ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ, સ્વનિર્ભર સ્કૂલોને મંજૂરી મળતા શિક્ષણ મોઘું થવાની ભીતિ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :આગામી બે વર્ષ માટે રાજ્યમાં નવી સ્વનિર્ભર સ્કૂલને મંજૂરી ના આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા નવી સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા અરજી મંગાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરાઈ છે કે, જો કે બે વર્ષ માટે નવી સ્વનિર્ભર શાળાઓને મંજૂરી આપવામાં ના આવે તો ગ્રાન્ટેડ શાળાઓને જીવનદાન મળશે. રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓ સતત વધતી હોવાથી ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક સરકારી નીતિઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓ સતત બંધ થઈ રહી છે.
રાજ્યમાં 1994 બાદથી સરકારે સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી, ત્યાર બાદથી ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે ધીમે ધીમે બંધ કરી દેતા, નવી ગ્રાન્ટેડ શાળાને આજના સમયમાં મંજૂરી મળતી નથી. રમણ વોરા રાજ્યના શિક્ષણમંત્રી હતા એ સમયે ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણમંત્રી ત્યારે પણ અને હવે ફરી સરકારને બે વર્ષ માટે નવી સ્વનિર્ભર શાળાઓને મંજૂરી ના આપવા માટે વિનંતી કરી રહ્યા છીએ. તેથી શાળા સંચાલક મંડળ દ્વારા જણાવાયુ કે, સામાન્ય અને ગરીબ વાલીઓ સરળતાથી પોતાના બાળકોને અભ્યાસ કરાવી શકે એ માટે સરકારને વિનંતી કરીએ છીએ કે ગ્રાન્ટેડ શાળાઓને બચાવવા નવી સ્વનિર્ભર શાળાઓની મંજુરી આગામી બે વર્ષ માટે ના આપવામાં આવે. જે સ્વનિર્ભર શાળાઓ છે એને વર્ગ વધારો આપવાની જરૂરિયાત હોય તો યોગ્ય કાર્યવાહી કરી વર્ગ વધારો આપવામાં આવે. એમાં વાંધો ના હોઈ શકે.
આ પણ વાંચો : ધર્મ પરિવર્તનનો ધંધો, આવુ જ ચાલશે તો આખુ ગુજરાત વટલાઈ જશે, કચ્છના પશુપાલકને ધર્મ બદલવા લાલચ અપાઈ
રાજ્યમાં સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ ખતરામાં છે. શિક્ષણ વિભાગની કેટલીક નીતિઓને કારણે ચાલુ વર્ષે વધુ 80 ગ્રાન્ટેડ શાળામાં સંચાલકોએ શાળા બંધ કરવા અરજી કરી હતી. છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ રાજ્યભરમાંથી બંધ થઈ ચૂકી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો શાળા બંધ કરવા મજબૂર બન્યા છે. વર્ષ 2010 માં રાજ્યભરમાં અંદાજે 4500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી, જે ઘટીને 3,000 જેટલી બચી છે.
આગામી સયમમાં શિક્ષણ મોંઘુ થશે
રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ જે ગતિએ બંધ થઈ રહી છે એ જોતા ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થશે. ખાનગી શાળા સંચાલકોને છૂટો દોર મળે તેવી સ્થિતિ પેદા થશે. સસ્તું અને ઉત્તમ શિક્ષણ મેળવવાના ગરીબ - મધ્યમ પરિવારનું સપનું રોળાશે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેક રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગ કોઈ હકારાત્મક પગલાં નથી લઈ રહ્યું. ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 10 નું પરિણામ નીચું આવી રહ્યું છે, વર્ષ 2009 બાદ 55 ટકાની આસપાસ ધોરણ 10 નું પરિણામ આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં ગ્રાન્ટેડ સ્કૂલની ગ્રાન્ટ કપાઈ રહી છે.
ગ્રાન્ટ વગર શાળાનો વિકાસ
આજે શિક્ષક કે આચાર્યની ભરતી સરકાર પોતે કરે છે, ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકો કરી શકતા નથી, એવામાં શિક્ષકને હવે સીધો કોઈ ડર રહ્યો નથી, કે તેઓ શું કરી રહ્યા છે એનું મોનીટરીંગ રહ્યું નથી. ગ્રાન્ટની નીતિમાં સુધાર, શિક્ષક પસંદગીની નીતિમાં બદલાવ, ધોરણ 5 અને 8 માં પરીક્ષા લેવામાં આવે ત્યારે નબળા બાળકોને જે તે વર્ગ રીપિટ કરવા જરૂરી બન્યું છે, જેના કારણે શિક્ષણનું સ્તર સુધારી શકાશે અને ગ્રાન્ટેડ શાળાઓના પરિણામ સુધરશે.
સમય સાથે શાળાના ખર્ચા વધ્યા
સરકાર દ્વારા ધોરણ 9 ના એક વર્ગ માટે 2500 રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જે વર્ષે 30,000 રૂપિયા જેટલી થાય છે, આટલી રકમમાં વર્ગ ચલાવવા આજના સમયમાં શક્ય નથી. આ 30,000 રૂપિયાની ગ્રાન્ટ સામે શાળાના એક વર્ગ પાછળ સંચાલકોએ અંદાજે 2 લાખ જેટલી વાર્ષિક રકમ ખર્ચ પેટે ભોગવવી પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ 10,000 રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે 20,000 રૂપિયા પાછળ જ ખર્ચાઈ જાય છે. આ સિવાય સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મિટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે 75 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે.
દરેક ગ્રાન્ટેડ શાળા માટે સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને AMC વેરો તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા 30,000 રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ ના પોસાતા 1500 ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ શાળાને તાળા મારવા પડ્યા છે. સરકારની નીતિથી પરેશાન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ભવિષ્યમાં વધુ શાળાઓ બંધ કરે તેવી પરિસ્થિતિ ઉદભવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની ગ્રાન્ટેડ સ્કૂલ એચ.બી. કાપડિયાના સંચાલકે શાળા બંધ કરવા અરજી કરી હતી, જેની પાછળ સ્કૂલ ખર્ચ સામે મળતી અપૂરતી ગ્રાન્ટ એક મહત્વપૂર્ણ પરિબળ હોવાની વાત સામે આવી હતી, જો કે પાછળથી સંચાલકે સ્કૂલ બંધ કરવાની અરજી પરત લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે