ગરીબડી ગાય જેવા છે ગુજરાતના ખેડૂતો, 9 રાજ્યોના ખેડૂતો કરતા પણ ઓછી આવક મળે છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સમૃદ્ધ ખેડૂત અને ખેતીના ભલે ગમે તેટલા સરકારી દાવા થતા હોય, પણ આંકડા સાબિત કરે છે કે, ગુજરાતના ખેડૂતો ગરીબની ગાય જેવા છે. ગુજરાતના ખેડૂતો જેટલી આવક મેળવે છે, તેના કરતા વધુ આવક ભારતના 9 રાજ્યનો ખેડૂતો મેળવે છે. આંકડો બતાવે છે કે, 9 રાજ્યનો ખેડૂત ગુજરાતના ખેડૂતો કરતા આવકના મામલે વધુ સુખી છે.
દેશમાં ખેડૂતોની માસિક આવકમાં ગુજરાતના ખેડૂતો 10મા ક્રમે છે. જ્યારે મેઘાલય સમગ્ર ભારતમાં મોખરે છે. ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 12 હજાર 631 રૂપિયા છે. જેમાંથી ખેતી અને પશુપાલન માટે તેમને દર મહિને અંદાજિત 4 હજાર 611 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે મેઘાલયમાં ખેડૂતોની સૌથી વધારે માસિક આવક 29 હજાર 348 રૂપિયા છે, જેની સામે માસિક ખર્ચ 2 હજાર 674 રૂપિયા જ છે.
આ પણ વાંચો : ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં, હવે કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય
- બીજા ક્રમે પંજાબમાં ખેડૂતોની માસિક આવક 26 હજાર 701 રૂપિયા છે, જેની સામે ખર્ચ 14 હજાર 395 રૂપિયા છે.
- ત્રીજા ક્રમે હરિયાણામાં પણ ખેડૂતોની માસિક આવક 22 હજાર 841 રૂપિયા છે અને ખર્ચ 15 હજાર 641 રૂપિયા છે.
ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં 10મો નંબર છે. લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના 2019ના સર્વે પ્રમાણે માહિતી આપી હતી. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. 10 હજાર 218 રૂપિયા છે. જ્યારે કે, ખર્ચ 4 હજાર 226 રૂપિયા છે. લોકસભામાં ખેડૂતોની આત્મહત્યા અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી માહિતી મળી. સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું કે, વર્ષ 2018 માં સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાની રણનીતિ સામેલ કરાઈ હતી.
ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ
દેશમાં સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં 3 વર્ષમાં 7 હજાર 486 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે ગુજરાતમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ભારતમાં 3 વર્ષમાં કુલ 17 હજાર 299 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે