આગામી 5 દિવસ દીવ-દમણ કે દ્વારકા-સોમનાથના ફરવા જવાનો પ્લાન ન બનાવતા , નહિ તો ફસાશો
Gujarat Tourism : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને બે હાથ જોડીને વિનંતી કરી કે, તાત્કાલિક ક્યાંય ફરવા જવાનો પ્લાન ન બનાવો
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતીઓને મોસમ બદલાય એટલે ફરવા જવાનું મન થાય. તેમાં પણ વિકેન્ડમાં તો ગુજરાતીઓ ફરવાના ભારે શોખીન. આવામાં જો તમે આ અઠવાડિયે ગુજરાતમાં ક્યાંય ફરવા જવાના હોય તો ખાસ ટાળજો. તેમાં પણ તમે દીવ દમણના શોખીન હોય કે, દ્વારકા મંદિરના અને સોમનાથ મંદિરમાં દર્શન કરવા જવાના હોય તો ખાસ ટાળજો. કારણ કે, ગુજરાતનો દરિયા કાંઠો હાલ સંકટમાં છે. ગમે ત્યારે બિપોરજોય વાવાઝોડું ત્રાટકી શકે છે. ખાસ કરીને દ્વારકામાં વાવાઝોડાથી સૌથી મોટું સંકટ છે. તેથી તંત્ર દ્વારા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લોકોને હાલ દ્વારકાનો પ્રવાસ ટાળવા અપીલ કરાઈ છે.
હર્ષ સંઘવીએ કહ્યું, 4 દિવસ દ્વારકા ન આવતા
વાવાઝોડામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને હાલ દ્વારકા જિલ્લાનો હવાલો સોંપાયો છે. ત્યારે તેઓ ગઈકાલે જગત મંદિર દ્વારકામાં દર્શન માટે પહોંચ્યા હતા. આ વેળાએ તેઓએ કહ્યુ હતું કે, ગુજરાતના દેશભરના સૌ દ્વારાધીશના ભક્તો છે. 16 સુધી પ્રવાસ મુલતવી રાખો. 16 પછી તમે ફરી પ્રવાસ નક્કી કરી શકો છે. 16 બાદ જે રીતે દ્વારકાની આસપાસ વિસ્તારોમાં પવનની ગતિ રહેશે, અહી પવન અને અતિભારે વરસાદ આવી શકે છે. ભાવિક ભક્તનો બે હાથ જોડી વિનંતી સહયોગ આપો. તાત્કાલિક ક્યાંય ફરવા જવાનો પ્લાન ન બનાવો. જો બનાવ્યો હોય તો તેને હાલ પૂરતો મુલતવી રાખો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માહિતી આપવામા આવી રહી છે. દરિયા વિસ્તારમાં ગામડાઓમાં અલગ અલગ ટીમ બનાવીને સ્થળાંતર ચાલુ કરાયું છે. કુલ 38 અને 44 ગામ ભયજનક સ્થિતિમાં છે. 38 ગામ એવા છે જે દરિયાથી 5 કિલોમીટર નજીક અને 44 ગામ દરિયાથી 10 કિમી નજીકમાં આવે છે. તે તમામાં અમે જઈશું. રાત સુધી ત્યાના નીચાણવાળા વિસ્તારના લોકોને અન્ય સ્થળે ખસેડવાની કામગારી ચાલુ રાખીશું.
તો બીજી તરફ, ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સોમનાથ મહાદેવથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભક્તો ચાલુ વરસાદે પણ મૃત્યુંજય મહાદેવ સોમનાથ મહાદેવને બિપોરજોય વાવાઝોડાના સંકટમાંથી ઉગારી લેવા પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
બિપોરજોયને વાવાઝોડાને લઈ રાજ્યના મહત્વના યાત્રાધામોમાં મોટો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને પહાડો પર જે મંદિરો આવેલા છે ત્યા રોપવે સેવા બંધ કરાઈ છે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ સહિત ગિરનાર અને ગબ્બર ખાતે રોપવે સેવા બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની આગાહી અને સંભવિત અસરોને લઈ રોપ વે સેવા બંધ રહેશે. 13 જૂન થી 16 જૂન સુધી પાવાગઢ સહિત ત્રણે યાત્રાધામો ખાતે રોપ વે સેવા બંધ રહેશે. ઉષા બ્રેકો દ્વારા યાત્રાધામો ખાતે 13 જૂન થી 16 જૂન સુધી એટલે 4 દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાવાઝોડાને લઈ યાત્રાળુઓની સલામતીને લઈ ઉષા બ્રેકો દ્વારા નિર્ણય લેવાયો છે. હાલ માં પાવાગઢ ખાતે પવન 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી ફૂંકાતો હોવાથી અને આગામી દિવસોમાં પવન ની તીવ્રતા વધુ રહેવાના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે.
આવી જ હાલત, ગુજરાતના મોટાભાગા દરિયા કિનારાની છે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા પર હાલ વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. આવામાં જો તમે તમે પ્રવાસ કરવાનું વિચારતા હોય તો ખાસ ટાળજો. અથવા વાતાવરણ જોઈને તમને બહાર ફરવા જવાનું મન થઈ જાય તો પણ ટાળજો.
સાવચેતીના ભાગરૂપે નારાયણ સરોવર/કોટેશ્વર મંદિર તા.૧૩/૬ થી ૧૫/૬ સુધી યાત્રાળુ/પ્રવાસીઓ માટે બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો છે. કચ્છ જિલ્લામાં આગામી સમયમાં બિપરજોય વાવાઝોડાની આગાહી હોવાથી સરકાર વહીવટ હેઠળના કોટેશ્વર તથા નારાયણ સરોવરના મંદિરો કે જે દરિયા કિનારે આવેલા હોઇ, યાત્રાળુઓની સલામતીને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવા ઉચિત જણાતું હોઇ તા.૧૩/૦૬/૨૦૨૩ થી તા.૧૫/૦૬/૨૦૨૩ સુધી યાત્રાળુ/પ્રવાસીઓ માટે બંધ રાખવા કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે