Honest Sucess Story : પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ
Success Story Of Honest : લો ગાર્ડનની એક નાનકડી લારીથી શરૂ થયેલી ઓનેસ્ટની સફર આજે અનેક દેશોમાં ફેલાઈ છે... આ માટે ઉત્તર ભારતથી ગુજરાત આવેલા ગુપ્તા પરિવારે સંઘર્ષ કર્યો છે
Trending Photos
Food Brand Honest Restaurant : ગુજરાતનું કોઈ શહેર બાકી નહિ હોય, જ્યા તમને ઓનેસ્ટ રેસ્ટોરન્ટ મળતી નહિ હોય. હવે તો ગુજરાતના હાઈવે પર પણ ઓનેસ્ટ રેસ્ટોરન્ટનું મોટું બોર્ડ ટિંગાડેલુ જોવા મળશે. સ્વાદિષ્ટ પાવભાંજી માટે પરફેક્ટ સરનામું ગણાતા ઓનેસ્ટ રેસ્ટોરન્ટને બ્રાન્ડ બનાવવા પાછળ ગુપ્તા પરિવારનો મોટો હાથ છે. એક નાનકડી લારી પર શરૂઆત કરીને તેને વિદેશ સુધી લઈ જવાની સંઘર્ષ ગાથા અનોખી છે. પિતાની એક નાનકડી લારીને કોલેજ ડ્રોપઆઉટ વિદ્યાર્થીએ એક ટોચની ફૂડ બ્રાન્ડ બનાવી દીધી છે.
‘પાઉંભાજી’ શબ્દ સાંભળો એટલે નજર સામે તરત એક નામ તરી આવે. આ નામ કે બ્રાન્ડ એટલે 'Honest'. અમદાવાદના લૉ-ગાર્ડન પાસે એક નાની લારીથી થયેલી Honestની શરૂઆત થઈ હતી. આજે અમેરિકા, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયાન, કેનેડામાં પણ ઓનેસ્ટ જોવા મળે છે. Honestની ભવ્ય સફળતા પાછળ જો કોઈ વ્યક્તિની મહેનત કે ભેજું હોય તો તે છે વિજય ગુપ્તા. ઉત્તર પ્રદેશથી રોજીરોટી માટે ગુજરાત આવેલા પિતા રમેશ ગુપ્તાએ ભેળપુરીની લારી શરૂ કરી હતી. જેને કોલેજ ડ્રોપ-આઉટ પુત્ર વિજય ગુપ્તાએ આજે એક જાણીતી બ્રાન્ડ બનાવી દીધી છે.
પોતાની સફળતાના શ્રેય વિશે વિજય ગુપ્તા જણાવે છે, ‘અમારી સફળતાનું સૌથી પહેલું કારણ એ છે કે અમે સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખીને ફૂડ બનાવીએ છીએ. ચોપાટી ફૂડ એ અમારી ઓળખ છે. અમે ક્લાસ પબ્લિક પર ક્યારેય ફોકસ કર્યું નથી. બીજું કારણ અમારી રેસ્ટોરન્ટ્સનો ટેસ્ટ છે. અમને અમારા ગ્રાહકો પાસેથી જ બિઝનેસના ગુણો શીખવા મળ્યા છે. અમે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી મસાલેદાર ઈન્ડો-ચાઈનીઝ વાનગીઓનો સમાવેશ કર્યો છે.’
પરિવારનો સંઘર્ષ
ગુપ્તા પરિવાર ઉત્તરપ્રદેશના મથુરા પાસેના પચેરામાં ખેતી કરતો હતો. રમેશ ગુપ્તા ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. બાદમાં તેઓ રોજગારી માટે અમદાવાદ આવ્યા. રમેશભાઇએ રતનપોળના નાકે ચેતન ભેળપુરી નામથી લારી શરૂ કરી. અહી તેમની લારીનો નાસ્તો લોકોમાં પોપ્યુલર થવા લાગ્યો, તેથી તેમની ઈચ્છા પોળમાંથી શહેર તરફ ધંધો વિકસાવવાનોહ તો. તેથી 1972 ના વર્ષમાં લો ગાર્ડન પાસે લારી શરૂ કરી. જ્યાં ભેળની સાથે પાંવભાજી વેચવાનું શરૂ ક્યું. લોકોની સલાહ બાદ લારીનુંનામ ચેતનમાંથી બદલીને ઓનેસ્ટ રાખ્યું. આ લારી માટે રમેશભાઈનો આખો પરિવાર મહેનત કરતો. પત્ની અને ત્રણ પુત્રો આખો દિવસ કામ કરતા. ધીરે ધીરે તેમની પાંવભાજીનો ચટાકો અમદાવાદીઓની જીભે લાગ્યો.
જે પિતાએ ન કર્યું, તે પુત્રએ કરી બતાવ્યું
રમેશ ગુપ્તાના એક દીકરાનું નામ વિજય. 1981માં વિજય પિતાના વ્યવસાયમાં જોડાયા. વિજયે બંને ભાઇઓ સાથે મળીને પિતાના વ્યવસાયને આગળ લઈ જવાનો વિચાર કર્યો. 1989 માં તેઓએ સૌથી પહેલી દુકાન ખરીદી, જેમાં ઓનેસ્ટ દુકાનની શરૂઆત કરી. આ દુકાન જોતજોતામાં પોપ્યુલર બની. 1994 થી ત્રણેય ભાઈઓ ધંધાને વિકસાવવામાં લાગી ગયા. વર્ષ 2000 માં ઓનેસ્ટના પાંચ આઉટલેટ અમદાવાદમાં ખૂલી ગયા હતા.
બાદમાં તેઓએ ઓનેસ્ટને અમદાવાદની બહાર લઈ જવાનું નક્કી કર્યું. સૌથી પહેલા મહેસાણામાં આઉટલેટનો પ્રારંભ કરાયો. તેના બાદ ધીરે ધીરે અન્ય શહેરોમાં ઓનેસ્ટની પોપ્યુલારિટી વધી. આજે ઓનેસ્ટ એક સફળ બ્રાન્ડ બની ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે