સંવેદનશીલ સરકારનો મોટો નિર્ણય : CNG બસ સર્વિસમાં નગરપાલિકાઓને આપી મોટી ભેટ
Big Decision : રાજ્યની મહાનગરપાલિકાઓ તથા ‘અ’વર્ગની નગરપાલિકાઓમાં શહેરી પરિવહન સેવામાં ઉપયોગમાં લેવાતી CNG અને ઇલેક્ટ્રીક બસના સંચાલન માટે અપાતા અનુદાનમાં વધારો કરવાનો મુખ્યમંત્રીનો અભિગમ... મ.ન.પા.માં CNG બસ સેવાના અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે રૂ. ૧૮ મળશે... નગરપાલિકાઓને અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે રૂ. ૨૨ મળશે... ઇ-બસના સંચાલન અનુદાનમાં પણ વૃદ્ધિ.
Trending Photos
Gujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહવાન કરેલું છે. ગુજરાતે વડાપ્રધાનના આહવાનને ઝિલી લઈને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ૩ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની ૧૦ નગરપાલિકાઓના ૧૦૬૮ CNG અને ૩૮૨ ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે.
આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.
આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. ૧૨.૫૦ નાં સ્થાને હવે રૂ. ૧૮ આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ ૫૦ ટકા મળતા હતા તેમાં ૧૦ ટકાનો વધારો કરીને હવે ૬૦ ટકા આપવામાં આવશે.
આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. ૨૨ અનુદાન પેટે અપાશે. તેમજ VGF ઘટ ના વધુમાં વધુ ૫૦ ટકા મળતા હતા તે વધારીને ૭૫ ટકા પ્રમાણે અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે, ત્યાં કિલોમીટર દીઠ રૂ. ૨૫ નાં સ્થાને હવે રૂ. ૩૦ અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટ ની જે રકમ અગાઉ ૫૦ ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ ૬૦ ટકા મળશે.
રાજ્યમાં ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂ. ૪૦ અને ઘટ ની રકમના વધુમાં વધુ ૭૫ ટકા અનુદાન આપવાનો જનહિતકારી નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ ૨,૮૬૪ બસની કરેલી જોગવાઈઓ સામે ૬૬૨ ઇ-બસ અને ૧૦૯૭ CNG એમ કુલ ૧૭૫૯ બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી ૩૮૨ ઇ-બસ અને ૧૦૬૮ CNG બસ હાલ કાર્યરત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે