ગુજરાતના આ ગામોના પેટાળમાંથી મળ્યો કથ્થઈ સોનાનો ભંડાર! દોડતી થઈ સરકારી ગાડીઓ, દેશને આત્મનિર્ભર બનાવશે આ તાલુકો

ભારતને રશિયા સહિતના દેશો પાસેથી 33 કરોડ ડોલરના કોલસાની ખરીદી કરવી પડે છે. ત્યારે હવે કોલસા અંગે વાલિયા તાલુકો ભારતને આત્મનિર્ભર બનાવશે તેમાં કોઈ બેમત નથી.

ગુજરાતના આ ગામોના પેટાળમાંથી મળ્યો કથ્થઈ સોનાનો ભંડાર! દોડતી થઈ સરકારી ગાડીઓ, દેશને આત્મનિર્ભર બનાવશે આ તાલુકો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલો વાલિયા તાલુકો અચાનક ચર્ચામાં આવી ગયો છે. કારણકે, આના ગામોના જમીનના પેટાળમાંથી મળી આવ્યો છે કથ્થઈ સોનાનો ભંડાર! ત્યારે હવે દેશમાં કોલસાની અછતથી વીજ કટોકટી ઉદભવવાની સંભાવના વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલાં 18 ગામોની. જ્યાં અંદાજે 50 વર્ષ સુધી ચાલે તેટલી મોટી માત્રામાં કથ્થઈ સોના તરીકે ઓળખાતો લિગ્નાઈટ કોલસાનો ભંડાર મળી આવ્યો છે. આ સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભૌગોલિક સર્વેના આધારે સરકાર દર વર્ષે ખાણમાંથી 30 લાખ ટન કોલસો કાઢવાની પરવાનગી આપી શકે તેમ છે. જો આ સુચિત ખાણમાંથી 30 લાખ ટન કોલસો કાઢવામાં આવે તો 50 વર્ષ સુધી ચાલે તેટલો કોલસો મળી રહેશે. જે અંતર્ગત આગામી દિવસોમાં અહીંની જમીનોના સંપાદનની કામગીરી હાથ ધરાઈ શકે છે. હાલ ભારત અન્ય દેશોમાંથી કોલસાની આયાત કરી રહયું છે ત્યારે આગામી દિવસોમાં વાલિયા તાલુકો ભારતને લિગ્નાઇટ કોલસાની બાબતે આત્મનિર્ભર બનાવી શકે છે.

હાલમાં ભારત દેશ રશિયા સહિત અન્ય દેશો પાસેથી કોલસાની આયાત કરે છે. જેની પાછળ ભારત અંદાજે 33 કરોડ ડોલર જેટલી માતબર રકમનો ખર્ચ કરે છે.  હવે આ સ્થળે કોલસાની ખાણ બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં ભારતને વિશ્વના અન્ય દેશોમાંથી કોલસાની આયાત કરવી પડે છે ત્યારે વાલિયા તાલુકો દેશને લિગ્નાઇટ કોલસાના મામલે આત્મનિર્ભર બનાવશે તેમાં કોઇ બેમત નથી. જ્યારે અહીંની જમીનોના બદલામાં સ્થાનિક ખેડૂતો યોગ્ય વળતરની અપેક્ષા રાખી રહ્યાં છે. ખેડૂતો જમીન સંપાદન માટે તૈયાર છે. એમનું કહેવું છેકે, અમે કોલસાની માઈનીંગ માટે જમીન સંપાદન કરવા તૈયાર છીએ પણ અમારી જમીનોના બદલામાં અમને યોગ્ય વળતર મળવું જોઈએ.

વાલિયા વિસ્તારમાં લિગ્નાઈટની એક માઇનિંગ છેલ્લા પાંચ-છ વર્ષથી વાલિયા તાલુકાના ભાગા, કોસમાડી અને રાજગઢ જ્યારે માંગરોલ તાલુકાના હરસણી અને મોરઆંબલી વિસ્તારમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર પ્રોજેક્ટ માટે કાર્યરત છે. જેનાથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર પ્રોજેકટને કોલસો પહોંચાડવાની કામગીરી કાર્યાન્વિત થઈ રહી છે. વાલિયાના સોડગામ, ઉમરગામ, વિઠ્ઠલગામ, રાજગઢ, સીનાડા, તૃણા, ડહેલી, લુણા, ભરાડીયા, ભમાડીયા, જબુગામ ચોરાઆમલા, ઈટકલા, કેસરગામ, સિંગલા, ચંદરિયા અને વાંદરીયા જેવા ગામોની 3017 હેક્ટર જેટલી જમીન પાંચ વર્ષ પહેલા રિઝર્વ કરવામાં આવેલી છે. તેના ભાગરૂપે ઉમરગામમાં પ્રોજેક્ટના હેતુઓ માટે જીએમડીસીની કચેરી છેલ્લા બે માસથી કાર્યરત છે.

વાલીયા તાલુકાના ભાગા,કોસમાડી અને રાજગઢ જ્યારે માંગરોલ તાલુકાના હરસણી અને મોરઆંબલી વિસ્તારમાં આવેલી જીઆઈપીસીએલની ખાણમાંથી વર્ષે 10 લાખ મેટ્રીક ટન કોલસો કાઢવામાં આવી રહયો છે. જે 10 વર્ષ ચાલે એટલો છે જ્યારે ડુંગરી વસ્તાન ખાતેની માઈનમાંથી માંડ બે લાખ મેટ્રીક ટન કોલસો નીકળે છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની લિગ્નાઇટ કોલસાની જરૂરીયાત ઝઘડીયાના રાજપારડી ખાતે આવેલી ખાણમાંથી પુરી કરાઇ રહી છે. આ ખાણમાંથી વાર્ષિક આશરે 3.5 લાખ ટન જેટલો કોલસો કાઢવામાં આવે છે. આ કોલસો જમીનમાં 60 મીટરની ઉંડાઇએથી ખોદીને કાઢવામાં આવી રહયો છે.

ક્યાં છે એશિયાનો સૌથી મોટો કોલસાનો ભંડાર?
વાલીયાના 18 ગામોની પેટાળમાં એશિયાનો સૌથી મોટો કોલસાનો ભંડાર ધરબાયેલો છે. અમે અમારી જમીનો જીએમડીસીને આપવા માટે તૈયાર છે. અમારા તાલુકાની 3 હજાર હેકટર કરતાં વધારે જમીનની નીચે કોલસો હોવાનું અમને જણાવવામાં આવ્યું છે.

હાલ ભારત રશિયા પાસેથી કરે છે કોલસાની ખરીદીઃ
દેશમાં હાલ કોલસાની અછત ચાલી રહી હોવાથી રશિયા સહિતના દેશો પાસેથી કોલસો મેળવવામાં આવી રહયો છે. આશરે 33 કરોડ ડોલર રૂપિયાનો ખર્ચ વિદેશોમાંથી કોલસો ખરીદવા માટે ખર્ચ થઇ રહયો છે. વાલિયા તાલુકામાં માઇનિંગ શરૂઆત કરે તો અખૂટ કોલસાનો ભંડાર સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news