અહીં વિકાસ ગાંડો નથી થયો, પણ અધૂરો થયો છે... આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતનું આ ગામ છે પછાત
Trending Photos
- આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું સૌથી મોટું ગામ એવા મોટીમારડ ગામનો વિકાસ અધૂરો છે.
- આ વખતે સરકારોએ ગામડાના વિકાસની મોટી મોટી વાતો કરી પણ આ ગામનો વિકાસ થયો નથી.
- ગામમાં પાયાની સુવિધાઓનો હજી પણ અભાવ છે, ત્યારે ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી આવી છે, ત્યારે જોઈએ રિપોર્ટ
દિનેશ ચંદ્રવાડિયા/રાજકોટ :ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટના સૌથી મોટા મોટીમારડ ગામની ખાસિયત જાણીએ તો, આજની તારીખે પણ આ ગામનો વિકાસ અધૂરો છે. ગામમાં પાયાની સુવિધાનો અભાવ છે. ગામલોકોનું કહેવું છે કે, માત્ર મોટી મોટી વાતો થઈ રહી છે પણ ગામનો વિકાસ થયો નથી. મોટીમારડ ગામ 9000 હજારની વસતી અને 6 હજાર 600 મતદારો ધરાવતું ગામ છે. ગામમાં રોજગારીની અનેક તક છે પણ હાલ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી. એટલું જ નહીં પણ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી સ્વસ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગામની મહિલાઓ સરપંચનું સ્થાન મેળવીને વિકાસના કામો કરવાની આશા રાખી રહી છે. ગામના લોકોએ એક જ માગ કરી કે, આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે કોઈ સત્તામાં આવે તે ગામમાં પાયાનો વિકાસ કરે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું સૌથી મોટું ગામ મોટીમારડ, 9000 હજારની વસ્તી ધરાવતું અને 6600 મતદાર સાથેનું આ તાલુકાનું મોટું ગામ છે. ગામમાં અનેક રોજગાર પણ મળી રહે છે. અહીં નાનામોટા ધંધાર્થીઓ પોતાની રોજીરોટી કમાય છે. પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ આ ગામનો વિકાસ અધૂરો હોય તેવું લાગી રહ્યું છે. ગામમાં હાલ પણ રોડ અને રસ્તાની કોઈ સુવિધાઓ નથી. પાયાની અને સ્વચ્છતા સાથે ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા નથી. તો બીજી તરફ, ગામમાં સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ આંખે ઉડીને વળગે છે. ત્યારે આ ગામના લોકો હવે 21 મી સદીમાં ગામનો આધુનિક વિકાસ થાય તેવું ઈચ્છી રહ્યાં છે.
આમ તો દરેક વ્યક્તિને તેઓ પોતાના ગામ માટે કંઈક કરે તેવી ઈચ્છા હોય છે, ત્યારે મોટીમારડની મહિલાઓ પણ હવે ગામના વિકાસ માટે કામ કરવા ઈચ્છે છે અને હવે મહિલાઓ પણ આવી રહેલ ગ્રામ પંચાયતની અને સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને સરપંચની સીટ ઉપર બેસીને ગામનો વિકાસ કરવાના કોલ અને વચન આપે છે.
ગામના કૃષ્ણ નગર અને રામ નગર વિસ્તારમાં આજે પણ કોઈ વિકાસની કામગીરી થઇ નથી. અહીં રોડ રસ્તા અને ખાસ તો ગામને જોડતો અને સ્થાનિક નદી ઉપર આવેલ પુલ 45 વર્ષ જુનો છે. જે નવો બનાવવાની સ્થાનિકો દ્વારા ઘણા સમયથી માંગ છે, પરંતુ અહીં કોઈ કામ ના થયું હોય તેવું અહીંના રહેવાસીઓ આક્ષેપ કરે છે. ધોરાજી તાલુકાની આ સૌથી મોટી ગ્રામ પંચાયતમાં આવેલ સરપંચો અને સદસ્યોએ અનેક વિકાસના કામો થયા છે. સરકારની ગ્રાન્ટમાંથી ગામના અનેક વિકાસના કામો થયા છે. જેમાં રોડ રસ્તાના કામો થયા છે અને હજુ સફાઈના કામોની જરૂરિયાત છે. ત્યારે આવતી ચૂંટણીમાં અહીં સારા નેતાઓ ચૂંટાય તેવી લોકોની અપેક્ષા છે.
હાલ તો સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણીમાં લોકો દ્વારા જે વિકાસ 75 વર્ષમાં ના થયો તે હવે ચૂંટાઈને જે સભ્યો આવે તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે હવે આશા રાખીએ કે વિકાસ કરે તેવા સભ્યો ચૂંટાઈને આ ગામનો વિકાસ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે