Money Lender : વ્યાજખોરો સામે સરકારે સપાટો બોલાવ્યો, 14 દિવસના અંતે 500 FIR, 643 સામે ગુનો અને 468 ની ધરપકડ
Money Lender : દેવા તળે દબાયેલા લોકો હવે આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યાં છે, એક તરફ ગુજરાત જ્યાં સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે ત્યાં વ્યાજખોરોનો આતંક પણ વધી રહ્યો છે.. 5 વર્ષમાં કેસોમાં 90 ટકાનો વધારો થયો છે
Trending Photos
Money Lender Gujarat News : વ્યાજખોરો સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે, તેની સામે જોઈએ તો વ્યાજખોરીનું વૃક્ષ હવે વટવૃક્ષ બની ગયું છે. જેને સહેલાઈથી કાબૂમાં લેવું સરકાર માટે પણ આસાન નથી. ગુજરાત સરકાર દ્વારા આગામી ૧૦૦ દિવસમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. પરંતુ હકીકત એ છે કે, ત્યા સુધી કેટલાય લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. ત્યારે સરકાર છેલ્લા 15 દિવસથી વ્યાજખોરો સામે મુહિમ ચલાવી રહી છે. આખરે આ મુહિમ રંગ લાવી છે. સરકારે વ્યાજખોરો સામે ચલાવેલા મેગા ડ્રાઈવમાં 14 દિવસના અંતે 500 FIR, 643 સામે ગુનો અને 468 ની ધરપકડ કરાઈ છે.
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને રૂપિયા આપતા વ્યાજખોરો હવે જીવલેણ બની રહ્યાં છે. વ્યાજખોરીના ખપ્પરમાં અનેક લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર હવે આ મુદ્દે આક્રમક બની છે. ગુજરાતના અનેક મોટા શહેરોમાં લોકદરબારો યોજીને લોકોની ફરિયાદ લેવામાં આવી રહ્યાં છે. બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરમાં લોકદરબાર યોજાયો
જામનગરમાં વ્યાજખોરો વિરુદ્ધ રેન્જ IG નો લોક દરબાર ગઈકાલે યોજાયો હતો. રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને જામનગરના દરબારગઢ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ ભવ્ય લોક દરબાર યોજાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા. વ્યાજખોરો વિરુદ્ધ કોઈપણ જાતના ભય વિના લોકો સામે આવે તેવી પોલીસે અપીલ કરી હતી.
આ પણ વાંચો :
રાજ્યમાં બેફામ બનેલા વ્યાજખોરોની હવે ખેર નથી. સરકારે આવા તત્વો સામે કાર્યવાહી માટે કમર કસી છે. પોલીસ એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સામે ચાલીને ફરિયાદીઓ પાસે જશે. વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારે લોકોને અપીલ પણ કરી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. આ અસામાજિક તત્વોના આતંકથી કંટાળીને ઘણા લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે. જો કે હવે મોડે મોડેથી પણ તંત્ર જાગ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કાર્યવાહી માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સરકારે પોતાના પ્રથમ 100 દિવસના એેજન્ડામાં પણ સામેલ કરી છે.
દેવું-વ્યાજના ખપ્પરમાં આત્મહત્યા કરનારાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેવાના બોજને કારણે 512 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જેના પગલે સરકાર હવે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. વ્યાજખોરો વ્યાજનું વ્યાજ લઈને મૂળ મૂડી કરતાં અનેકઘણી રકમ પડાવી લેતા હોય છે આમ છતાં એમની મૂળ રકમ તો ઉભી જ હોય છે. આમ વ્યાજે લેનાર વ્યાજ ભરીને થાકી જાય પણ એ રૂપિયા ઘટતા નથી. આમ આખરે આત્મહત્યા કરી લે છે. આ પ્રકારના કેસો વધતા સરકાર એક્ટિવ થઈ છે.
આ પણ વાંચો :
ગુજરાતમાં દેવાના બોજને લીધે આત્મહત્યા
વર્ષ પુરુષ મહિલા
૨૦૧૭ ૭૪ ૦૮
૨૦૧૮ ૬૫ ૦૨
૨૦૧૯ ૭૮ ૦૩
૨૦૨૦ ૧૧૭ ૦૭
૨૦૨૧ ૧૪૭ ૧૧
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ૭૪ પુરુષ-૮ મહિલા એમ ૮૨ વ્યક્તિએ દેવાના બોજને લીધે આત્મહત્યા કરી હતી. દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ ૨૦૨૧માં વધીને ૧૫૮ થઇ ગયું છે. આમ, પાંચ વર્ષમાં દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાના પ્રમાણમાં ૯૦ ટકાથી વધુનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં દેવાના બોજને લીધે સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોય તેમાં મહારાષ્ટ્ર (૧૫૩૫) સાથે મોખરે, તેલંગાણા (૧૩૮૫) સાથે બીજા, કર્ણાટક (૧૨૭૭) સાથે ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.
ખાલી ગુજરાતના શહેરોની વાત કરીએ તો મોટા શહેરોમાં આ ચૂંગાલ જબરદસ્ત પથરાયેલી છે. વર્ષ ૨૦૨૧માં મોટા શહેરમાં દેવાના બોજ-નાદારીને લીધે વડોદરામાંથી સૌથી વધુ ૭, અમદાવાદમાંથી ૩ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જ્યારે રાજકોટ-સુરતમાં દેવાને લીધે એકપણ વ્યક્તિએ આત્મહત્યા નહીં કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૧માં દેવાને લીધે કુલ ૬૩૬૧ વ્યક્તિએ આત્મહત્યા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે