કોરોના ટેસ્ટ રેટ ગુજરાતમાં સૌથી વધારે, સરકાર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સક્ષમ

કોરોના ટેસ્ટ રેટ ગુજરાતમાં સૌથી વધારે, સરકાર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સક્ષમ

• સમગ્ર દેશમાં પર મિલીયન એટલે કે પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ કોરોના ટેસ્ટનો દર ગુજરાતનો સૌથી વધુ છે
• રાજ્યમાં પબ્લિક હેલ્થ, સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિતના સ્વાસ્થ્ય કેન્દ્રો સંપૂર્ણપણે કાર્યરત
• કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આવશ્યક એવી અત્યાધુનિક અને મોંઘી દવાઓ-ઇન્જેક્શન વિનામૂલ્યે દર્દીની સારવારમાં ઉપયોગ કરાશે
•ઘાતક વાયરસનું સંક્રમણ અટકાવવું અને મહત્તમ દર્દીઓના જીવ બચાવવા એ આપણું લક્ષ્ય છે

ગાંધીનગર: કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી. સિવિલ હોસ્પિટલ ખાતેની મીટીંગમાં સિવિલના તબીબો પાસેથી કોવિડ-19 દર્દીઓની સારવારની સઘળી વિગત મેળવી હતી.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની બિલ્ડિંગમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં કોઈ એક જ જગ્યાએ સૌથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થતી હોય તો એ આ ઈમારત છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ અહીં દાખલ થઇ રહ્યા છે. સરેરાશ ૯૦૦ જેટલા કોવિડ-19 દર્દીની સારવાર 24 કલાક ચાલુ હોય છે. આઈ.સી.યુ.માં પણ સરેરાશ ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ રહેતા હોય છે. જરૂરિયાત મુજબ યુ.એન. મહેતા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે. ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત તબીબો પણ સરકારને સહયોગ આપી રહ્યા છે.

નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું કે, અધિક સચિવ  પંકજકુમાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલની કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  કે. કૈલાસનાથન આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના વાયરસને નાથવાના કાર્યમાં પ્રયાસરત છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રતયા દેખરેખની જવાબદારી ડો. પ્રભાકરને સોંપાઈ છે. આ સાથે ડો. મોદી, ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. ગજ્જર અને ડો. શૈલેષ સહિતના નિષ્ણાંત તબીબોની કમિટી પણ સતત આ અંગે કામગીરી કરી રહી છે. મંત્રીએ કહ્યું કે, આવા સમયે ડૉક્ટર અને નર્સની જરૂરિયાત વધુ હોવાથી ખાનગી હોસ્પિટલના ડોક્ટરની સેવા પણ લેવામાં આવી રહી છે. માનદ વેતન સાથે સેવા આપવા ઇચ્છુક ખાનગી હોસ્પિટલના તબીબો ટૂંક સમયમાં ' ડોક્ટર્સ ઓન- કોલ'ની રાહે અહીં સેવા આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news