ગુજરાતના ડઝનેક સાંસદો દિલ્હીમાં ‘બેઘર’, ગરવી ગુજરાત ભવનને બનાવ્યું બીજુ ઘર

Housing Crises In Delhi For Gujarat Leaders : ગુજરાતથી ચૂંટાઈને દિલ્હી ગયેલા સાંસદોને હાલ દિલ્હીમાં સરકારી આવાસ નથી મળી રહ્યાં, ઘણાં પૂર્વ સંસદસભ્યોએ હજી સરકારી આવાસ ખાલી કર્યા નથી, જેથી ગુજરાતના સાંસદો આમતેમ રખડી રહ્યાં છે 
 

ગુજરાતના ડઝનેક સાંસદો  દિલ્હીમાં ‘બેઘર’, ગરવી ગુજરાત ભવનને બનાવ્યું બીજુ ઘર

Gujarat Politics : ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સરકારે નવા નેતાઓને ચાન્સ આપ્યો હતો. જેઓ જીતીને દિલ્હી તો પહોંચી ગયા છે પણ હવે સરકારી આવાસ નથી મળી રહ્યાં. રાજ્યમાં પણ એક ડઝન સાંસદો સરકારી આવાસની રાહ જોઈને બેઠા છે પણ આગામી 6 મહિના સુધી સરકારી ક્વાર્ટર ફાળવાય તેવી સંભાવના નહીવત છે. આ ફક્ત ગુજરાતની વાત નથી દેશભરના સાંસદોની આ સ્થિતિ છે. જેઓને દિલ્હીમાં સરકારી આવાસ મળી રહ્યાં નથી. દીવના સાંસદે પણ જણાવ્યું હતું કે અમને હજુ ક્વાર્ટર ફાળવાયા નથી હું હજુ દીવના ભવનમાં જ રહું છું.

થોડા દિવસો પહેલાં પણ ગુજરાત ભાજપના બિનહરિફ ચૂંટાયેલા સંસદ મુકેશ દલાલે બળાપો ઠાલવ્યો હતો કે તેમને સુરતમાં સાંસદની ઓફિસ મળી રહી નથી. એમને કલેક્ટરને રજૂઆત સુધી પણ કરી હતી. આમ સામાન્ય લોકો જ નહીં નેતાઓ પણ ઘર માટે લાઈન લગાવીને બેઠા છે. લોકસભાની ચૂંટણી પછી ત્રીજી વખત સત્તારૂઢ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અને પાર્લામેન્ટમાં નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે. 

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ એક અહેવાલ હતો કે, રૂપાણી સરકાર સમયના કેટલાક નેતાઓએ ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટસ ખાલી કર્યા નથી. ગુજરાતના ગાધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટર્સની હાલત છે તેવી જ હાલત અત્યારે સંસદસભ્યો માટેના દિલ્હીના ક્વાર્ટર્સની જોવા મળી રહી છે.

નવા ચૂંટાયેલા સાંસદોના સરકારી આવાસોનું હજી કોઇ ઠેકાણું પડ્યું નથી. ઘણાં પૂર્વ સંસદસભ્યોએ હજી સરકારી આવાસ ખાલી કર્યા નથી. તેથી વર્તમાન પાર્લામેન્ટમાં ગુજરાતના સંસદસભ્યોને સરકારી આવાસ મળી શક્યા નથી. હાલ તમામ નવા સાંસદોએ ગરવી ગુજરાત ભવનને પોતાનુ નિવાસ બનાવવું પડ્યું છે. એવા અહેવાલો હતા કે, ગુજરાતના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલને પણ હજી સુધી સરકારી બંગલો મળી શક્યો નથી. તો બાપડા સાંસદોનો ગજ કયાંથી વાગે. 

સુત્રોની વાત માનીએ તો પાટીલના બંગ્લામાં હાલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે એટલે તેઓ ગુજરાત ભવનમાં રહી રહ્યાં છે. ગુજરાતના કેટલાક સાંસદોને થોડા દિવસો પહેલાં સરકારી ક્વાર્ટર ફાળવાયા છે. જોકે, બીજા સાંસદોને આવાસ મળવામાં હજુ વાર લાગશે. જેથી તેઓએ ગરવી ગુજરાત ભવનને જ નિવાસ બનાવીને રહેવું પડશે. સરકારના નિયમ મુજબ હારી ગયેલા સંસદસભ્ય છ મહિના સુધી સરકારી આવાસ રાખી શકે છે. આ નિયમના કારણે ઘણાં સાંસદો નિવાસ સ્થાન માટે વેઇટીંગમાં જોવા મળી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news