ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વિવાદ, હાર્દિકે કહ્યુ- મને હેરાન કરવામાં આવે છે, રાહુલ ગાંધી પર પણ લગાવ્યો આરોપ

હાર્દિક પટેલે ગુરૂવારે કહ્યું કે કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. ન્યૂઝ એજન્સી પીટીઆઈને હાર્દિક પટેલે કહ્યુ, 'મને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયો, પરંતુ મારી પાસે કોઈ કામ નથી. મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવવામાં આવતો નથી, કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવવામાં આવતો નથી.
 

ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વિવાદ, હાર્દિકે કહ્યુ- મને હેરાન કરવામાં આવે છે, રાહુલ ગાંધી પર પણ લગાવ્યો આરોપ

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે પરંતુ આ પહેલાં કોંગ્રેસ મજબૂત થવાની જગ્યાએ તૂટી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલાં ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે હાર્દિક પટેલે કહ્યુ કે, કોંગ્રેસના નેતા ઈચ્છા છે કે હું પાર્ટી છોડી દઉં. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે પ્રદેશ નેતૃત્વ તેને સતત પરેશાન કરી રહ્યું છે. તેણે કહ્યું કે, મારા તરફથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મારી આ સ્થિતિ વિશે ઘણીવાર માહિતી આપી, પરંતુ દુખની વાત છે કે કોઈ નિર્ણય થયો નથી. તેણે દાવો કર્યો કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી બની તે માટે જૂથવાદ અને સ્થાનીક કોંગ્રેસ નેતાઓનું બીજા દળો સાથે ગુપ્ત ગઠબંધન જવાબદાર છે. 

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે દાવો કર્યો, '2017માં આટલો મોટો માહોલ હતો, પરંતુ ખોટી રીતે ટિકિટની વહેંચણી કરવાથી સરકાર બની નહીં. હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા પ્રદેશ નિવૃત્વ વિરુદ્ધ ખુલીને બળવો કર્યો છે. ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી રાજ્યની સત્તામાંથી બહાર છે. પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા હાર્દિકે કહ્યુ કે, અમે એક મોટુ આંદોલન ઉભુ કરી કોંગ્રેસને ફાયદો અપાવ્યો હતો. અમને લાગ્યુ કે જ્યારે અમારી તાકાત અને કોંગ્રેસની તાકાત મળશે તો અમે પ્રદેશને એક નવી સ્થિતિમાં લઈ જશું. પરંતુ કોંગ્રેસના નેતાઓએ અમારી તાકાતને નબળી પાડી દીધી.'

ન્યૂઝ એજન્સી પીટીઆઈને હાર્દિક પટેલે કહ્યુ, 'મને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયો, પરંતુ મારી પાસે કોઈ કામ નથી. મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવવામાં આવતો નથી, કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવવામાં આવતો નથી. સવાલ તે છે કે કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ શું હોય છે? કોઈતો જવાબદારી આપવી જોઈએ, ત્રણ વર્ષ થઈ ગયા, કોઈ કામ આપવામાં આવ્યું નથી.' હાર્દિકે કહ્યુ- મારી નારાજગી ક્યાંય જવા માટે નથી. હું તે કહેવા ઈચ્છુ છું કે કંઈક તો સારૂ કરો. પાર્ટીની ખુબ ખરાબ સ્થિતિ છે, જે મજબૂતીથી લડનારા લોકો છે તેને તક તો આપો. જે કંઈ કરવા ઈચ્છતા નથી, તેના પર બધુ છે. 30 વર્ષથી કોંગ્રેસ સરકાર બનાવી શકી નથી તો આ લોકોની ભૂલ માનો.

કોંગ્રેસ પર લગાવ્યો ઉપયોગ કરવાનો આરોપ
પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ સામેલ કરવાની સંભાવનાને લઈને હાર્દિકે કહ્યુ- કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની સાથે વાત થઈ કે નહીં. આટલા દિવસથી સમાચાર આવી રહ્યાં છે. હાર્દિક પટેલે પાર્ટી પર નિશાન સાધતા સવાલ કર્યો, 2017માં તમે હાર્દિકનો ઉપયોગ કર્યો, 2022માં તમે નરેશ ભાઈનો ઉપયોગ કરીશો અને 2027માં કોઈ નવો પટેલ શોધશો? તમારી પાસે હાર્દિક છે તો તેને મજબૂત કેમ કરતા નથી? નરેશ ભાઈને લેવા જોઈએ, પરંતુ તેમની સ્થિતિ મારા જેવી નહીં થાયને? 

પાર્ટી છોડવાના સવાલ પર કહ્યુ- મને પરેશાન કરવામાં આવે છે
તે પૂછવા પર શું તે કોંગ્રેસ છોડવા પર વિચાર કરી રહ્યો છે તો યુવા નેતાએ કહ્યુ- હું કોઈ બીજી પાર્ટીમાં જવા ઈચ્છતો નથી. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં જે મજબૂત નેતા છે, તેને પરેશાન કરવામાં આવે છે, જેથી તે પાર્ટી છોડી દે. હાર્દિક પટેલે આરોપ લગાવતા કહ્યુ કે, પ્રદેશ કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. તેણે સવાલ કર્યો, વર્ષ 2017માં કોંગ્રેસના 80 ધારાસભ્યો હતા, આજે 65 વધ્યા છે. એક-બે ધારાસભ્યો જાય તો માની લેવામાં આવે કે ભાજપે ખરીદ્યા હશે, પરંતુ આટલા ધારાસભ્યો જતા રહે તો અમે અમારી ભૂલ કેમ નથી માનતા?' 

અલ્પેશ ઠાકર પણ જતો રહ્યો, કોંગ્રેસ નેતા જ જવાબદાર
હાર્દિકે કહ્યુ, અલ્પેશ ઠાકોર ચાલ્યો ગયો તો અમે તે કેમ કહ્યું કે તે સ્વાર્થી હતો? સત્ય છે કે તેને પરેશાન કરવામાં આવ્યો એટલે પાર્ટી છોડી. કાર્યકારી અધ્યક્ષે આરોપ લગાવ્યો- કોંગ્રેસનું સ્થાનીક નેતૃત્વ સંપૂર્ણ રીતે બેકાર કામ કરી રહ્યું છે. બધાને હેરાન કરવામાં આવે છે, જૂથવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેણે કહ્યું- આ તમામ સ્થિતિ વિશે રાહુલ ગાંધીને અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. તેથી મને વધુ દુખ થાય છે. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો- મારા કોંગ્રેસના લોકો જ અફવા ફેલાવે છે કે હું પાર્ટી છોડવાનો છું. એક વર્ષ પહેલાં અફવા ફેલાવવામાં આવી કે હું આમ આદમી પાર્ટીમાં સામેલ થવાનો છું. મને નબળો પાડવા માટે આ કરવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news