ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ, આજે 136 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ, એલર્ટ પર નર્મદા જિલ્લો

Gujarat Rain Update : લાંબા વિરામ બાદ મેઘરાજાએ વરસાવી મહેર... આજે રાજ્યના 136 તાલુકામાં વરસ્યો વરસાદ.. પંચમહાલના શહેરામાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો... 
 

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ, આજે 136 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ, એલર્ટ પર નર્મદા જિલ્લો

Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો, આજે સવારથી 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 24 તાલુકામાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. 25 તાલુકામાં અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો છે. તો 68 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો...  

  • પંચમહાલના શહેરામાં 6 ઈંચ વરસાદ..
  • મહિસાગરના વીરપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ...
  • પંચમહાલના ગોધરામાં 4 ઈંચ જેટલો વરસાદ..
  • દાહોદના લીમખેડા અને સાબરકાંઠાના તલોદમાં અઢી ઈંચ જેટલો વરસાદ...
  • પંચમહાલના મોરવા હડફમાં 2 ઈંચથી વધુ વરસાદ...
  • અરવલ્લીના ભિલોડામાં 2 ઈંચ વરસાદ...

 નર્મદા જિલ્લામાથી ૧૬૩૭ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની  વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ  કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર  કરવામાં આવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં શાળામાં રજા જાહેર
સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. આ કારમે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એક દિવસ માટે શાળા કોલેજો માં શૈક્ષણીક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 17, 2023

 

પંચમહાલ પોલીસે 100 લોકોનું રેસ્ક્યૂ કરાયું
પંચમહાલ જિલ્લામાં સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન કરી 100 લોકોને બચાવાયા છે. ભારે વરસાદને પગલે ભારત માલા હાઇવે પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો ફસાયા હતા. મોરવા હડફના નાટાપુર પાસે 100 જેટલા શ્રમિકો ફસાયા હતા. તમામ શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર , પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યું કરીને તમામ શ્રમિકોને બચાવી લેવાયા છે. હાલ તમામ શ્રમિકોને નટાપુર ગામની પ્રાથમિક શાળામાં લઈ જવાયા છે. રેસક્યું સમયે સ્થાનિક ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. રેસ્ક્યુમાં પોલીસની ટીમે પણ જીવના જોખમે શ્રમિકોના જીવ બચાવ્યા. સાઈટ પરના પ્રોજેકટ મેનેજર સહિત શ્રમિકો ફસાયા હતા. ગોધરાના ચંચોપા ગામે પણ ભારત માલા પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલ દિલ્હી બોમ્બે રોડમાં ફસાયેલા 3 શ્રમિકોને જીવના જોખમે બહાર કઢાયા. પોલીસ દ્વારા અંદાજીત 70 ફૂટ ઉંડાઇથી દોરડા વડે સાહસ કરી શ્રમિકોને બહાર કઢાયા. 

 

આ તસવીરને તમે શું કેપ્શન આપશો? #GujaratPolice #rescue #monsoon2023 #flood #ZEE24kalak pic.twitter.com/G9kEvVlDj5

— Zee 24 Kalak (@Zee24Kalak) September 17, 2023

 

આખા બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા,વડગામ,અમીરગઢ,કાંકરેજ, ભાભર,ધાનેરા,વાવ,થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ,લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુર થી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.

 

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા આવીરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખોક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 85 હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે હાલ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી છે જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 દરવાજા 7 ફૂટ ખોલી 1,97,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે ના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે.

મહીસાગરમાં કડાણા ડેમમાંથી પાણી છોડાયું 
મહીસાગરના કડાણા ડેમની જળસપાટી રાતોરાત વધી છે. કડાણા ડેમની જળસપાટી 415 ફૂટ પર પહોંચી છે. કડાણા ડેમમાં 7 લાખ 50 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 3.30 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. કડાણા ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા ડેમની સપાટી વધી છે. કડાણા ડેમ છલકાતા 9 જિલ્લાના ખેડૂતોને મળી રાહત. મહીસાગર જિલ્લા પોલીસ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં આવી છે. જિલ્લા ના તાતરોલી, હાળોડ, તેમજ બીજા કેટલાય બ્રીજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. નદી તળાવ તેમજ પાણી ભરાયા હોય તે સ્થિતિમાં વાહન ન લઈ જવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. લાઈફ જેકેટ અને રેસ્ક્યુર ટીમ સાથે ભયજનક પુલ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારો અને નદી નાડા પાસે ન જવા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરાઈ રહી છે. તેમજ અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા જિલ્લા વાસીઓને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરાઈ.

તાપી નદીમાં પૂરનો ખતરો 
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારવામાં આવી છે. આ વિશે ઉકાઈ ડેમના કાર્યપાલક એન્જિનયિર પીજી વસાવાએ જણાવ્યું કે, હાલ ઉકાઈ ડેમમાં 4,60,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી ચે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી 2,28,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 8 ગેટ.8 ફૂટ અને 7 ગેટ 9 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી રૂલ લેવલ પાસે પહોંચી છે. હાલ ડેમની સપાટી 341.40 ફૂટ છે. તો ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ કારણે તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ કરી દેવાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news