બીડીના શોખીન ગુજરાતના નેતાજી... બીડીની દુકાનનું ઉદઘાટન કરીને આખું બંડલ ભેટમાં લઈ આવ્યા હતા

Gujarat History : કોંગ્રેસના આગેવાન ઠાકોરભાઈ દેસાઈ ચા અને બીડીના જબરા શોખીન હતા. બીડી સાથે જોડાયેલા કિસ્સા જાણીને હસવુ આવી જાય...

બીડીના શોખીન ગુજરાતના નેતાજી... બીડીની દુકાનનું ઉદઘાટન કરીને આખું બંડલ ભેટમાં લઈ આવ્યા હતા

ચિંતન ભોગાયતા/અમદાવાદ :તમે અત્યાર સુધી નેતાઓને મોટા કાર્યક્રમોમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા જોયા હશે. કે પછી ક્યાંક ઉદ્ધાટન કાર્યક્રમોમાં રિબિન કાપતા જોયા હશે. પણ શું તમે કોઈ નેતાને બીડીની દુકાનનું ઉદ્ધાટન કરતા જોયા ખરા. આજે  વાત કરીશું ચા અને બીડીના શોખીન ગુજરાતના એ નેતાજીની જેમણે બીડીનુ દુકાનનુ ઉદઘાટન કર્યુ હતું. 

આ એ સમયની વાત છે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયના કોંગ્રેસના આગેવાન ઠાકોરભાઈ દેસાઈ ચા અને બીડીના શોખીન હતા. એકવાર ઠાકોરભાઈ કોઈના ઘરે ગયા હોય અને યજમાન ચા પીવાની ઓફર કરે તો ભાગ્યે જ એવું બને કે ઠાકોરભાઈ ના કહે. રાત્રે લાંબો પ્રવાસ કરીને ઘરે આવે તો પણ એક કપ ચા પીને ઘસઘસાટ ઉંઘી જતા. પણ ઠાકોરભાઈ બીડીના જબરા શોખીન. ઘરમાં કકળાટ થતો પણ તેઓ બીડી છોડી ન શક્યા.

ઘરમાં  બીડી પર નિયંત્રણ આવતા ક્યારેક બાથરૂમમાં જઈને બીડી પી લેતા. પછી શું કરે કે કાળજીથી બાથરૂમ ધોઈ નાખે અને બાથરૂમમાંથી જ્યાં સુધી વાસ ન જાય ત્યાં સુધી બહાર ન આવે. ક્યાંક બહાર ગયા હોય અને તેમની બીડીઓ ખલાસ થઈ ગઈ હોય તો કાર્યકરો પાસેથી બીડી માંગીને પીતા.

એક વાર એવું  થયું કે નવસારીમાં બીડી વાળનાર કેટલાક મુસલમાન કારીગરોએ પોતે વાળેલી બીડી જાતે જ વેચવી એવું નક્કી કર્યું. તે માટે એક દુકાન કરવાનું નક્કી કર્યું. પણ બીડીની દુકાનનું ઉદ્ધાટન કોની પાસે કરાવવું એ મૂંઝવણ હતી. કારીગરોએ નક્કી કર્યું કે બીડીની દુકાનના ઉદ્ઘાટન માટે બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જ હોવી જોઈએ. બધાની નજર ગઈ ઠાકોરભાઈ દેસાઈ પર. કારીગરો ઠાકોરભાઈ પાસે ગયા અને બીડીની દુકાનનું ઉદ્ધાટન કરવા આવવા માટે વિનંતી કરી. પછી તો શું હોય ઠાકોરભાઈએ તરત જ હા કહી દીધી. ઠાકોરભાઈ દેસાઈ બીડીની દુકાનનું ઉદ્ધાટન કરી ઘરે પાછા આવ્યા ત્યારે તેમની પાસે પચાસેક બીડીની જૂડી હતી.

ઠાકોરભાઈના ચા અને બીડી પ્રત્યેના આ પ્રેમની વાત ‘ગુજરાતની અસ્મિતા’ નામના પુસ્તકમાં ઉલ્લેખાયો છે. ઠાકોરભાઈ દેસાઈ જેવું તળપદું અને સ્વચ્છ વ્યક્તિત્વ આજે જાહેર જીવનમાં શોધ્યું પણ જડે તેમ નથી. 

જાણવા જેવું
ઠાકોરભાઈ દેસાઈ મૂળ નવસારી પાસેના ખરસાડ ગામના વતની હતા. ગૂજરાત સરકારમાં તેઓ મંત્રી હતા. ઠાકોરભાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહી ચૂક્યા છે. ઠાકોરભાઈ દેસાઈ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાના હિમાયતી હતા. તેઓ કાકા કાલેલકરના પ્રિય શિષ્ય હતા. તેમણે ઘણાં અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news