કપાસના ઉત્પાદનમાં ગુજરાતની કમાલ, બન્યું દેશનું શ્રેષ્ઠ કપાસ ઉત્પાદક રાજ્ય, બે વર્ષમાં આટલી ગાંસડીનું કર્યું ઉત્પાદન

ગુજરાતના ખેડૂતોએ કપાસના ઉત્પાદનમાં કમાલ કર્યો છે. છેલ્લા બે વર્ષમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે છે. દેશના કુલ કપાસના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 50 ટકા જેટલું પહોંચ્યું છે. 
 

કપાસના ઉત્પાદનમાં ગુજરાતની કમાલ, બન્યું દેશનું શ્રેષ્ઠ કપાસ ઉત્પાદક રાજ્ય, બે વર્ષમાં આટલી ગાંસડીનું કર્યું ઉત્પાદન

ગાંધીનગરઃ ગુજરાત છેલ્લાં બે વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. રાજ્યએ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અને 2023-24 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અનુક્રમે 87.95 લાખ ગાંસડી અને 90.57 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન કર્યું, જ્યારે ભારતનું કુલ ઉત્પાદન 336.60 લાખ ગાંસડી અને 325.22 લાખ ગાંસડી હતું. વધુમાં, 2023-24માં ગુજરાતે ભારતના કુલ કપાસનાં ટેક્સટાઈલ નિકાસમાં લગભગ 30% પ્રદાન આપ્યું હતું. આ માહિતી કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી પબિત્રા મર્ગેરિટાએ 13 ડિસેમ્બરે રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉપલબ્ધ કરાવી હતી.

કપાસમાં ગુજરાતની કમાલ
મંત્રીએ આપેલા નિવેદન અનુસાર, ભારતની કુલ કોટન ટેક્સટાઈલ નિકાસ (જેમાં કપાસનાં ફેબ્રિક્સ, કોટન વેસ્ટ, યાર્ન સહિતના કપાસની કાચી સામગ્રી, અને અન્ય ટેક્સટાઈલ યાર્ન્સ, ફેબ્રિક મેડ-અપ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે) છેલ્લા બે વર્ષમાં 2022-23 અને 2023-24 દરમિયાન અનુક્રમે 11,085 મિલિયન અમેરિકી ડૉલર અને 12,258 મિલિયન ડૉલર રહી હતી, જ્યારે ગુજરાતની કુલ કપાસની ટેક્સટાઈલ નિકાસ અનુક્રમે 2,835 મિલિયન અને 3,615 મિલિયન ડૉલર રહી હતી.

પરિમલભાઈ નથવાણી દેશમાં કપાસના કુલ ઉત્પાદન અને નિકાસ, સરકાર દ્વારા કપાસની નિકાસ વધારવા અને કપાસના ઉત્પાદન ક્ષેત્રે સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવાના માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માંગતા હતા.

શુલ્ક પર રિબેટ (RoSCTL) યોજનાનો અમલ
મંત્રીએ આપેલા નિવેદન અનુસાર, ટેક્સટાઈલ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એપરલ/ગાર્મેન્ટ્સ અને મેડ-અપ્સના નિકાસ પર રાજ્ય અને કેન્દ્રના કર અને શુલ્ક પર રિબેટ (RoSCTL) યોજનાનો અમલ કરી રહી છે. વધુમાં, જે ટેક્સટાઈલ ઉત્પાદનો ROSCTL હેઠળ આવતાં નથી, તેને અન્ય ઉત્પાદનો સાથે રીમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઑન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (RoDTEP) હેઠળ આવરી લેવામાં આવે છે, મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. ભારતે વિવિધ વાણિજ્યિક ભાગીદારો સાથે 14 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTAs) અને 6  પ્રેફરેન્સિઅલ ટ્રેડ એગ્રીમેન્ટ (PTAs) પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય બ્રાન્ડનું કસ્તુરી કપાસ
29 mm અને 30 mm લોંગ-સ્ટેપલ કપાસની પ્રીમિયમ ભારતીય બ્રાન્ડ 'કસ્તુરી કપાસ ભારત'ને ટેક્સટાઈલ મંત્રાલય અને ઉદ્યોગ વચ્ચે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પહેલમાં અત્યાર સુધીમાં 464 એકમો જોડાયા છે. 30 ઓક્ટોબર, 2024 સુધીમાં 47,600 બેલ્સ કસ્તુરી કપાસ લેબલ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે. ICAR-કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા (CICR), નાગપુરે છેલ્લા દાયકામાં 333 કપાસની જાતો રજૂ કરી છે, જેમાં 191 નોન-બીટી અને 142 બીટી કપાસની જાતો સમાવેશ થાય છે.

ICAR-CICR દ્વારા લેવામાં આવેલી અન્ય પહેલો પ્રોજેક્ટમાં વોલન્ટરી કાર્બન માર્કેટ પ્રોજેક્ટ, જનોમ એડિટિંગ, ટ્રાંસજેનીક સંશોધન, HDPS ટેક્નોલોજી સ્કેલિંગ, રેસિસ્ટન્સ માટે બ્રીડિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, જે ભારતમાં કપાસના ઉત્પાદન અને સસ્ટેનેબિલિટી સુધારવા માટે બનાવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news