગે પણ તેમણે વિગતો મેળવી છે. ત્રીજી લહેરના ભરડામાં ગુજરાત ન આવે તે માટે તકેદારી રાખીશું. ગુજરાત માટે એક ચિંતાજનક વાત છે. બીજો ડોઝ લેવામાં 32 % લોકો બેદરકાર રહ્યાં છે. આશા વર્કર સહિત સ્થાનિક ટીમો કામે લગાડી લોકોને બીજો ડોઝ અપાશે. ઈન્સેન્ટિવ આપીને લોકોને બીજો ડોઝ આપવા અભિયાન ચલાવાશે. પહેલા ડોઝમાં 92% કામગીરી થઈ છે, બાકીની 8% પણ ઝડપથી પૂર્ણ કરીશું. લોકો દિવાળીના તહેવારોમાં બહાર હતા એટલે ટેસ્ટિંગ ઘટ્યું હતું. હવે ગુજરાતમાં બહારથી આવનારા લોકોના ટેસ્ટિંગની તકેદારી રાખી છે.
અમદાવાદમાં 9.30 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો
અમદાવાદમાં કોરોના વેકસીનના બીજા ડોઝ મામલે amc એ મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોય એવા લોકોને અગાઉની જેમ પ્રવેશબંધી કરવામાં આવશે. લોકોએટે AMts, brts ઉપરાંત amc સંબંધી સેવાઓ અને સ્થળો પર ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. અમદાવાદમા હજીપણ 9.30 લાખ લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે