ગુજરાતે વધુ એક રેકોર્ડ બનાવ્યો, મોતિયાના ઓપરેશનમાં દેશમાં પ્રથમ ક્રમે આવી ડંકો વગાડ્યો

cataract operation : 2022-23 માટે નિર્ધારિત લક્ષ્યાંક 1,26,300 ના 504% એટલે કે 6,36,428 મોતિયાના ઓપરેશન્સ ગુજરાતમાં થયા... 2023-24 માં ગુજરાત માટે 1,51,700 મોતિયાના ઓપરેશન્સનું લક્ષ્યાંક નિર્ધારિત થયં6 છે; અત્યારસુધીમાં રાજ્યમાં 1,23,975 મોતિયાના ઓપરેશન્સ થયા છે... માત્ર 8 મહિનાઓમાં નિર્ધારિત લક્ષ્યાંકના 81%થી વધુ મોતિયાના ઓપરેશન્સ ગુજરાતમાં થઈ ચૂક્યા છે

ગુજરાતે વધુ એક રેકોર્ડ બનાવ્યો, મોતિયાના ઓપરેશનમાં દેશમાં પ્રથમ ક્રમે આવી ડંકો વગાડ્યો

Gujarati News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ 2022-23 માટે મોતિયાના ઓપરેશન્સના 1,26,300ના નિર્ધારિત લક્ષ્યાંકના 504% એટલે કે 6,36,428 મોતિયાના ઓપરેશન્સ કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. એટલું જ નહીં, પરંતુ પ્રતિ 10 લાખની વસ્તીએ 10,000થી વધુ મોતિયાના ઓપરેશન્સનો દર હાંસલ કરીને ગુજરાત આ શ્રેણીમાં પણ અગ્રણી રાજ્ય રહ્યું છે. 

વર્ષ 2023-24ની વાત કરીએ તો, રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન હેઠળ ગુજરાતમાં મોતિયાના 1,51,700 ઓપરેશન્સનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની સામે ગુજરાતે માત્ર 8 મહિનાઓમાં જ 81%થી વધુ ઓપરેશન્સ એટલે કે 1,23,975 મોતિયાના ઓપરેશન્સ પૂર્ણ કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 3 વર્ષના લક્ષ્યાંક સાથે મે 2025 સુધીમાં દેશમાં અંધત્વનો દર 0.25% સુધી ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2022માં રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાનની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ 50 વર્ષથી વધુ વયના મોતિયાના કારણે અંધ અથવા તો ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે. 

‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ ઝુંબેશ હેઠળ ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે વર્ષ 2022માં રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાનની શરૂઆત કરી ત્યારે તેમના આ વિચારને સાકાર સ્વરૂપ આપવામાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ હોય તેવા ઉદ્દેશ્યથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વર્ષ 2022માં જ ‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ ઝુંબેશની શરૂઆત કરી. ગુજરાત સરકારનું આ રાજ્ય સ્તરીય અભિયાન રાજ્યના 50 વર્ષથી વધુ વયના એવા નાગરિકો જેમણે મોતિયાના કારણે પોતાની દ્રષ્ટિ ખોઈ દીધી છે અથવા તો જેઓ પોતાની દ્રષ્ટિ ખોઈ નાખવાના આરે હતા, તેમના માટે એક વરદાન સાબિત થયું છે. 

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ ઝુંબેશ હેઠળ એક ડેડિકેટેડ વેબસાઈટ cataractblindfree.gujarat.gov.in પણ શરૂ કરી છે. સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્યકર્મીઓ દ્વારા સંચાલિત આ વેબસાઇટમાં દર્દીઓનું પ્રાથમિક રજિસ્ટ્રેશન, રેફલર સેવા, ઓપરેશન સેવા અને ફોલોઅપ સેવા સંબંધિત સેવાઓની સંપૂર્ણ જાણકારી હોય છે. 

આ અભિયાન હેઠળ રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે અને નિર્ધારિત એક્શન પ્લાન મુજબ આ ઝુંબેશનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ હેઠળ અત્યારસુધીમાં રાજ્યમાં 8 લાખથી વધુ સફળ ઓપરેશન્સ કરવામાં આવ્યા છે. 

ચાર તબક્કાઓમાં ચાલી રહ્યું છે ‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત અભિયાન’
ગુજરાતના આ મહત્વપૂર્ણ અભિયાનને રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ ચાર મુખ્ય તબક્કાઓમાં સંપાદિત કરે છે. તેમાં પહેલો તબક્કો છે 30 વર્ષથી વધુ વયની વ્યક્તિઓની દ્રષ્ટિનું સર્વેક્ષણ, બીજો તબક્કો, દ્રષ્ટિખામી ધરાવતા દર્દીઓની નોંધણી, ત્રીજું, દર્દીઓનું ઓપરેશન અને ચોથો અને છેલ્લો તબક્કો ફોલોઅપનો છે. 

ગુજરાતમાં 30 વર્ષથી વધુ વયની વ્યક્તિઓની દ્રષ્ટિની તપાસ ફિલ્ડ સ્ટાફ મારફતે ‘ઇ-કાર્ડ’ દ્વારા કરવામાં આવે છે. આ માટે રાજ્યની લગભગ 50 હજાર ASHA વર્કર બહેનોને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. ઓપરેશન પછી હાઇડ્રોફોબિક ઇન્ટ્રાઓક્યુલર લેન્સ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.

મોતિયાની સર્જરીની જરૂરિયાતવાળા તમામ દર્દીઓને હાઇડ્રોફોબિક લેન્સ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. મોતિયા માટે હાઇડ્રોફોબિક લેન્સ સામાન્ય રીતે સૌથી સારો વિકલ્પ હોય છ. આ એક પ્રકારનો ઇન્ટ્રાઓક્યુલર લેન્સ છે જે પોસ્ટ ઓપરેટિવ જટિલતાઓના જોખમ, જેમકે પોસ્ટ કેપ્સ્યૂલ ઓપસીફિકેશનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની આ સિદ્ધિ ફક્ત આંકડાની દ્રષ્ટિએ જ મોટી સિદ્ધિ નથી પરંતુ માનવીય સંવેદનશીલતાની દ્રષ્ટિએ પણ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news