નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ અહીંથી હારશે, ગુજરાતના આ નેતાને ઘમંડ આવ્યો

Loksabha Election 2024: ખરેખર ગુજરાતના એક નેતાને ઘમંડ આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસે એમને મહત્વ આપતાં આદીવાસી નેતા પોતાને સુપરમેન સમજવા લાગ્યા છે. આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ નિવેદન કર્યું  છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે. આ નિવેદન એ તુમાખીભર્યું છે. 

નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ અહીંથી હારશે, ગુજરાતના આ નેતાને ઘમંડ આવ્યો

Gujarat Loksabha Election 2024: મોદી અને રાહુલ ગાંધી એ ભાજપ અને કોંગ્રેસના કદાવર નેતાઓ છે. ચૈતર વસાવા આદીવાસી સમાજમાં લોકપ્રિય હશે પણ મોદી અને રાહુલ ગાંધીને હરાવવાના હવે સપનાં જોવા લાગ્યા છે. મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પર PM મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા બનશે. ચૈતર વસાવાના નિવેદન બાદ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે.

ગઠબંધનમાં બાળક જન્મે તે પહેલાં નામકરણ 
ચૈતર વસાવાના નિવેદનની સામે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે. મનસુખ વસાવા એ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વારાણસી થી ચૂંટણી લડી બતાવે. સાંસદે કહ્યું કે ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે એ નવો નિશાળીયો છે, ચૈતર વસાવાને દુઃખે છે પેટ અને કૂટે છે માથું, કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ગઠબંધનમાં બાળક જન્મે તે પહેલાં નામકરણ કર્યું તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી એમણે જે કરવું હોય તે કરે અમેં તો અમારું ઘર સાંભળવા માટે ની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારો ડિપોઝીટ પણ ગુમાવશે. 

ચૈતર વસાવાની બેફામ વાણી
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી. એ બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે અને હાલ ચૈતર વસાવા એ લોકસંપર્કમાં બેફામ બોલી રહ્યા છે આજે ચૈતર વસાવા એ નિવેદન કર્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે.

કોણ છે ચૈતર વસાવા?
ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. આ ચૂંટણીમાં ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે. હવે આપે એમને ભરૂચ સીટ પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. દેશમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું નથી ત્યાં સુધી અહેમદ પટેલની દીકરી પણ ભરૂચ લોકસભાની સીટ પર કોંગ્રેસમાંથી દાવેદારી કરી રહી છે. અહીં ગઠબંધન ન થયું તો ત્રિપાંખિયો જંગ ખેલાશે એ નક્કી છે. આ સીટ છેલ્લા દોઢ દાયકાથી ભાજપ પાસે છે. 

કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક હાલમાં ભાજપનો ગઢ
ચૈતર વસાવા ભરૂચમાંથી ચૂંટણી લડવા માંગે છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news